ખંભાત તાલુકાના કલમસર પાસેની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ભભૂકતા દોડધામ
- મોડી રાત્રીના આગ ભભૂકતાં સ્થાનિક તંત્રમાં અફડાતફડી
- અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરતાં સ્થાનિકોમાં ફફડાટ
આણંદ, તા.28 જૂન 2020, રવિવાર
ખંભાત તાલુકાના કલમસર ગામ પાસે આવેલી જય કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં રાત્રીના નવ વાગ્યાના સુમારે કોઈ કારણસર એકાએક આગ લાગતાં અફડા તફડી સર્જાઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરતાં આસપાસના સ્થાનિક રહીશોમાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિના પગલે ફફડાટ વ્યાપી ગયો હતો.
કેમિકલ ફેકટરીમાં લાગેલી ભિષણ આગને બુઝાવા માટે ખંભાત, આણંદ સહિત જિલ્લાના પાંચ જેટલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ કલાકો બાદ રાત્રિના ત્રણ વાગ્યાને આગ પર કાબૂ મેળવવાનો અંશતઃ સફળતા મળી હતી.
આણંદ જિલ્લાના ખંભાતના કલમસર પાસે આવેલી જય કેમિકલ ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં રાત્રિના નવ વાગ્યાના સુમારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે આણંદ, કરમસદ, વડોદરા અને ગુજરાત પેટ્રો કેમિ. ફાયર ડિપાર્ટમેન્ટ સહિતના પાંચથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતાં. જો કે ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતુ. જેના પગલે ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ રાત્રિના ત્રણ વાગ્યાના સમયે આગ પર અંશતઃ કાબૂ મેળવી લીધો હતો.