Get The App

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ : દર્દીઓનો કુલ આંક 156

- અનલોક -૧માં શહેર-જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો

- આણંદમાં 2, ઉમરેઠમાં 2 અને પેટલાદમાં 1 કેસ નોંધાયા નવા વિસ્તારોમાં ચેપ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો

Updated: Jun 21st, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ : દર્દીઓનો કુલ આંક 156 1 - image


આણંદ, તા.21 જૂન 2020, રવિવાર

આણંદ શહેર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અનલોક-૧માં વધતાં ધીમે ધીમે નવા વિસ્તારો અને ગામો કોરનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે રવિવારે આણંદ શહેરના વેરાઈ માતાના મંદિર પાસેના વિસ્તાર અને અલકાપુરી સોસાયટી પાસે આવેલા કલાસિયા બજાર વિસ્તારમાં એક-એક કેસ નોંધાયો હતો જ્યારે ઉમરેઠના સેલતીયાકુવા, કાછીયા પટેલ વાડી પાસે અને જાંબાબારી વિસ્તારમાં એક-એક કેસ નોંધાયા હતા. 

જ્યારે પેટલાદના ફાગણીમાં કોરોનાનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા તેમજ નગરપાલિકાએ તમામ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી સર્વેની કામગીરી હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ આણંદ શહેર જિલ્લામાં અજગરી ભરડો લીધો છે ત્યારે કાળમુખો કોરોના રોજ નવા નવા વિસ્તારોમાં પગપેસારો કરતો હોવાથી આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રવિવારે આણંદ શહેરના વેરાઇ માતાના મંદિર પાસેના વિસ્તારમાં ૩૩ વર્ષીય યુવાન રવિકુમાર મારવાડીને સામાન્ય તાવ આવ્યા બાદ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવાતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અલકાપુરી સોસાયટી પાસેના કલાસિયા બજાર વિસ્તારમાં રહેતાં ૬૨ વર્ષિય જયેશકુમાર પટેલને પણ સામાન્ય તાવ આવ્યા બાદ ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતાં તા. ૨૦ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ઉમરેઠમાં એક જ દિવસમાં કોરોનાના બે કેસ નોંધાયા હતા જેમાં શેલતિયા કુવા કાછીયા પટેલની વાડી પાસે રહેતા ૫૫ વર્ષીય પુરુષને તેમજ જાંબાબારી વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીયપુરુષને કોરોનાના લક્ષણો જણાતાં ખાનગી દવાખાને બતાવ્યા બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

જ્યારે પેટલાદની ફાગણી વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસતારને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે અને સંક્રમણ અટકાવવાં તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. અનલોક-૧ માં કોરોનાનો કેસોમાં રોકેટ ગતિએ વધારો થતાં આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫૬ કેસ થયાં છે.

Tags :