આણંદની હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં સૂતેલી મહિલાના 1.02 લાખની ઉઠાંતરી
- પતિની તબિયત બગડતા દાખલ કર્યા હતા ચાર્જ ભરવા લાવેલા નાણાં ચોરાયા
આણંદ, તા.19 મે 2020, મંગળવાર
આણંદ શહેરની એક ખ્યાતનામ હોસ્પિટલના વેઈટીંગ રૃમમાં સુઈ ગયેલ એક મહિલાનું ૧.૦૨ લાખની મત્તા ભરેલ પર્સ કોઈ અજાણ્યો શખ્શ ચોરી કરી લઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આણંદ શહેરના ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ પ્લેનેટ રેસીડેન્સી ખાતે રહેતા જાસ્મીનબેન નજીરભાઈ શેખના પતિની તબિયત બગડતા તેઓને સારવાર માટે આણંદના લાંભવેલ રોડ ઉપર આવેલ એક હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી. દરમ્યાન ગત તા.૮ના રોજ તેઓની હાલત વધુ લથડતા તેઓને આઈસીયુમાં દાખલ કરાયા હતા. જે પેટેની ફી ભરવાની હોઈ જાસ્મીનબેન કુલ્લે રૃા.૯૦,૦૦૦ રોકડા લઈ હોસ્પિટલ ખાતે ગયા હતા. જો કે બીજા દિવસે સવારે પેમેન્ટ કરવાનું હોઈ જાસ્મીનબેન નાણાં તેમજ મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ પોતાના પર્સમાં મુકી પર્સને તકીયા નીચે રાખી આઈસીયુ દર્દીના વેઈટીંગરૃમમાં સુઈ ગયા હતા. દરમ્યાન વહેલી સવારના સુમારે કોઈ અજાણ્યો શખ્શ તેઓના પર્સની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે જાસ્મીનબેન શેખે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્શ સામે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર શખ્શને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.