67 ગામોનો પીવાના પાણી માટે મહી કેનાલ આધારિત જૂથ પાણી યોજનામાં સમાવેશ કરાયો
- ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાનાં
- મહીની મુખ્ય નહેરમાંથી કનેવાલ અને રાસ તળાવમાંથી ૧૫મી સુધી પાણી ન ખેંચવા જિલ્લા મેજિસ્ટ્રેટનું ફરમાન
આણંદ, તા.1 ઓગષ્ટ 2020, શનિવાર
આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાના કુલ ૬૭ ગામોનો પીવાના પાણી માટે મહી કેનાલ આધારીત જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા મહી સિંચાઈ વિભાગના સંકલનમાં રહી આ જુથ પાણી પુરવઠા યોજના માટે ચાલુ વર્ષ દરમિયાન મહી કેનાલમાં કેનવાલ, પરીએજ તથા રાસ તળાવમાં પીવાના પાણીના હેતુ માટે જરૃરીયાત પુરતું પાણી વહેવડાવવાની કામગીરી હાથ ધરવાની રહે છે.
જેથી મહી કેનાલમાં પુરતુ પાણી ન હોવાથી જો ખેડૂતો દ્વારા હયાત પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો ખંભાત, તારાપુર અને સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા જણાઈ આવતાં આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (એમ)થી મળેલ સત્તાની રૃઈએ આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાંથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેરમાંથી તેમજ કનેવાલ તથા રાસ તળાવમાંથી ખેડૂતો દ્વારા મશીન મૂકીને ખેતરોમાં સિંચાઈના હેતુ માટે આજથી તા.૧૫/૮/૨૦૨૦ સુધી પાણી નહીં ઉપાડવા ફરમાવેલ છે.
તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે તેમ આણંદના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરે એક યાદી દ્વારા જણાવ્યું છે.