વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસીમાં 400 જેટલા એકમોને મંજૂરી મળતા ફરી ધમધમતા થયા
- રાજ્ય સરકાર દ્વારા શરતોને આધીન છૂટછાટ આપી નિયમોનું પાલન નહીં કરાય તો યુનિટ બંધ કરાવવાની ચિમકી
આણંદ, તા.28 એપ્રિલ 2020, મંગળવાર
આણંદ પાસેના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જીઆઈડીસી ખાતે લોકડાઉન દરમ્યાન છુટછાટો મળતા ૪૦૦ જેટલા ઔદ્યોગિક એકમો પુનઃ ધમધમતા થયા છે. છેલ્લા ઘણાં દિવસથી સુમસામ પડેલા ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થતા જીઆઈડીસી ખાતે ચહલપહલ વધવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ગાઈડલાઈન મુજબ આ ઔદ્યોગિક એકમો ચલાવવામાં આવી રહ્યા હોવાનું એસોસીએશન દ્વારા જણાવાયું છે.
સૌપ્રથમ ૨૧ દિવસના લોકડાઉન બાદ લોકડાઉનની અવધિ લંબાવી તા.૩ મે સુધી કરવામાં આવી છે. જો કે આર્થિક પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં શરતી છુટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત આણંદ પાસેના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો ચાલુ કરવા માટે વિઠ્ઠલ ઉદ્યોગનગર એસોસીએશન દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર સાથે મિટીંગ કરતા કલેક્ટર દ્વારા ફેક્ટરી માલિકોને સરકારની ગાઈડલાઈન મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવી ફેક્ટરીમાં કામ કરતા કામદારો સહિત કર્મચારીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવા જણાવાયું હતું. જો કે આકરા નિયમોને લઈને એસોસીએશન દ્વારા જે-તે સમયે ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ગત શનિવારના રોજથી ધીમે-ધીમે ઔદ્યોગિક એકમો શરૃ કરવામાં આવ્યા છે. ગત શનિવારે વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જીઆઈડીસીમાં આવેલ ૧૫૦થી વધુ યુનિટ શરૃ થયા હતા. બાદમાં ગઈકાલે વધુ ૪૦૦ જેટલા યુનિટ શરૃ થતાં છેલ્લા કેટલાક દિવસોથી શાંત પડેલ જીઆઈડીસી ધમધમતી થઈ છે.