ધોળીકુઇ પાટિયા પાસે એસટી બસ બેકાબુ કાર વચ્ચે અકસ્માત ત્રણને ઇજા
- ખંભાત-ઉદેલ માર્ગ ઉપર આવેલા
- અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો બસના ડ્રાઈવરની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધાયો
આણંદ, તા.17 માર્ચ 2020, મંગળવાર
આણંદ જિલ્લાના ખંભાત-ઉંદેલ માર્ગ ઉપર આવેલ ધોળીકૂઈ પાટીયા નજીક એક કાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચતા સારવાર અર્થે ખંભાતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ ખંભાત ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ખંભાત એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જયેશકુમાર કાંતિભાઈ ગોર આજે સવારના સુમારે ધુવારણ ખાતેથી અમદાવાદ જવા એસ.ટી. બસ લઈને નીકળ્યા હતા.
દરમ્યાન તેઓની એસ.ટી. બસ ધુવારણ-ખંભાત રોડ ઉપર થઈ ઉંદેલ ગામથી અમદાવાદ તરફ જવા નીકળી હતી ત્યારે ધોળીકૂઈ ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક કારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે અને રોંગ સાઈડે હંકારી લાવી એસ.ટી. બસ સાથે અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર સાથે એસ.ટી. બસ ધડાકાભેર અથડાતા કારનો લોચો થઈ ગયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી અકસ્માતગ્રસ્ત કારમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે તુરંત જ ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અકસ્માતની જાણ ખંભાત ગ્રામ્ય પોલીસને થતાં પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી બાજુમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે એસ.ટી. બસના ડ્રાઈવરની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.