આણંદ જિલ્લામાં ધોરણ 10 માં 29182 છાત્રોએ પરીક્ષા આપી : 778 ગેરહાજર રહ્યા
- ભાષાના વિષયમાં પ્રશ્નપત્રો સરળ રહેતા છાત્રોએ ટેન્શનમુક્ત પરીક્ષા આપી
- બપોર બાદ યોજાયેલી ધો. 12ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 4937 જ્યારે અંગ્રેજી માધ્યમમાં ૫૫૫ છાત્રોએ પરીક્ષા આપી
- પરીક્ષા કેન્દ્રો ખાતે વાલીઓ- ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને મીઠું મો કરાવી ગુલાબના ફુલ આપી શુભેચ્છા પાઠવી
- ચરોતરમાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
આણંદ, તા.05 માર્ચ 2020, ગુરુવાર
ધો.-૧૦ અને ૧૨ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાનો ગુરૂવારના રોજથી સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. ધો.૧૦ના વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે એટલે કે ગુરૂવારના રોજ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. પરીક્ષાના બીજા સેશનમાં બપોરના સમયે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો તેમજ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાાન વિષયની પરીક્ષા યોજાઈ હતી.
પરીક્ષાનો પ્રથમ દિવસ હોઈ વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારથી જ વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ભીડ જોવા મળી હતી. આ સમયે વાલીઓ દ્વારા પોતાનું પાલ્ય સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ટેન્શનમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે સલાહ-સુચન આપતા નજરે પડયા હતા. ધો.૧૦ની ગુજરાતી વિષયની પરીક્ષામાં પ્રથમ દિવસે ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત માધ્યમમાં કુલ ૨૯૯૫૯ વિદ્યાર્થીઓ પૈકી ૭૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગુરૂવારના રોજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આણંદના ત્રણ ઝોનમાં મળી ધો.૧૦માં કુલ ૪૫૬૯૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૩૩૬ અને ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૬૩૬૦ મળી કુલ ૬૬૩૮૬ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. બોર્ડની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓ નિર્ભય રીતે કોઈપણ જાતના ડર, ગભરાટ અને ગેરરીતિઓ આચર્યા સિવાય શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુરૂવારના રોજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે શહેર સહિત જિલ્લાભરમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સવારે નવ વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમટી પડયા હતા.
આણંદ શહેરની સરદાર પટેલ ખેતીવાડી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી આવકાર્યા હતા અને મોઢુ મીઠુ કરાવી પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી. ધો.૧૦-૧૨ની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોત-પોતાના ઈષ્ટદેવના આશીર્વાદ મેળવી માતા-પિતાના આશીર્વાદ સાથે પરીક્ષાની શુભ શરૂઆત કરી હતી. ધો.-૧૦માં પ્રથમ પેપર ભાષા ગુજરાતીનું હતું. જ્યારે અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના પ્રશ્નપત્ર પ્રમાણમાં સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જ્યારે ધો.-૧૨ સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વિભાગના વિદ્યાર્થીઓએ નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા આપી હતી. ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં પરીક્ષાના પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાાન વિષયની પરીક્ષા લેવાઈ હતી. સવારથી જ પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને કોઈપણ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ તો દુર પણ પરીક્ષા કેન્દ્રની આસપાસ પણ ફરકવા દીધા ન હતા.
આણંદ- પેટલાદ અને આંકલાવ ઝોનમાં 778 છાત્રો ગેરહાજર
ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે આણંદ જિલ્લાના આણંદ, પેટલાદ અને આંકલાવ ઝોનમાં મળી કુલ ૭૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં આણંદ ઝોનમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મળી કુલ ૧૧૫૨૧ હાજર, ૨૮૫ ગેરહાજર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે પેટલાદ ઝોનમાં ગુજરાતી માધ્યમમાં ૮૫૮૮ હાજર, ૨૨૩ ગેરહાજર જ્યારે અંગ્રેજી માધ્યમમાં ૪૬૬ હાજર અને ૧ ગેરહાજર પરીક્ષાર્થી નોંધાયા હતા. આંકલાવ ઝોનમાં ગુજરાતી માધ્યમમાં ૮૧૩૪ હાજર અને ૨૬૬ ગેરહાજર તેમજ અંગ્રેજી માધ્યમમાં ૪૨૭ હાજર અને ૧ ગેરહાજર પરીક્ષાર્થી નોંધાયા હતા.
આણંદમાં કેટલીક જગ્યાએ પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ મશીનો ચાલુ રહ્યા
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓને લઈ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસમાં આવેલ ઝેરોક્ષ મશીનો બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પરીક્ષાના પ્રથમ દિવસે જ આણંદ શહેરના કેટલાક પરીક્ષા કેન્દ્રોની આસપાસ જાહેરનામાનું ઉલ્લંઘન કરી કેટલાક ઝેરોક્ષની દુકાનોના સંચાલકોએ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખી લોકોને ઝેરોક્ષ કાઢી આપતા જાગૃતોમાં આશ્ચર્યની લાગણી વ્યાપી હતી.