Get The App

પેટલાદ તાલુકાના પાડગોલ ગામના યુવક સાથે 1.73 લાખની ઠગાઇ

Updated: Apr 23rd, 2023

GS TEAM

Google News
Google News


પેટલાદ તાલુકાના પાડગોલ ગામના યુવક સાથે 1.73 લાખની ઠગાઇ 1 - image

આણંદ : પેટલાદ તાલુકાના પાડગોલ ગામના એક યુવકને આર્મી મેનની ઓળખ આપી સસ્તા ભાવે ઈકો કાર વેચાણ આપવાનું જણાવી ગુગલ-પે નંબર ઉપરથી ટુકડે ટુકડે કુલ્લે રૂા.૧.૭૩ લાખ ઉપરાંતની રકમ પડાવી છેતરપીંડી આચરી હોવા અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા ગઠીયા વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના પાડગોલ ગામે રહેતા ભાવેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત તા.૨૫મી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ તેમના નાના ભાઈ મનીષે ફેસબુક ઉપર સેકન્ડ હેન્ડ ઈકો કાર વેચાણ માટેની જાહેરાત જોઈ હતી. જેમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા સામેથી બોલતા વ્યક્તિએ જેસલમેર આર્મીમાંથી મુકેશભાઈ બોલું છું તેવી ઓળખ આપી હતી અને મારી બદલી શ્રીનગર ખાતે થયેલ હોઈ આ ઈકો કાર સસ્તામાં આપી દેવા વાત કરી હતી.  જે પેટે પ્રથમ રૂા.૩૧૫૦ ભરવાનું જણાવાતા ભાવેશકુમારે તેમના મોબાઈલ પેટીએમમાંથી રૂ.૩૧૫૦ ગુગલ-પે કર્યા હતા. ત્યારબાદ અજાણ્યા ગઠીયાએ અલગ-અલગ બહાના બતાવી ગાડી વેચાણ કરવાના બહાને  મનીષભાઈના વોટ્સએપ ઉપર બેંક એકાઉન્ટ નંબર મોકલી તા.૨૫ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી દરમ્યાન કુલ્લે રૂા.૧,૩૯,૫૦૧ લીધા હતા તેમજ અન્ય બેંક એકાઉન્ટમાંથી રૂા.૨૮,૫૦૯ તેમજ મિત્રના બેંક એકાઉન્ટમાંથી રૂા.૫૫૦૦ મળી કુલ્લે રૂા.૧,૭૩,૫૧૦ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. બાદમાં આર્મી મેનની ઓળખ આપનાર અજાણ્યા શખ્સે વધુ નાણાં મોકલી આપવા જણાવતા શક જતા મનીષભાઈ તથા તેમના ભાઈએ નાણાં ટ્રાન્સફર કર્યા નહતા અને તપાસ કરતા આર્મી મેન તરીકેની ખોટી ઓળખ આપી અજાણ્યા શખ્સે ઓનલાઈન ઠગાઈ કરી હોવાનું જાણવા મળતા ભાવેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલે સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :