આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ : ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો
- કાતિલ કોરોના હજી લોકોનો પીછો છોડતો નથી
આણંદ, તા. 20 જુલાઈ 2020, સોમવાર
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આજે પણ જિલ્લાના તાલુકા મથક પેટલાદના ધારાસભ્ય સહિત છ વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જિલ્લાના પેટલાદ, બોચાસણ, તારાપુર, નાપા તળપદ, બામણગામ અને કરમસદ ખાતેથી કોરોનાના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.
ગત તા.૬ જુલાઈના રોજથી કોરોના વાયરસે આણંદ જિલ્લામાં માથુ ઉચક્યું હતું અને અનલોક-૨માં જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા પામ્યું હતું. જે સતત જારી રહેવા પામ્યું છે. આજે પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના નવા ૬ પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાના દર્દીઓ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે નોંધાયેલ ૬ પોઝીટીવ દર્દીઓમાં પેટલાદની હરીહર સોસાયટી ખાતે રહેતા અને પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પરસોત્તમભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. હાલ તેઓને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે અને તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામે રામકૂવા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય પુરૃષ, તારાપુર તાલુકાના મદ્રેસા રોડ ઉપર આવેલ સીરોયા ફળિયા નજીક રહેતા ૬૨ વર્ષીય પુરૃષ તેમજ બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે પીપળાવાળા ફળીયામાં રહેતી ૬૦ વર્ષીય મહિલા કોરોનાની ઝપેટમાં આવી છે. સાથે સાથે આંકલાવ તાલુકાના બામણ ગામની લક્ષ્મીનારાયણ પોળ ખાતે રહેતા ૪૯ વર્ષીય પુરૃષ અને આણંદ પાસેના કરમસદ ગામે જીએમએમ ફેક્ટરીની સામે આવેલ મિલેનીયમ હાઈટ્સ ખાતે રહેતા ૪૫ વર્ષીય પુરૃષ પણ કોરોનામાં સપડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી બોચાસણના દર્દી વેન્ટીલેટર ઉપર જ્યારે તારાપુર અને નાપા તળપદ ગામના દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાના અહેવાલ સાંપડયા છે. ઉપરાંત બામણગામ અને કરમસદ ગામના દર્દીઓની હાલત સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.