- ઓડ-સારસા રોડ પરથી મળેલી લાશ અંગે ખુલાશો
- પાક બચાવવા તાર ફ્રેન્સિંગમાં વીજ પ્રવાહ શરૂ કર્યો હતો, કોઇને ખબર ન પડે તે માટે લાશને તલાવડી પાસે મુકી દેવાઇ હતી
આણંદ : આણંદ તાલુકાના ઓડ-સારસા રોડ ઉપર આવેલ એક ફેક્ટરી નજીકના ખેતરમાંથી ત્રણ દિવસ પૂર્વે એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવતા આધેડનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હોવાનું ખુલવા પામ્યું હતું.
જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરતા ખેતર માલિકે પાક બચાવવા માટે ફેન્સીંગ તારમાં પસાર કરેલ ઝાટકા કરંટથી આધેડનું મૃત્યુ થયું હોવાનું ખુલતા ખેતર માલિક સહિત છ શખ્સ વિરુધ્ધ મનુષ્યવધની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજથી ત્રણેક દિવસ પૂર્વે ઓડ-સારસા રોડ ઉપર આવેલ પોષક ફેક્ટરી નજીક એક ખેતરમાં અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ખંભોળજ પોલીસે મૃતદેહનો કબજો મેળવી અપમૃત્યુનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જેનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાતા વીજ કરંટ લાગવાથી આધેડનું મૃત્યુ થયું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે શંકા આધારે તપાસ હાથ ધરતા ખેતર માલીકોએ પાક બચાવવા સારુ ફેન્સીંગ તાર પર કરંટ પસાર કર્યો હોવાનું ખુલ્યું હતું અને ખેતરમાં રહેતા પપ્પુભાઈ મકવાણાએ તારની વાડ પાસે કોઈ અજાણ્યો મૃત્યુ પામ્યો હોવાનું ખેતર માલિક સુમીશભાઈને જણાવતા સુમીશભાઈએ પોતાના ઓળખીતા અરવિંદભાઈ ગોવિંદભાઈ રોહિત, રમેશ ઝવેર ઠાકોર, દિનેશ રામા પરમાર, પુંજા તેજા રાવળ અને પપ્પુ પુજા ઉર્ફે તેજા રાવળની મદદ લઈ મૃતદેહને નજીકની તલાવડી પાસે મુકાવી દીધો હોવાની કબુલાત કરતા પોલીસે તમામ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી મૃતકની કોઈ ઓળખ થઈ શકી નથી.


