આણંદ જિલ્લામાં 3 દિવસે વાદળછાયા વાતાવરણથી કાળઝાળ ગરમીમાં થોડી રાહત
- અરબ સાગર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમથી
- હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય ઉકળાટનો અનુભવ : ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા
આણંદ, તા.31 મે 2020, રવિવાર
અરબ સાગર તથા બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહેલ લો પ્રેશર સીસ્ટમને લઈ ગુજરાતના કેટલાક સ્થળોએ વાવાઝોડુ ફુંકાવાની સંભાવના છે ત્યારે શુક્રવાર સમીસાંજ બાદ આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ગઈકાલે જિલ્લાના કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ વરસ્યો હતો.
તો બીજી તરફ આજે સવારના સુમારે પણ જિલ્લામાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહેતા છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલ જિલ્લાવાસીઓએ હાલ કેટલેક અંશે રાહત મેળવી છે. જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા હજી પણ જિલ્લાવાસીઓ બાફના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે સવારના સુમારે આકાશમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે શુક્રવાર સમીસાંજ બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને તેજ પવનો ફુંકાવાની સાથે વાદળોની ગર્જના સંભળાવવા લાગી હતી. વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા વચ્ચે જિલ્લાના ખંભાત, બોરસદ, પેટલાદ સહિતના કેટલાક વિસ્તારોમાં શુક્રવારની રાત્રિના સુમારે જોરદાર પવન સાથે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેને લઈ છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલ જિલ્લાવાસીઓએ હાલ ગરમીમાંથી આંશિક રાહત મેળવી છે. પવનની તેજ ગતિ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારના સુમારે પણ જિલ્લામાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના સુમારે સૂર્યદેવતા અને વાદળો વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલતો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી છે ત્યારે કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે.