આણંદ જિલ્લામાં દર્દીઓના સેમ્પલ લેનાર કર્મીઓની સુરક્ષા માટે કેબીન તૈયાર કરાઇ
- જિલ્લામાં સંક્રમણ વધતા ૨૪ કલાકના ટૂંકા ગાળામાં સુરક્ષિત કેબીન બનાવાઈ
આણંદ, તા. 17 એપ્રિલ, 2020, શુક્રવાર
હાલમાં કોરોના વાઈરસના સંક્રમણને નાથવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કોરોનાના સંક્રમણમાં આવેલા નાગરીકોના ટેસ્ટ સેમ્પલની ચકાસણીની કામગીરી કરવામાં આવી છે. નાગરીકોના સેમ્પલ લેવાય તે સમયે સેમ્પલ મેળવનાર વ્યક્તિની પણ સલામતી ખૂબ જ જરૃરી છે.
જેને ધ્યાનમાં રાખીને કેનબેરા કેમીકલ્સ, નંદેસરી જી.આઈ.ડી.સી.ના બાબુભાઈ પટેલ અને પ્રશાંતભાઈ દ્વારા સેમ્પલ લેવા માટે સુરક્ષીત કેબીનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને વડોદરામાં ૩ સ્થળો પર સુરક્ષીત કેબીનને ઉપયોગ માટે મુકવામાં આવી હતી ત્યારે વર્તમાનમાં આણંદ જિલ્લામાં રહેલા કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંસદના અનુરોધ પર દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ એકેડમી વડોદરા દ્વારા આણંદ જિલ્લામાં પણ ૪૮ કલાકના ટૂંકાગાળામાં આ પ્રકારની કેબિન ઉપલબ્ધ કરવામાં આવી હતી. તેમજ કલેક્ટર આર.જી.ગોહિલ અને આરોગ્ય અધિકારી એમ.ટી.છારી દ્વારા આ કેબિનની મંજુરી આપવામાં આવી હતી.
જે બાદ આજે બાકરોલમાં આવેલ સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઈન કરેલા નાગરીકોના સેમ્પલની કામગીરી માટે આ કેબિનને ઉપયોગમાં લેવામાં આવશે. આરોગ્ય અધિકારી એમ.ટી. છારીએ આણંદ જિલ્લો હાલમાં કોરોનાના સંક્રમણમાં ઓરેન્જ ઝોનમાં આવેલ હોવાથી આ પ્રકારની કેબિન ર્ડાક્ટરો અને નર્સોને ખૂબ જ મદદરૃપ બનશે અને તેઓની સુરક્ષા પણ જળવાઈ રહેશે તેમ જણાવ્યું હતું. હાલમાં સાંસદ હોમ કોરોન્ટાઈન હોઈ પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલે જિલ્લાના અગ્રણીની ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર આણંદને અર્પણ કરવામાં આવી હતી.