Get The App

ટ્રેક્ટરે ટક્કર મારતા બાઇક સવાર 2 વ્યક્તિના મોત નિપજ્યા, યુવતી ઘાયલ

Updated: May 22nd, 2023

GS TEAM


Google News
Google News
ટ્રેક્ટરે ટક્કર મારતા બાઇક સવાર 2 વ્યક્તિના મોત નિપજ્યા, યુવતી ઘાયલ 1 - image


- પેટલાદના દાવોલપુરા-સુંદરણા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો

- ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી અકસ્માત કર્યો, યુવતી સારવાર હેઠળ ખસેડાઇ

આણંદ : પેટલાદ તાલુકામાંથી પસાર થતા દાવોલપુરા-સુંદરણા માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ એક ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારી પાછળ આવતા મોટરસાયકલને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર ત્રણ પૈકી બે વ્યક્તિઓના ગંભીર ઈજાને પગલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યા હતા. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પેટલાદ તાલુકાના સુંદરણા ગામે રણછોડજી મંદિર સામે રહેતા તેજલબેન કાંતિભાઈ પરમાર ગત રોજ સવારના સુમારે સ્ટેશન રોડ ઉપર આવેલ દુર્ગા સિવણ ક્લાસીસ ખાતે ગયા હતા. 

સિવણ ક્લાસ પતાવી તેઓ રણછોડજી મંદિર ખાતે આવ્યા હતા. જ્યાં તેઓના કાકા અશોકભાઈ ગોરધનભાઈ પરમાર તથા તેઓના મિત્ર રાજુભાઈ બાબરભાઈ દેવીપૂજક મોટરસાયકલ લઈ તેઓને લેવા માટે આવ્યા હતા.

 બાદમાં ત્રણેય મોટરસાયકલ ઉપર સવાર થઈ પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. દરમ્યાન તેઓની મોટરસાયકલ દાવોલપુરાથી સુંદરણા ગામ તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આગળ જઈ રહેલ એક ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારી દાવોલપુરાથી ખોડીયાર માતા મંદિર તરફ જવાના રસ્તો આવતા મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી રાજુભાઈએ મોટરસાયકલના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ત્રણેય માર્ગ ઉપર પટકાયા હતા.

આ અકસ્માતમાં ત્રણેયને શરીરે ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

જ્યાં તેજલબેનને સામાન્ય ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ હતી. જો કે અશોકભાઈ તથા રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલ હોઈ વધુ સારવાર માટે વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં અશોકભાઈ તથા રાજુભાઈનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું. 

આ બનાવ અંગે તેજલબેન પરમારે પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :