Gujarat

બોરસદમાં કોરોનાના 2 કેસ : આણંદ જિલ્લામાં દર્દીઓનો કુલ આંક 111

By GS Team
8 Jun 20202 mins read
This article was originally published on 8 Jun 2020
બોરસદમાં કોરોનાના 2 કેસ : આણંદ જિલ્લામાં દર્દીઓનો કુલ આંક 111

આણંદ, તા.8 જૂન 2020, સોમવાર

છેલ્લા કેટલાક દિવસથી આણંદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ધીમે-ધીમે વધી રહ્યો છે. ગતરોજ જિલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૧૦ ઉપર પહોંચ્યો હતો. જો કે આજે બોરસદ ખાતેથી વધુ બે કોરોનાના કેસ મળી આવ્યા હોવાની ચર્ચા વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ ન નોંધાયો હોવાનું જણાવાતા આશ્ચર્યની લાગણી વ્યાપી છે.

 જો કે બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ જિલ્લામાં આજે કુલ પોઝીટીવ દર્દીનો આંક ૧૧૧ બતાવવામાં આવ્યો છે. કોરોના પોઝીટીવ કેસની આ આંકડાકીય રમત સૌ કોઈ માટે માથુ ખંજવાળવા સમાન બની ગઈ છે.

મે માસના પ્રારંભમાં આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું જોર નબળું પડયું હતું. જિલ્લાના હોટસ્પોટ ગણાતા ખંભાત ખાતે પણ કોરોનાના દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહથી આણંદ જિલ્લામાં ધીમે-ધીમે કોરોના વાયરસનું જોર પુનઃ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગત શનિવારના રોજ ખંભાતના નાગરવાડા ખાતે રહેતા એક ૫૨ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ રવિવારના રોજ ઉમરેઠ તાલુકાના અહીમા તેમજ ખંભાતના પીઠ બજાર ખાતેથી કોરોનાના બે પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. એક તરફ તાલુકા મથક ખંભાતમાં પુનઃ કોરોનાનું જોર વધી રહ્યું છે ત્યારે હવે જિલ્લાના અન્ય સ્થળોએ પણ કોરોનાના દર્દીઓ પ્રકાશમાં આવતા લોકડાઉનની છુટછાટ વચ્ચે જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. 

આજરોજ પણ જિલ્લાના તાલુકા મથક બોરસદની સાકરીયા વિસ્તારમાં રહેતી એક મહિલા તેમજ ફતેપુરા વિસ્તારમાં રહેતા એક પુરૃષનો કોરોનાના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની ચર્ચાએ બોરસદ પંથકમાં ફફડાટની લાગણી જગાવી હતી. જો કે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ અંગે પુષ્ટિ કરાયેલ નથી અને જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આજે જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી.ગતરોજ જિલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા કુલ દર્દીઓનો આંક ૧૧૦ ઉપર પહોંચ્યો હતો. 

જ્યારે આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રેસનોટમાં કુલ દર્દીઓનો આંક ૧૧૧ દર્શાવવામાં આવ્યો છે.