Gujarat

ખંભાતના અલીંગ વિસ્તાર અને અકબરપુરમાં કોરોના વાઇરસના 1-1 કેસ નોંધાયા

By GS Team
24 Apr 20202 mins read
This article was originally published on 24 Apr 2020
ખંભાતના અલીંગ વિસ્તાર અને અકબરપુરમાં કોરોના વાઇરસના 1-1 કેસ નોંધાયા

આણંદ, તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર

નવાબી નગર ખંભાતના હોટસ્પોટ બની ચુકેલ અલીંગ વિસ્તારમાંથી આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. તો બીજી તરફ કોરોના વાયરસે ખંભાતના અકબરપુર વિસ્તારમાં પણ પગપેસારો કરતા અકબરપુર વિસ્તારમાંથી પણ કોરોનાનો એક કેસ પ્રકાશમાં આવ્યો છે. આ સાથે આજે ખંભાતમાંથી મળેલ કોરોનાના બે પોઝીટીવ કેસો મળી અત્યાર સુધીમાં ખંભાતમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૨૭ ઉપર પહોંચ્યો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ ૪૩ દર્દીઓ નોંધાયા છે.

આણંદ જિલ્લાના તાલુકા મથક ખંભાત નગરના અલીંગ વિસ્તારને છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસે બાનમાં લીધો છે. અગાઉ અલીંગ વિસ્તારમાંથી કોરોનાના અનેક કેસ પ્રકાશમાં આવતા આ વિસ્તાર હોટસ્પોટ બની જવા પામ્યો છે. લોકલ સંક્રમણના કારણે આ વિસ્તારમાંથી રોજેરોજ નવા કોરોનાના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. જેને લઈ અલીંગ તેમજ આસપાસના વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.અગાઉના કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવનાર અલીંગ વિસ્તારના એક ૫૪ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓને ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી તરફ અલીંગ વિસ્તારમાંથી કોરોના વાયરસે અકબરપુર તરફ પગપેસારો કરતા અકબરપુર મસ્જિદ નજીક રહેતા એક ૫૬ વર્ષીય પુરુષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે ખંભાતમાં કોરોનાના વધુ બે કેસ પ્રકાશમાં આવતા જિલ્લામાં નોધાયેલ કુલ કોરોનાના ૪૩ દર્દીઓ પૈકી ૨૭ દર્દીઓ ખંભાતના નોંધાયા છે. જેને લઈ ખંભાતવાસીઓમાં ભારે ભયની લાગણી જોવા મળી રહી છે.

અલીંગ વિસ્તારમાં વધુ એક કોરોનાનો કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગની ટીમ કોરોનાગ્રસ્ત દર્દીના ઘરે પહોંચી પરિવારજનો તેમજ તેના સંપર્કમાં આવનાર વ્યક્તિઓની તપાસમાં લાગી છે. જ્યારે અકબરપુર વિસ્તારમાંથી કોરોનાનો કેસ પ્રકાશમાં આવતા સ્થાનિક તંત્ર સહિત આરોગ્ય વિભાગની ટીમો અકબરપુર વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં ડીસઈન્ફેક્શનની કામગીરી કરી કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેઓના સેમ્પલ લઈ તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપવાની કામગીરી હાથ ધરી છે.