આણંદ પાલિકાની પ્રથમ બોર્ડ બેઠકમાં 73 કામો મંજુર
- વિપક્ષી કાઉન્સિલરોએ વોકઆઉટ કર્યું
- વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીના જોરે નિર્ણય લઈ ગણતરીની મિનિટોમાં બેઠક આટોપી દેવાઈ
આણંદ નગરપાલિકાની બાકી રહેલી અઢી વર્ષની મુદત માટે નવા ચૂંટાયેલા પ્રમુખ જિજ્ઞોશભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકાની બોર્ડ બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રગીત સાથે શરૂ થયેલ સભાનું કામકાજ આગળ ધપે તે પહેલાં વિપક્ષના કાઉન્સીલરોએ વિરોધ વ્યક્ત કરી એજન્ડાની કોપીઓ ફાડી નાખતા મામલો ગરમાયો હતો. વિપક્ષી કાઉન્સીલરો ભ્રષ્ટાચાર બંધ કરોના નારા સાથે વોકઆઉટ કરી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
બીજી તરફ સત્તાપક્ષના તમામ કાઉન્સીલરો દ્વારા એજન્ડાના કુલ ૭૩ કામોને મંજૂરીની મહોર મારતા બેઠક ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવાઈ હતી. આજની સામાન્ય સભામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે શહેરના વિવિધ સ્થળોએ પાલિકા હસ્તકની જગ્યાઓ ફાળવવા ઉપરાંત નગરપાલિકા સંચાલિત કૈલાશ ભૂમિમાં અંતિમ સંસ્કાર માટેની ગેસ સગડીની મરામત, દાંડી માર્ગ ઉપર આવેલ સર્કલને અટલ સર્કલ નામકરણ કરવા જેવા કામોનો સમાવેશ કરાયો હતો.