આણંદ જિલ્લામાં આરટીઇ હેઠળ 1,246 અરજી મંજૂર કરાઇ
- તા. 3 મે ના રોજ આરટીઈનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે
- 133 વિદ્યાર્થીઓ ગત વર્ષે ધોરણ-1 માં હોવા છતાંય આ વર્ષે ફોર્મ ભરી દીધું
મળતી માહિતી મુજબ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આણંદ જિલ્લાની ૨૧૧ ખાનગી શાળાઓમાં ધો.૧માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે તા.૧૦મી એપ્રિલથી તા.૨૨મી એપ્રિલ દરમ્યાન ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમયગાળા દરમ્યાન કુલ ૨૨૦૫ ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૩૮૦ ફોર્મ રીજેક્ટ, ૫૭૯ ફોર્મ પુરાવા-દસ્તાવેજોની પૂર્તતા ન હોવા તેમજ વાલીઓની અનિચ્છા સહિતના કારણોસર રદ કરાયા હતા. જ્યારે ૧૨૪૬ અરજીઓ મંજુર કરાઈ હતી. આગામી તા.૩ મે, ૨૦૨૩ના રોજ આરટીઈનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.
શિક્ષણ વિભાગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વર્ષે આરટીઈ હેઠળ ભરાયેલ ૨૨૦૫ ઓનલાઈન અરજીઓની આધાર ડાયસ પરથી ખરાઈ કરતા ૧૩૩ જેટલા વિદ્યાર્થીઓ ગત વર્ષે ધો.૧માં હોવા છતાં આ વર્ષે તેમના આરટીઈ હેઠળ ફોર્મ ભરાયા હોવાનું ખુલવા પામ્યું છે. આ તમામ ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા છે. વધુમાં આ પ્રકારનો ગેરલાભ મેળવવા માટે ભરાયેલ ફોર્મ ભૂલથી રહી ગયું હશે તે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે પ્રવેશ રદ કરવામાં આવશે. આરટીઈ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગયા બાદ તંત્ર દ્વારા આવેલ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૮૦ ફોર્મ ડોક્યુમેન્ટ સહિતના પુરાવાના અભાવે રીજેક્શન કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ અરજીઓમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ખૂટતા ડોક્યુમેન્ટ આગામી તા.૨૫ થી ૨૭ દરમ્યાન અપલોડ કરી શકાશે. જ્યારે શાળાનું નામ સહિતની કોઈપણ વિગતો ઓનલાઈન બદલી શકાશે નહી.આરટીઈ હેઠળ ઓનલાઈન ભરાયેલ ફોર્મમાં રજૂ કરાયેલા દસ્તાવેજોની કમ્પ્યુટર સીસ્ટમ મુજબ જે આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ઓનલાઈન ચકાસણી કરવામાં આવે છે. જેમાં બાળકની હાલની તારીખે ઉંમરની ચકાસણી દરમ્યાન તેનો, તેના વાલીનો આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની બાબતો કોઈ બીજી શાળામાં રજીસ્ટર્ડ થયેલ હોવાનું ખુલતું હોય છે. જેથી ખોટી રીતે પુનઃ ધો.૧માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન કરાયેલી અરજી કોમ્પ્યુટર અલગ પાડે છે. જે અરજી ચકાસણી કરતા અધિકારીઓ દ્વારા વિસ્તૃત ચકાસણી કરી રીજેક્ટ કરવામાં આવે છે.
સરકાર હવે શાળાઓને 13 હજાર ફી ચૂકવશે
આરટીઈ હેઠળ ખાનગી શાળામાં ધો.૧માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીની વર્ષની ફી પેટે અગાઉ સરકાર દ્વારા રૂા.૧૦ હજાર ચુકવવામાં આવતા હતા. આ રકમમાં વધારો કરી હવે રૂા.૧૩ હજાર શાળાને ચૂકવવામાં આવશે જ્યારે વાલીને વાર્ષિક રૂા.૩ હજાર ચૂકવવામાં આવી રહ્યા છે.