Updated: May 25th, 2023
- પેટલાદની એટ્રોસિટી કોર્ટનો ચૂકાદો
- ભોગ બનનારા અને બાળકીને વળતર પેટે 22 લાખ તાત્કાલિક ચૂકવવા કોર્ટનો આદેશ : બોરીયા ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી
પેટલાદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતી ખેતમજૂરી ઘરકામ કરી જીવન ગુજરાન ચલાવતી હતી. દરમિયાન બોરીયા ગામે રહેતો તોહીલખાન ઉર્ફે ગજની શબ્બીરખાન પઠાણ યુવતીના ઘર નજીકથી અવારનવાર પસાર થતો હોવાથી તેણીના પરિચયમાં આવ્યો હતો. બાદમાં તોહીલ ખાન ઉર્ફે ગજનીએ યુવતીને ભાગીને લગ્ન કરવાનું જણાવ્યું હતું. પરંતુ યુવતીએ સમાજ સ્વીકાર નહીં કરે અને તેણીના માતા-પિતા પણ લગ્ન મંજૂર નહીં કરે તેમ જણાવતા તોહીલ ખાન ઉર્ફે ગજનીએ તેણીને લગ્ન કરવાનો ભરોસો આપ્યો હતો. દરમિયાન ૨૦૨૦ના જાન્યુઆરી માસમાં બપોરના સુમારે યુવતી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે તોહીલખાન તેણીની પાછળ ગયો હતો અને જબરજસ્તીથી તેણી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતીને અવારનવાર તળાવમાં બોલાવી તેણી સાથે શારિરીક સંબંધ કરતો હોવાથી ફેબુ્રઆરી માસમાં તેણીને ગર્ભ રહી ગયો હતો. જો કે યુવતીને ચાર માસની ગર્ભવતી બનાવ્યા બાદ તોહીલ ખાને લગ્ન કરવાની ના પાડી હતી અને આ ગર્ભ મારો નથી તેમ કહ્યું હતું. બાદમાં તોહીલનું ઉપરાણું લઈ અજયભાઈ કાભઈભાઈ મહીડા (રહે. બોરીયા)એ યુવતીને ગર્ભ તોહીલનું છે તેવું કહીશ તો તારા પરિવારજનોને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
જે અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે તોહીલખાન ઉર્ફે ગજની પઠાણ અને અજય ઉર્ફે લંગડો મહીડા વિરુધ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી પાડી ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ પેટલાદની સ્પે.એડી. ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ એસ.એમ. ટાંકની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તથા ફરીયાદીના અંગત વકીલની દલીલો તેમજ ૧૪ સાક્ષી અને ૩૬ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઈ સમાજમાં દીકરીઓ પ્રત્યે થઈ રહેલા અત્યાચારના કિસ્સાઓમાં દાખલો બેસે તે માટે ન્યાયાધીશે તોહીલખાન ઉર્ફે ગજની શબ્બીરખાન પઠાણને ૧૪ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૭ હજાર દંડની સજા ફરમાવી છે. અજય ઉર્ફે કાભઈભાઈ મહીડાને એક વર્ષની સખત સજા અને રૂા.૨હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ભોગ બનનાર તથા તેણીના પેટે જન્મેલ બાળકીને વળતર પેટે રૂા.૨-૨ લાખ તાત્કાલીક ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો.