સાવરકુંડલાના મેકડા ગામમાં મહિલાના ઘરમાં ઘૂસી ગેંગરેપ
- સામુહિક દુષ્કર્મના વધુ એક કિસ્સાથી ચકચાર
- એક શખ્સે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી અને બે શખ્સોએ બળજબરીથી આચર્યુ પાશવી કૃત્ય
અમરેલી, તા. 12 જુલાઈ 2019, શુક્રવાર
અમરેલી જિલ્લામાં સામુહિક દુષ્કર્મનો વધુ એક બનાવ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સાવરકુંડલાના મેકડા ગામના ત્રણ શખ્સોએ ભરબપોરે એક મહિલાના ઘરમાં બળજબરી ઘુસી જઈ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી બે શખ્સોએ સામુહિક દૂષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, અમરેલીની માત્ર ૧૪ વર્ષની સગીરાને પાંચ નરાધમોએ ત્રણ માસ સુધી સામુહિક દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગત તા. ૭ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે સાવરકુંડલા તાલુકાના મેંકડા ગામની એક ૨૦ વર્ષની મહિલા પોતાના ઘરે એકલી હતી, ત્યારે તેજ ગામના કનુ લાલજી ચૌહાણ, અશોક ધીરૂ કોળી તેમજ અશોક ધીરૂ કોળીનો મામો (રે. સેંજળ) સહિત ત્રણ નરાધમો ઘરમાં ઘુસી ગયેલા હતા.
મહિલાને વાસનાનો શિકાર બનાવવાના મનસુબા સાથે બળજબરીથી ઘરમાં ઘુસી જાનથી મારી નાખવાની ધમકી આપી અશોક ધીરૂ કોળીના મામાએ તેમજ કનુ લાલજી ચૌહાણે, વારાફરતી દુષ્કર્મ આચરેલું હતું. જ્યારે અશોક ધીરૂ કોળીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દુષ્કર્મની ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ વડા પોલીસમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ કલમ ૩૭૬ (ડી), ૪૪૭, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એસ.પી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.