આણંદ તાલુકાના ખંભોળજમાં ગુમ થવાના 2 જુદા જુદા બનાવ
- વૃધ્ધ અને પરિણીતા રહસ્યમય રીતે લાપત્તા થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના ખંભોળજ ગામે ઈન્દિરાનગરીમાં રહેતા ભાલાભાઈ ઉમેદભાઈ સોલંકી (ઉં.વ.૭૩) ગત તા.૨૬મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ કરમસદ ખાતે રહેતી દિકરી મંજુલાબેનના ઘરે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરી રહસ્યમય રીતે લાપત્તા થયા હતા. જેઓની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા મળી આવ્યા ન હતા. આ બનાવ અંગે નટુભાઈ મહીજીભાઈ સોલંકીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના ખંભોળજ ગામે ધીરૂભાઈ અંબાલાલ પટેલના કૂવા પાસે રહેતા અરવિંદભાઈ કાંતિભાઈ સોલંકીના પત્ની દક્ષાબેન (ઉં.વ.૨૭) ગત તા.૨૫મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયા હતા. જેઓની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આ બનાવ અંગે તેઓના પતિ અરવિંદભાઈ સોલંકીએ ખંભોળજ પોલીસમાં જાણ કરી હતી.