આણંદના પોશ વિસ્તારોમાં કોરોનાનો ભરડો જિલ્લામાં વધુ 9 પાંચ પોઝિટિવ કેસ
- તારાપુરના આમલીયારા ગામમાં પણ કોરોનાનો પગ પેસારો
- શહેરના 100 ફૂટ રોડની હિમાલીયા રિટ્રીટ, 80 ફુટ રોડના વ્રજધામ બંગ્લોઝમાં કેસ નોંધાતા પાલિકા, આરોગ્યની ટીમો દોડી ગઈ
આણંદ, તા. 30 જૂન 2020, મંગળવાર
આણંદ શહેરના પૂર્વ વિસ્તારને કોરોના વાયરસે ઝપેટમાં લીધા બાદ હવે ધીમે-ધીમે કોરોના વાયરસ શહેરના પોશ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે શહેરીજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
આજે આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ હીમાલયા રીટ્રીટ તથા ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ વ્રજધામ બંગ્લોઝ ખાતે કોરોના વાયરસના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા પાલિકા તથા આરોગ્ય તંત્રની ટીમો આ વિસ્તારોમાં દોડી ગઈ હતી. બીજી તરફ જિલ્લાના તારાપુર તાલુકાના આમલીયારા ગામમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે સાથે જિલ્લાના ખંભાત તેમજ આણંદની રોયલ સીટી ખાતેથી પણ કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં આજે કોરોના વાયરસના કુલ પાંચ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયા બાદ હવે આણંદ શહેરના પોશ વિસ્તારમાં પણ કોરોના વાયરસે દેખા દીધી છે. આણંદ શહેરના ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ વ્રજધામ બંગ્લોઝ ખાતે રહેતા એક ૫૦ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓને આણંદની જનરલ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ હીમાલયા રીટ્રીટમાં રહેતા ૫૦ વર્ષીય પુરૃષની તબિયત લથડતા તેઓએ આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા અશ્વિની મેડિકલ ખાતે તેઓનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં તેઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓને કરમસદ ખાતેની મેડિકલ હોસ્પિટલમાં રીફર કરાતા મેડિકલ હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી રહી છે. સાથે સાથે આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રીજ વિસ્તારમાં આવેલ રોયલ સીટી ખાતે રહેતા એક ૬૮ વર્ષીય પુરૃષનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા છે. આણંદ શહેરના પોશ વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી કોરોના વાયરસના કેસ મળી આવતા પાલિકા તંત્ર તથા આરોગ્ય વિભાગની ટીમો આજે સવારના સુમારે કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધર્યું હતું. સાથે સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારને સીલ મારી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ જિલ્લાના તારાપુર તાલુકાના આમલીયારા ગામમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતા આમલીયારા ગામના સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા એક ૩૬ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓને તારાપુરની એક ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. સાથે સાથે ખંભાતની રામનગર સોસાયટીમાં રહેતા એક ૪૨ વર્ષીય પુરૃષ પણ કોરોનાની ઝપેટમાં આવતા તેઓને કાર્ડિયાક કેર સેન્ટર ખંભાત ખાતે આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ સાથે આણંદ જિલ્લામાં કોરોનાના કુલ પોઝીટીવ દર્દીઓનો આંક ૨૩૦ ઉપર પહોંચ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી છે.