આણંદ નગર પાલિકાની સામાન્ય સભામાં 93 કામો મંજૂર કરાયા
- ચર્ચા વગર જ ગણતરીની મિનિટોમાં સભા આટોપી લેવાઇ
- કેટલાક કામોને લઇને વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો, પ્રિ-મોન્સુન કામગીરી અંગેના કામોને મંજૂરી મળી
આણંદ : આણંદ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે યોજાયેલ સામાન્ય સભા પરંપરાગત રીતે ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવાઈ હતી. બહુમતીના મંજૂર..મંજૂર...ના શોર વચ્ચે એજન્ડાના ૯૧ તથા વધારાના બે કામ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે વિરોધ પક્ષે કેટલાક કામોને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આણંદ નગરપાલિકાની સામાન્ય સભા આજે બપોરના ૧૨-૦૦ કલાકે નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ તથા નગરપાલિકાના ચીફ ઓફીસર એસ.કે. ગરવાલની ઉપસ્થિતમાં યોજાઈ હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજની સામાન્ય સભા પણ શરૂ થતાંની ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવાઈ હતી.
સામાન્ય સભામાં એજન્ડાના ૯૧ તથા વધારાના બે કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. જેમાં મુખ્યત્વે શહેરના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડ, બ્લોક પેવીંગ, સ્ટ્રીટ લાઈટ તેમજ સફાઈના કામ લેવામાં આવ્યા હતા. આણંદ નગરપાલિકા તથા બાકરોલ ઝોન વિસ્તારમાં ચોમાસા દરમ્યાન ખરાબ થઈ ગયેલ રસ્તાઓનું સમારકામ અને રીસરફેસીંગ કરવા અંગે સહમતી સધાઈ છે.
ઉપરાંત આગામી ચોમાસાને અનુલક્ષીને વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેઈનની ચેમ્બરોની સફાઈ કરવાની કામગીરી અંગે પણ નિર્ણય લેવાયો છે. સાથે સાથે ગટરલાઈનની પણ સાફસફાઈ હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે આણંદ શહેરમાં આવેલ જુદા જુદા કાંસમાંથી જંગલી વનસ્પતિની પણ સાફ-સફાઈ કરવામાં આવશે. આણંદ તથા બાકરોલ ઝોન વિસ્તારના અલગ અલગ સ્થળોએ જાહેર રસ્તા ઉપર નવી સ્ટ્રીટ લાઈટ પણ નાંખવામાં આવશે.
એજન્ડાના ૯૧ કામ ઉપરાંત વધારાના બે કામ હાથ પર લેવાયા છે. જેમાં આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનનો ભાડા પટ્ટો ૧૧ મહિના માટે વધારી આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ તા.૧૨-૪-૨૦૨૨ના રોજ દરખાસ્ત કરી હતી. જે અંગે આજદિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેથી ૧૯-૪-૨૦૨૩ના રોજ આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને જાણ કરાઈ હતી. જે માટે નવીન એગ્રીમેન્ટ કર્યા તારીખથી ભાડા પટ્ટો ગણવાની માંગણી કરાતા ઠરાવ નં.૩૨૪ તા.૧૦-૨-૨૦૨૩થી મંજૂર થયા મુજબ આગળની કાર્યવાહી કરવા પ્રમુખને સત્તા સોંપવામાં આવી છે.
પાલિકાને થયેલા આર્થિક નુકશાનની વિગતો જાહેર કરો
વોર્ડ નં-૩ના કાઉન્સીલર મહંમદ ઈલ્યાસ આઝાદે નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખીત રજૂઆત કરી જણાવ્યું હતું કે ગત તા.૨૧-૧૨-૨૦૨૨ના રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં બહુમતીના જોરે મંજૂર કરાયેલ કામો પૈકી ૩ કામો ઉપર પ્રાદેશિક કમિશનર દ્વારા પાલિકા અધિનિયમની કલમ હેઠળ વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. તે કામો કોના ફાયદા માટે તથા કયા કામો ઉપર મનાઈ હુકમ આવ્યો અને પાલિકાને કેટલું નુકશાન થયું તેની સંપૂર્ણ માહિતી આણંદ શહેરના નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
3.70 લાખના ખર્ચે નવા કોમ્પ્યુટર ખરીદાશે
ટેકનોલોજીના યુગમાં તમામ કામગીરી ઓનલાઈન થઈ રહી છે ત્યારે હાલ આણંદ નગરપાલિકામાં ઈ-નગર તથા ઈ-સરકારનું ઓનલાઈન કામગીરી કરવા માટે જૂના કોમ્પ્યુટરો ઉપયોગમાં લેવાતા હોઈ કામગીરી ખૂબ મંદ ગતિએ ચાલે છે. જેને લઈ નગરપાલિકાના જુદા જુદા વિભાગ માટે નવા છ નંગ કોમ્પ્યુટર ખરીદવાની જરૂરીયાત હોઈ રૂા.૩.૭૦ લાખના ખર્ચે નવા કોમ્પ્યુટરની ખરીદી કરવામાં આવશે.
જો કે નવા કોમ્પ્યુટરોની ખરીદી બાદ કર્મચારીઓની કામગીરીમાં વેગ આવે છે કે કેમ તે તો સમય બતાવશે.