app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ઉમરેઠના પણસોરાના યુવકની હત્યા કેસમાં 2 આરોપી ઝડપાયા

Updated: Aug 15th, 2023


- રિકવરી એજન્ટની લૂંટના ઇરાદે હત્યા કરાઇ

- બોરીયાવી અને મીયા ગામના બે શખ્સોની ધરપકડ ઉઘરાણીના પૈસા લૂંટવા ચપ્પાના ઘા ઝિંક્યા હતા

આણંદ : ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે રહેતા અને આણંદની એક ફાયનાન્સ કંપનીમાં રીકવરી એજન્ટ તરીકે ફરજ બજાવતા યુવકની ગત શનિવાર રાત્રીના સુમારે આણંદ પાસેના લાંભવેલની નહેરની બાજુમાં કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખી હતી.  જે અંગે આણંદ ગ્રામ્ય પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આણંદ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર બે શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી અને હાલ ઉમરેઠ તાલુકાના પણસોરા મેઘવા રોડ ઉપર આવેલ ભગવતી ટ્વીન્સ નજીક રહેતા ૨૮ વર્ષીય શૈલેષકુમાર સોનાજી ચૌહાણ છેલ્લા કેટલાક માસથી આણંદ શહેર ખાતે આવેલ એક ફાયનાન્સ કંપનીમાં રીકવરી એજન્ટ તરીકે ફરજ બજાવતા હતા. 

શનિવારના રોજ સવારે શૈલેષકુમાર ચૌહાણ મોટરસાયકલ લઈને ફાયનાન્સ કંપનીના કામકાજ અર્થે આણંદ ઓફીસે આવ્યા હતા. બાદમાં તે મોટરસયાકલ લઈ બોરીયાવી ગામે કલેક્શન અર્થે ગયા હતા. જો કે ત્યારબાદ તે રહસ્યમય રીતે લાપતા થયા હતા. જે અંગે તેઓના પરિવારજનોએ સગા સંબંધીમાં તેઓની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો નહતો. દરમ્યાન રવિવારે સવારે પણ તેઓએ શૈલેષકુમારની શોધખોળ ચાલુ રાખી હતી. 

જ્યાં શૈલેષકુમારનું મોટરસાયકલ આણંદ પાસેના લાંભવેલ ગામની નજીકથી પસાર થતી નહેર પાસે પાર્ક કરેલું જોવા મળ્યું હતું. જેથી નહેર ખાતે તપાસ કરતા નહેર નજીક આવેલ ગટરના ઝાડી ઝાંખરામાંથી શૈલેષકુમાર ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા શરીરના ભાગેથી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો તેમજ મૃતકનાભાઈ નરેશકુમાર ચૌહાણની ફરીયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુધ્ધ  હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

હત્યાના આ બનાવમાં આણંદ એલસીબી પોલીસની ટીમે ફાયનાન્સ કંપનીમાં લોન ધારકોની પૂછપરછ કરતા બોરીયાવી ગામના દિનેશભાઈ ઉદેસીંગ રાઠોડ નામ ખુલ્યું હતું. જેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા તેણે તથા પોતાના મિત્ર રાકેશ વાઘેલા (રહે.જોળ) તથા રફીક વ્હોરા પટેલ (રહે.મીયાગામ, કરજણ) સાથે મળી હત્યાનું આ કાવતરું રચ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બોરીયાવીના દિનેશભાઈ રાઠોડ અને મીયા ગામના રફીક વ્હોરા પટેલને ઝડપી પાડી પૂછપરછ કરતા શૈલેષભાઈ નાણાનું કલેક્શન કરતા હોઈ તેઓની પાસે ઉઘરાણીના પૈસા આવતા લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને દિનેશે હપ્તાના પૈસા આપવા માટે લાંભવેલ નહેર ઉપર શૈલેષકુમારને બનાવી પ્લાન મુજબ ત્રણેય મિત્રોએ શૈલેષકુમાર પાસેના થેલામાં રહેલ નાણાંની લૂંટ કરી ચપ્પાના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. 

ગંજના વેપારીને લૂંટવાનો પ્લાન હતો, પરંતુ છેલ્લી ઘડીએ બદલ્યો

પકડાયેલ આરોપી દિનેશભાઈ ઉદેસીંહ રાઠોડની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે તથા રાકેશ વાઘેલા આણંદ ગંજમાં નોકરી કરે છે. ગંજના વેપારી કમલેશભાઈ તેઓની બોલેરો પીકઅપ લઈને નડિયાદથી આણંદ રોજેરોજ આવતા જતા હોય છે. તે દરમ્યાન તેઓની પાસે ધંધાના છ થી સાત લાખ રૂપિયા રહેતા હોઈ કમલેશભાઈની રેકી કરી બોલેરો ગાડી રસ્તામાં રોકી તેઓની હત્યા કરી રૂપિયાની લૂંટ કરવાનો પ્લાન બંનેએ બનાવ્યો હોવાની વિગતો ખુલવા પામી છે. જો કે આ પ્લાનમાં બંનેને બે વખત નિષ્ફળતા મળતા પ્લાન ચેન્જ કરી ફાયનાન્સ કંપનીના એજન્ટ પાસેથી નાણાંની લૂંટ કરી હત્યા કરવાના ગુનાને અંજામ આપ્યો હોવાનું ઉજાગર થયું હતું.

Gujarat