Get The App

સોનુ ડાંગર પર કસાતો સકંજો : આતંક વિરોધી ધારા હેઠળ FIR

- રાજકોટ પોલીસ જે ન કરી શકી એ કામ અમરેલી પોલીસે કરી બતાવ્યું!

- પાંચ જિલ્લામાં ખંડણી, અપહરણ, ઊંચા વ્યાજે ગેરકાયદે ધિરાણ, હત્યા સહિતના ગુના આચરતી ટોળકીના નવ સાગરિતો સામે ગુનો દાખલ

Updated: Mar 11th, 2020

GS TEAM

Google News
Google News
સોનુ ડાંગર પર કસાતો સકંજો : આતંક વિરોધી ધારા હેઠળ FIR 1 - image

અમરેલી, તા.11 માર્ચ 2020, બુધવાર

થોડા સમય પહેલાં અમરેલી જિલ્લાના મહિલા ફોજદાર વિરૂધ ધમકી ભર્યો વીડિયો વાયરલ કરનાર રાજકોટની નામચીન સોનુ ડાંગર ફરી ચર્ચામાં છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત પાંચ જિલ્લામાં ગુના આચરતી ટોળકી બનાવી હત્યા, હત્યાની કોશિષ, અપહરણ, ખંડણી, મિલ્કતો પચાવી પાડવી ઉંચા વ્યાજે નાણાં ધીરાણ કરી પઠાણી ઉઘરાણી કરી દહેશત ફેલાવનાર તેમજ આંતર રાજ્ય તસ્કરીમાં સંડોવાયેલ મહિલા ડોન સોનુ ડાંગર આણી ટોળકી સહિત નવ શખ્સો સામે એલસીબી અમરેલી દ્વારા ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમની કલમ મુજબ ફરીયાદ નોંધવામાં આવતા તેની સામે કાયદાનો સકંજો મજબૂત બન્યાની ચર્ચા વ્યાપી છે.

અમરેલી એસ.પી.નિર્લિપ્ત રાયે સમાજમાં ખુલ્લેઆમ ગુન્હા આચરી દહેશત ફેલાવનારા માથાભારે તત્વોને કાનુનના સકંજામાં સપડાવવા ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરેલ હતી, જેમાં કાનુનને કોરાણે મુકી હત્યા જેવી ઘટનાને ખોફનાક અંજામ આપી સમાજના ખુલ્લેઆમ ફરી રહેલ ટોળકીનાં (૧) શિવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઈ વિછિયા (રહે.રબારીકા) (૨) શૈલેષ નાથાભાઈ ચાંદુ (રે.દોલતી) (૩) દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઈ ચાંદુ (રે.દોલતી) (૪) અશોક જૈતાભાઈ બોરીચા (રે.લુવાર) (૫) બાલસીંગ જૈતાભાઈ બોરીચા (૬) વનરાજ મંગળુભાઈ વાળા (રે.નાનીધારી) (૭) નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ સુરગભાઈ ખુમાણ (રે.સેંજળ) (૮) ગૌતમ નાજકુભાઈ ખુમાણ અને (૯) સોલન ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર (રે.રાજકોટ) સહિતની સંગઠીત ગુના આચરતી ટોળકી દ્વારા પાંચ જિલ્લામાં કાનુનનાં કોઈ પ્રકારના ડર વગર અતિ ગંભીર ગુન્હા આચરવા તેમજ ગંભીર ગુન્હાઓનાં કાવતરા રચી આંતર રાજ્ય તસ્કરીમાં પણ કાર્યરત હોવાનું જણાઈ આવ્યું હતું. 

આથી, અમરેલી એલસીબી પી.આઈ.એ ખુદ ફરીયાદી બની તમામ નવ આરોપીઓની ટોળકી સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ (જી.સી.ટી.એ.)ની અલગ-અલગ પાંચ જેટલી કલમો હેઠળ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાવામાં આવેલ છે. તમામ સા.કુંડલા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે. આમ, રાજકોટની કુખ્યાત મહિલા સામે અંતે અમરેલી પોલીસ કડક કાર્યવાહી આદરી છે.