અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Lion Attack: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે (24મી જૂન) એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક સિંહણે 5 વર્ષના બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવી લીધો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
દાદાની આંગળી પકડી દૂધ આપવા જતા બાળક પર ત્રાટકી સિંહણ
મળતી માહિતી અનુસાર, ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યા હતા.
મૃતકના મામા દાનુ વઘોસીના જણાવ્યાનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાનોએ હિંમત દાખવી જંગલમાં લાકડીઓ વડે સિંહણ પર હુમલો કર્યો હતો અને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. પરંતુ કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી માસૂમ બાળકનો મૃતદેહ મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વન વિભાગે એક સિંહણ પાંજરે પુરી
ઘટનાની ગંભીરતાને પગલે ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ACF કપિલ ભાટિયાના જણાવ્યાનુસાર, આ દુઃખદ ઘટના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યુ વિસ્તારમાં બની છે. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે. અન્ય વન્યજીવને પકડવા માટે વન વિભાગ દ્વારા રાતભરથી જંગલમાં મેગા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
વન વિભાગની ગ્રામજનોને ખાસ અપીલ
આ ભયાનક ઘટના બાદ વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ અપીલ કરવામાં આવી છે કે, વન્યપ્રાણીઓ આસપાસના વિસ્તારોમાં જ સક્રિય હોવાથી સાંજના સમયે કે અંધારામાં ક્યારેય એકલા બહાર જવાનું ટાળવું. જ્યારે પણ અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય ત્યારે હંમેશા સાથે એક-બે વ્યક્તિ રાખવા.અંધારામાં હાથમાં લાકડી તેમજ ટોર્ચ જેવી સેફ્ટી વ્યવસ્થા અચૂક સાથે રાખવી.









