Get The App

એસપી યુનિવર્સિટીની સિન્ડિકેટ સભામાં 76 કામો સર્વાનુમતે મંજૂર

Updated: Jan 31st, 2023

GS TEAM

Google News
Google News
એસપી યુનિવર્સિટીની સિન્ડિકેટ સભામાં 76 કામો સર્વાનુમતે મંજૂર 1 - image

- જી-20 માટે યુનિ.ને રૂા. 10 લાખ ફાળવવામાં આવ્યા

- 3 નર્સિંગ કોલેજોમાં અધ્યાપકોની ભરતી કરવા તાકીદ : તા. 13 અને 14 મીએ શાસ્ત્રી મેદાન ખાતે મિલેટસનું આયોજન

આણંદ : પાંચ દિવસ પૂર્વે મુલ્તવી રહેલ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ સભા સોમવારના રોજ યુનિ.ના કુલપતિના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડાના તથા વધારાના મળી ૭૬ કામો અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ સર્વાનુમતે મંજૂરી સાધવામાં આવી હતી. 

સ.પ. યુનિ.ના કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમવારે મળેલ સિન્ડીકેટ સભામાં ૧૫ સભ્યો હાજર રહ્યા હતા. આ સિન્ડીકેટ સભામાં યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોમાં ૩૪ અધ્યાપકોની માન્યતા અંગેના કામને સર્વાનુમતે મંજૂર કરાયું હતું. 

યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણશાસ્ત્ર વિભાગ તથા એમ.બી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં બે વર્ષનો અજમાયશી સમય પૂર્ણ થતા ૧૨ અધ્યાપકોને કાયમી કરવાનો નિર્ણય લેવાયો હતો. વધુમાં યુનિ.ના કુલપતિના જણાવ્યા મુજબ યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોમાં ઓન-ધ-સ્પોટ કમિટીની તપાસ બાદ રજૂ કરાયેલ રીપોર્ટ મુજબ યુનિ. સંલગ્ન ત્રણ નર્સિંગ કોલેજોમાં અધ્યાપકોની ઘટ હોવાનું માલૂમ પડતા જે-તે કોલેજોને નોટિસ પાઠવી અધ્યાપકોની ભરતી કરવા તાકીદ કરાશે.

 એફઈ કમિટીની ભલામણો સ્વીકારવામાં આવી છે. નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ભારતીય જ્ઞાાન સંપદા ઉપર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે યુનિ. ખાતે ઈન્ડિયન નોલેજ સેન્ટર શરૂ કરવા માટે સહમતી સધાઈ છે. સાથે સાથે જી-૨૦ માટે યુનિ.ને રૂા.૧૦ લાખ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં યુનિ.ના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના સહયોગથી આગામી તા.૧૩ અને ૧૪મીએ શાસ્ત્રી મેદાન ખાતે મિલેટસનું આયોજન કરાયું છે.

રાજ્યના ટુરીઝમ વિભાગ દ્વારા સ.પ.યુનિ.ને રૂા.૭૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત યુનિ. દ્વારા ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે કામગીરી કરાશે જેમાં ખંભાત ફીશરી પાર્ક, મલાતજ, ફાંસીયાવડ સહિતના કેટલાક સ્થળોને યાત્રાધામ તરીકે વિકસાવવાનું આયોજન કરાશે. સાથે સાથે આણંદ જિલ્લાના ગેેઝેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જે હવે સરકારમાં સબમીટ કરવામાં આવશે. 

વહીવટી કર્મચારીઓની ભરતીનો પ્રશ્ન યથાવત્

વિદ્યાનગરની સ.પ.યુનિ.માં છેલ્લા ઘણા વર્ષોથી વહીવટી કર્મચારીઓની ભરતીનો પ્રશ્ન સળગતો રહેવા પામ્યો છે. યાટે નિરસતા દાખવવામાં આવતી હોવાની ચર્ચાઓ જાગી છે. થોડા સમય પૂર્વે બીનશૈક્ષણિક જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવ્યા બાદ અરજીઓ મંગાવાઈ હતી. જેની સ્ક્રૂટિની થઈ ગઈ હોવા છતાં છેલ્લા ઘણા મહિનાથી આ કામગીરી ટલ્લે ચઢી હોવાનો સૂર જાગૃતોએ વ્યક્ત કર્યો છે.

આગ અને હિસાબી ગોટાળાનો પ્રશ્ન વણઊકલ્યો

છેલ્લા ઘણા વર્ષોથી સ.પ.યુનિ.ના બાયો સાયન્સ વિભાગમાં લાગેલ આગ અને યુનિ. ખાતે થયેલ રૂા.૩૮ કરોડના હિસાબી ગોટાળાનો પ્રશ્ન આજે પણ વણઉકલ્યો રહેવા પામ્યો છે. હિસાબી ગોટાળામાં અગાઉ કમિટીની રચના બાદ કમિટીના કેટલાક સભ્યોએ પાછા પગલા ભરતા મામલો ટલ્લે ચઢ્યો હતો. ત્યારબાદ નવી કમિટીની રચના પછી હજી પણ આ મામલે ગોકળગાય ગતિએ તપાસ ચાલતી હોઈ દાળમાં કંઈ રંધાઈ રહ્યું હોવાની ચર્ચાઓ યુનિ.સંકુલમાં જોર પકડયું છે.