ધારી ગ્રામ પંચાયતમાં અંતે કર્મચારીઓ દ્વારા હડતાલ
- એક વર્ષથી પગાર નહીં ચુકવાતા આંદોલન
- . ગ્રામપંચાયત કચેરીને લાગ્યા તાળાં
સફાઈ, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ સહિતની કામગીરી ઠપ્પ
ધારી, તા. 31 જુલાઈ, 2020, શુક્રવાર
ધારી ગ્રામપંચાયતના કર્મચારીઓનો છેલ્લા એક વર્ષથી પગાર થયો નથી. જે અંગે રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે આજે તમામ કર્મીઓ અચાનક હડતાલ પર ઉતરી જતાં ગ્રામ પંચાયતને તાળાં લાગી ગયા હતા
ધારી ગ્રામ પંચાયતમાં સફાઈ કર્મી, વાલ્વમેન, સ્ટ્રીટલાઈટ કર્મચારી વગેરે ૫૫ થી ૬૦ કર્મચારીનો સ્ટાફ વહેલી સવારથી કામથી અળગો રહ્યો હતો અને હડતાલ પર ઉતરી ગયા હતા. ગ્રા.પં.ના પ્રાંગણમાં ઉગ્ર રોષ ઠાલવી જણાવ્યું હતું કે, તમામ કર્મચારીના છેલ્લા ૧૨ મહિનાથી વધારે થવા છતાં પગાર થયા નથી. આ તમામ કર્મચારીની આર્થિક પરિસ્થિતિ નબળી છે, જે પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે ?
અમરેલી જિલ્લાની સૌથી મોટી ગ્રા.પં.ના સફાઈ કામદારો, પાણી વિતરકો અને સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓની યોગ્ય અને વ્યાજબી પગારની માગ ન સ્વીકારાતા હડતાલ પર ઉતરી ગયા છે.
૧૫ દિવસ અગાઉ પણ આ અંગે ટી.ડી.ઓ. સહિતના અધિકારીઓને પગાર કરવા માગણી કરી હતી, પરંતુ ગ્રાન્ટ નથી આવી તેવા જવાબો આપવામાં આવે છે. કર્મચારી જ્યાં સુધી પગાર ન માગે ત્યાં સુધી પગાર કરાતો જ નથી. જેથી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.
હંલ કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર ધારીમાં સફાઈ કામ બંધ રહેશે. પાણી વિતરણ પણ અટકી જશે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. આજે ધારી ગ્રામ પંચાયતના તમામ કર્મીઓ હડતાલ પર ઉતરતા પંચાયત કચેરીમાં તાળાં લટકતા નજરે ચડી રહ્યા હતા. જેના કારણે અરજદારો સહિતનાં કામ ટલ્લે ચડયા હતા. તેવામાં જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન થાય ત્યાં સુધી કર્મચારીઓ કામથી અળગા રહેવાનું જણાવી રહ્યા છે.