For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉમરેઠના રાહ તલાવ ગામે વેલ્ડિંગની દુકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

Updated: Mar 15th, 2023

Article Content Image

- ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

- ગોધરાના શખ્સને આણંદ એલસીબી પોલીસે ઝડપી  રૂા. 38 હજારનો લોખંડનો સરસામાન કબજે લીધો

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના રાહ તલાવ ગામે આવેલ વેલ્ડિંગની દુકાનમાંથી ઘરફોડ ચોરી કરનાર ગોધરાના શખ્સને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડી રૂા.૩૮ હજારનો લોખંડનો સરસામાન કબજે લીધો હતો. પોલીસે તેની સાથે સંડોવાયેલ અન્ય ૩ શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતરમાં ઉમરેઠ તાલુકાના રાહ તલાવ ગામે આવેલ એક હોસ્પિટલની નજીકની વેલ્ડિંગની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને દુકાનનું શટર ઉંચું કરી ફેબ્રીકેશનને લગતો રૂા.૭૭૫૦૦નો સરસામાન ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે ભાલેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટના અંગે આણંદ એલસીબી પોલીસની ટીમ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરા દ્વારા શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં એક પીકઅપ ડાલુ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ દ્વારા વાહન માલિકની માહિતી મેળવતા તે ગોધરાનો સુફીયાન સાદીક હયાત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગોધરાના સુફીયાન હયાત અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરતા અલગ-અલગ સ્થળોએ થયેલ ચોરીઓના ગુનામાં તેની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરતા આ ગુનામાં વપરાયેલ પીકઅપ ડાલુ સુફીયાન પોતે વાપરતો હોવાનું અને આણંદ ઈસ્માઈલનગર ખાતે આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી ગતરોજ એલસીબી પોલીસની ટીમે સામરખા ચોકડી નજીક ગુપ્ત વોચ ગોઠવી પીકઅપ ડાલુ પકડી પાડયું હતું. પોલીસે પીકઅપ ડાલામાં તપાસ કરતા લોખંડના દરવાજા સહીતનો સામાન મળી આવ્યો હતો. જે અંગે ચાલક સુફીયાન સાદીક હયાતની પૂછપરછ કરતા એકાદ સપ્તાહ પૂર્વે રાત્રીના સુમારે તેણે તથા તેના અન્ય ત્રણ સાગરીતોએ મળી રાહ તલાવ રોડ પર આવેલ વેલ્ડીંગની દુકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે સૂફીયાન સાદીક હયાત વિરુધ્ધ ગુનો નોંધી લોખંડનો સરસામાન તથા પીકઅપ ડાલુ મળી કુલ્લે રૂા.૫.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ચોરીમાં સંડોવાયેલ અન્ય શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તે અબ્દુલમજીદ તૈયબ અસ્લા, હુસેન ઉર્ફે લાભડા ફારૂક અસ્લા અને શકીલ ઉર્ફે કાલીયા અશરફ ભડંગ (તમામ રહે.ગોધરા) હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે પોલીસે સુફીયાન હયાત વિશે વધુ તપાસ કરતા તેના વિરુધ્ધ ગોધરા, મોડાસા, કાલોલ, મોરવા, બોરસદ તથા વડોદરા પોલીસ મથકમાં દસ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું ખુલવા પામ્યું હતું. 

સાથે સાથે આ ગુનાઓમાં તે અગાઉ પોલીસના હાથે પકડાયો હતો તેમજ ગોધરા રેલ્વે પોલીસ ઉપર તેણે હુમલો કર્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Gujarat