વઘાસી-બેડવા બ્રિજ પાસે ટ્રકે ટક્કર મારતાં કારમાં સવાર 2 મહિલાનાં મોત
- એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
- ઘાયલ 3 લોકોને હોસ્પિટલ ખસેડાયા : ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં માનસરોવર હાઈટ્સમાં રહેતા પંકજભાઈ જગજીવનભાઈ પટેલ વટવા જીઆઈડીસીમાં આવેલી એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી કરે છે. જન્માષ્ટમી પર્વની રજા હોવાથી તેઓ ગુરૂવારે રાત્રે પોતાના માતા-પિતા, પત્ની સહિતના પરિવારજનો સાથે પોતાની કારમાં સવાર થઈ અંકલેશ્વર જવા નીકળ્યા હતા.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા આણંદના વઘાસી-બેડવા ગામના બ્રીજ નજીકથી તેઓની કાર પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી અજાણી ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જઈ રહેલી કારને જોરદાર ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કર વાગતા કારનો લોચો વળી ગયો હતો અને કારમાં સવાર પાર્વતીબેન તથા વૈશાલીબેનને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે જગજીવનભાઈ, ભાવિક પટેલ અને દશ વર્ષીય નક્ષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ઘવાયેલા તમામને ત્વરીત સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસની ટીમે પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને મહિલાઓના મૃતદેહનો કબજો મેળવી આણંદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.