Get The App

સૌરાષ્ટ્રમાં હજારો હિરા ઘસુ બેકાર, પંચર અને વાળંદની દુકાનો શરૂ કરી

- ડાયમંડ સિટી સુરતને કોરોનાનું ગ્રહણ લાગતા

- અમરેલી જિ.માં 2 લાખ હીરાઘસુઓની વતનવાપસી

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં  હજારો હિરા ઘસુ બેકાર,  પંચર અને વાળંદની દુકાનો શરૂ કરી 1 - image


અભરામપરામા એક જ ગામમાં ૩ હજાર લોકો આવ્યા 

રાજકોટ, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર

કોરોના મહામારીએ ડાયમંડ  સિટિ સુરતને સકંજામાં લેતા હીરા ઉધોગ પાયમાલ થઈ ગયો છે. લાખો યુવાનોને રોજગારી આપતો આ ઉધોગ ફરી ધમધમશે તેવી આશા પર પાણી ફરી વળતા સુરત ગયેલા હજારો યુવાનો છેલ્લા એકાદ મહિનામાં પરિવાર સાથે ફરી વતન સોૈરાષ્ટ્રમાં આવી ગયા છે. સુકો રોટલો ખાઈશુ પણ હમણાં સુરત નથી જવુ તેવુ નકકી કરીને આવેલા હજારો રત્નકલાકારો હાલ બેકાર બનીને કામની શોધમાં ભટકી રહયા છે. સોૈથી વધુ રત્નકલાકારો અમરેલી અને ભાવનગર જિલ્લામાં પરત આવ્યા છે. મંદીના આ ભયંકર માહોલમાં બે પૈસા કમાવવા સાવરકુંડલા તાલુકાનાં ગામડાઓમાં યુવાનોએ વાણંદની અને પંચારની દુકાનો શરૂ કરી દીધી છે. 

કોરોનાને કારણે માર્ચ મહિનાથી હીરાની માર્કેટ બંધ છે. સુરત સહિત સોૈરાષ્ટ્રમાં આશરે ૧પ લાખથી વધુ યુવાનો હીરાબજારમાં રોજગારી મેળવી રહયા છે પરંતુ છેલ્લા પાંચેક મહિનાથી હીરા બજારને કોરોનાનું ગ્રહણ લાગતા લાખો કારીગરો બેકારીની ગર્તમાં ધકેલાઈ ગયા છે. એકાદ મહિના પહેલા સુરતમાં ફરી હીરાની માર્કેટ શરૂ થશે તેવી આશાએ કેટલાક યુવાનો ફરી  ગયા હતા પરંતુ કોરોનાનો ચેપ રત્નકલાકારોને લાગતા ફરી માર્કેટ ઠપ થઈ જતા અને ભવિષ્ય ધુંધળુ લાગતા હીરાના કારીગરો માલસામાન લઈને પરત આવી ગયા છે. સોેરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગઢડા, ગારીયાધાર, લાઠી, જસદણ સહિતનાં વિસ્તારોમાં પણ હીરાના કારખાના શરૂ ન થતા સુરતથી આવેલા હજારો કારીગરો બેકાર બની ગયા છે. રોજગારીની શોધમાં આ યુવાનો ભટકી રહયા છે. 

અમરેલી જિલ્લામાં સોૈથી વધુ બે લાખા  જેટલા રત્નકલાકારો પરત ફર્યા છે. હાલ મોટાભાગનાં યુવાનો ગામડે ખેતીમાં મદદરૂપ થઈ રહયા છે .ગામડે સંયુકત કુટુંબમાં રહેતા હોવાથી ખર્ચ ઓછો આવે છે. ખેતી નથી એવા હીરાનાં કારીગરો પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય ધંધા તરફ વળ્યા છે. સુરતમાં હીરા ઘસવાનું કામ કરનાર  યુવાને પંચરની દુકાન શરૂ કરી છે તો કોઈએ વાણંદની દુકાન શરૂ કરી છે. સુરતમાં એક ફેકટરીમાં મેનેજરની નોકરી કરનાર  યુવાને લેબર કોન્ટ્રાટરનું કામ  શરૂ કર્યુ છે. કેટલાક યુવાનો પરંપરાગત  પેઢીનાં વ્યવસાયમાં લાગી ગયા છે. સાવરકુંડલાથી આશરે દસેક કિ.મી. દૂર આવેલા અભરામપરા એક જ ગામમાં ત્રણેક હજાર યુવાનો સુરતથી પરત આવ્યા છે.  જસદણ તાલુકાનાં ગામડાઓમાં પરત આવેલા કેટલાક યુવાનોએ કટલેરી અને મોબાઈલ પાર્ટસની દુકાનો ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. 

સુરતથી પરત ફરેલા યુવાનો એવુ કહી રહયા છે કે વર્તમાન સ્થિતિ જોતા હવે દિવાળી સુધી તો સુરતમાં કોરોનાની સ્થિતિ થાળે પડે તેવુ લાગતુ નથી. સુરતમાં ધંધા ભાંગી ગયા છે અને કોરોનાનું સંક્રમણ વધી રહયુ હોવાથી પરિવારની સલામતી જોઈને વતન ગામડે પરત આવ્યા છીએ અહીં જે કામ મળે તે કરીશુ પણ પણ સુરત નથી રહેવુ. 


Tags :