Gujarat

આણંદ જિલ્લામાં 3 સ્થળેથી 3 યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઇ ગઈ

By GS Team
23 May 20202 mins read
This article was originally published on 23 May 2020
આણંદ જિલ્લામાં 3 સ્થળેથી 3 યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઇ ગઈ

આણંદ, તા.23 મે 2020, શનિવાર

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આણંદ જિલ્લામાં ગુમ થવાના બનાવોનો સીલસીલો જારી રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન આણંદ જિલ્લાના ભાટીયેલ, મહેળાવ તથા વટાદરા ગામની ત્રણ અલગ-અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાના ત્રણ અલગ-અલગ બનાવ પોલીસ મથકોએ નોંધાયા છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામે લીમડાવાળા ફળીયામાં રહેતા ઘનશ્યામભાઈ મનુભાઈ વાળંદની પુત્રી નિશા ઉર્ફે ડોલી (ઉં.વ.૧૯)ને થોડા દિવસ અગાઉ ઘરમાં તકરાર થતા પરિવારજનોએ તેણીને ઠપકો આપતા મનમાં લાગી આવતા નિશા ઉર્ફે ડોલી પોતાના ઘરેથી ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપતા થઈ હતી. પરિવારજનોએ તેણીની શોધખોળ કરતા-કરાવતા કોઈ અત્તોપત્તો ન લાગતા આખરે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુમ થવાના અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના મહેળાવ ગામે રૃપાટેકરી ખાતે રહેતી મનીષાબેન રામાભાઈ વાઘેલા (ઉં.વ.૨૨) ગત તા.૧૯ મેના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થઈ હતી. પરિવારજનોએ તેણીની શોધખોળ કરતા-કરાવતા કોઈ અત્તોપત્તો ન લાગતા આખરે તેણીના પિતાએ મહેળાવ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુમ થવાના વધુ એક બનાવ ખંભાત તાલુકાના વટાદરા ગામે બન્યો છે. 

વટાદરા ગામના ગોહેલની ખડકી ખાતે રહેતા નિલેશગીરી વલ્લવગીરી ગોસાઈની દિકરી જહાનવીબેન (ઉં.વ.૧૯) ગત તા.૨૧ મેના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી ક્યાંક ચાલી જઈ ગુમ થઈ હતી. આ બનાવ અંગે તેણીના પિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર યુવતીની સઘન શોધખોળ આરંભી છે.