પૈસાનો વરસાદ અને મલેશિયા નોકરી આપવાના બહાને તામસાના યુવાનને 35 લાખનો ચૂનો
- લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે ની માફક
- હાડેવાના શખ્સ સહિત ચાર વ્યક્તિઓએ યુવાનને વિશ્વાસમાં લઇ કટકે કટકે પૈસા ઉઘરાવી છેતરપિંડી કરી
આણંદ, તા.5 જૂન 2020, શુક્રવાર
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના તામસા ગામના એક યુવાનને ચાર શખ્શોએ ભેગા મળી મલેશીયા મોકલી નોકરી અપાવવાની તેમજ પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી રૃા.૩૫ લાખનો ચુનો ચોપડવાના બનાવમાં ખંભાત ગ્રામ્ય પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર ચાર શખ્શોને ઝડપી પાડી પાંચ દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગત મુજબ ખંભાત તાલુકાના તામસા ગામે રાજપૂત ફળીયામાં રહેતા વિક્રમભાઈ દિપસિંહ વણકર થોડા સમય પૂર્વે આશીષ ભટ્ટ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેઓનો માતર તાલુકાના હાડેવા ગામના રાજુભાઈ શેખ સાથે પરિચય થતા તેઓએ વિક્રમભાઈને મારી પાસે એક બાપુ છે જે પૈસાનો વરસાદ કરાવે છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો તમારે પૈસાનો વરસાદ કરાવવો હોય તો મને કહેજો. જેથી વિક્રમભાઈએ લાલચમાં આવી જઈ સંમતિ દર્શાવતા રાજુભાઈએ અમીનભાઈ સાથે મુલાકાત કરાવી હતી. દરમ્યાન અમીનભાઈએ જણાવ્યું કે નાણાંનો વરસાદ કરાવવા માટે વિધિ કરવી પડશે અને એના માટે રૃપિયાની જરૃર પડશે. જેથી વિક્રમભાઈએ તેઓને રૃ.૪.૫૦ લાખ આપ્યા હતા. બાદમાં આશીષભાઈ ભટ્ટ, રાજુભાઈ શેખ, આમીન અબ્દુલભાઈ શમા અને અબ્દુલભાઈ શમાએ વિક્રમભાઈના પુત્રને મલેશીયા નોકરી અર્થે મોકલવાનું જણાવી વધુ રૃ.૧૧ લાખ પડાવી બાદમાં વધુ નાણાં પડાવી કુલ્લે રૃા.૩૫ લાખની માતબર રકમ વિક્રમભાઈ પાસેથી લઈ કામ કર્યા ન હતા અને નાણાંની પરત માંગણી કરતા નાણાં પણ પરત ન આપી છેતરપીંડી આચરતા વિક્રમભાઈ વણકરે આશીષભાઈ સહિતના સાગરીતો સામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આશીષ ભટ્ટ (રહે.આણંદ), રાજુભાઈ શેખ (રહે.હાડેવા, તા.માતર), આમીન અબ્દુલભાઈ શમા અને અબ્દુલભાઈ શમા (બંને રહે.ડુંગરપુર, પાલીતાણા) વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન ખંભાત ગ્રામ્ય પોલીસે રૃા.૩૫ લાખની છેતરપીંડીના ગુનામાં મૂળ સુરેન્દ્રનગરના અને હાલ આણંદ ખાતે રહેતા આશિષકુમાર ભટ્ટ, ખેડા જિલ્લાના માતર તાલુકાના હાડેવા ગામે રહેતા રાજુભાઈ શેખ તેમજ પાલીતાણાના ડુંગરપુર ખાતે રહેતા આમીનભાઈ અબ્દુલભાઈ શમા તથા અબ્દુલભાઈ શમાને ઝડપી પાડી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.