Amreli

રાત્રે 2 વાગ્યે વનમંત્રીએ ચતુરી ગામે રૂબરૂ આવવાની ખાતરી આપવી પડી

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહે દાદા પાસેથી 10 વર્ષના પૌત્રને આંચકી લેતા બાળકનું મોત થયું. ગ્રામજનોએ વનમંત્રીની રૂબરૂ મુલાકાતની ખાતરી મળ્યા બાદ જ મૃતદેહ સ્વીકાર્યો. આ ઘટના બાદ 5 સિંહોને પાંજરે પુરાયા, જેમાં એક નર સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો મળ્યા. આ ઘટનાએ વનવિભાગના સિંહ સંચાલન પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાત્રે 2 વાગ્યે વનમંત્રીએ ચતુરી ગામે રૂબરૂ આવવાની ખાતરી આપવી પડી

અમરેલી: ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહ અને માનવ સંઘર્ષની કરૂણ- હૃદયદ્રાવક ઘટના બની હતી. ગઈકાલે દાદાની આંગળી પકડીને ચાલી રહેલા માસૂમ પૌત્રને સિંહ દાદાના હાથમાંથી આંચકીને ઉપાડી ગયો હતો જેમાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વનવિભાગ સામે ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો ભારે ગરમાયો હતો.
વનમંત્રી રૂબરૂ આવે તો જ મૃતદેહ સ્વીકારાશે તેવી ગ્રામજનોની મક્કમતા, ધારાસભ્ય-ડીસીએફ દોડયા, ખાતરી બાદ મૃતદેહ સ્વીકારાયો
ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહ સંભાળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સ્થાનિકો અને વનતંત્ર વચ્ચે ભારે બબાલ થઈ હતી અને ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓનો રોષભેર ઉધડો લીધો હતો. સ્થિતિ વણસતી જોઈ ગીર પૂર્વના ડીસીએફ અને ધારીના ધારાસભ્ય તાબડતોડ રાત્રે જ ચતુરી ગામે દોડી ગયા હતા. મધ્યરાત્રિએ બે વાગ્યે પણ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા કે, જ્યાં સુધી વનમંત્રી રૂબરૂ અહીં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. આખરે ધારાસભ્યએ રાત્રે ૨ વાગ્યે જ વનમંત્રીને ફોન જોડયો હતો. વનમંત્રીએ ફોન પર આગામી શનિવારે ચતુરી ગામની રૂબરૂ મુલાકાત લેવાની અને સ્થાનિકોના તમામ પ્રશ્નો સાંભળીને તેનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. વનમંત્રીની આ ખાતરી બાદ જ ગ્રામજનોએ માસૂમ બાળકનો મૃતદેહ સ્વીકાર્યો હતો.
પાંચ સિંહ પાંજરે પૂરાયા, એક નર સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો મળ્યા
આ ઘટના બાદ સિંહોને પકડવા માટે વનવિભાગ દ્વારા યુધ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં વનતંત્ર દ્વારા કુલ ૫ સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે જ્યારે હજુ પણ અન્ય ૨ સિંહોને પકડવા માટે વનતંત્ર મથામણ કરી રહ્યું છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પાંજરે પુરાયેલા સિંહો પૈકીના એક નર સિંહે ઉલટી કરી હતી જેમાંથી મૃતક બાળકના અવશેષો મળી આવ્યા છે. આ ઘટનાએ વનવિભાગના સિંહ સંચાલન સામે મોટા સવાલો ઊભા કર્યા છે.