આણંદમાં 125 એનઆરઆઈ, વિદ્યાર્થીઓનો હોમ ક્વૉરન્ટાઇનમાં સુવિધા મુદ્દે હોબાળો
- સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા અમદાવાદ લાવી વતન મોકલાયા
- સારસા હોસ્ટેલ, નિજાનંદ રિસોર્ટ અને સરદાર પટેલ યુનિ.ની હોસ્ટેલમાં ઉતારો અપાયો પણ અપુરતી સુવિધાને લઇ ઉહાપોહ
આણંદ,તા.14 મે 2020, ગુરુવાર
વંદે ભારત મિશન હેઠળ સરકાર દ્વારા વિદેશમાં ફસાયેલ ભારતીયોને પરત લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં વિદેશમાંથી કુલ ૧૨૫ વ્યક્તિઓને આણંદ ખાતે લાવવામાં આવ્યા છે. આણંદના આ ૧૨૫ જેટલા વ્યક્તિઓને બસ મારફતે આણંદ ખાતે લાવી ૧૪ દિવસ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આજે સવારના સુમારે કુવૈત તથા યુકેથી પરત ફરેલ કેટલાક વિદ્યાર્થીઓ સહિતના એનઆરઆઈઓએ સારી વ્યવસ્થા હોય તેવી જગ્યાએ ઉતારો આપવાની માંગ સાથે ઉહાપોહ કર્યો હતો. જો કે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ તમામને સમજાવી મામલો થાળે પાડયો હતો.
વંદે ભારત મિશન હેઠળ સરકાર દ્વારા વિદેશમાં ફસાયેલ ભારતીયોને સ્પેશ્યલ ફલાઈટ દ્વારા ભારત પરત લાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસ દરમ્યાન ફીલીપાઈન્સમાંથી ૪૧, કુવૈત અને યુકે ખાતેથી ૮૪ મળી કુલ ૧૨૫ વ્યક્તિઓ સ્પેશ્યલ ફલાઈટ મારફતે અમદાવાદના એરપોર્ટ ખાતે આવી ચઢતા આ તમામ વ્યક્તિઓને સ્પેશ્યલ બસ દ્વારા આણંદ ખાતે લાવવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા આ તમામ માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરી તેઓના આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે આગામી ૧૪ દિવસ સુધી આ તમામને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વિદેશથી આવેલ તમામને સારસા પાઠશાળાની હોસ્ટેલ, નિજાનંદ રીસોર્ટ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે.
જો કે આજે વહેલી સવારના સુમારે કુવૈત અને યુકેથી કેટલાક લોકો અમદાવાદ ખાતે આવ્યા બાદ તેઓને બસ મારફતે આણંદ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારસા હોસ્ટેલ તથા એસ.પી.યુનિ.ની હોસ્ટેલમાં રોકાવાનું જણાવાતા એનઆરઆઈઓએ સારી સુવિધા હોય તેવી જગ્યાએ હોમ કોરોન્ટાઈન કરવા જણાવી હોબાળો કર્યો હતો. જેને પગલે વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એનઆરઆઈઓને સમજાવી મામલો થાળે પાડયો હતો.