FOLLOW US

સાવરકુંડલા નજીક ઢોરાવાળા હનુમાનજી આશ્રમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

Updated: Jan 11th, 2023


અમરેલી SOG ટીમે બાતમીનાં આધારે દરોડો પાડયો : સેવાપૂજા કરતા સાધુની ધરપકડ : રૂ. 1.41 લાખની કિંમતનાં 28 કિલો ગાંજાનાં 9 છોડ કબ્જે લઈને પોલીસ દ્વારા કાર્યવાહી

અમરેલી, : સાવરકુંડલા નજીક મેવાસા પીયાવા ગામની સીમ વિસ્તારમાં આવેલ ઢોરાવાળા હનુમાનજી આશ્રમમાં લીલા ગાંજાનાં છોડનાં વાવેતર સાથે સેવાપુજા કરતો સાધુ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી 28  કિલો ગાંજાનો મુદ્દામાલ કબ્જે લઈને કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરેલી એસઓજીટીમ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન મેવાસા તથા પીયાવા ગામની વચ્ચે આવેલ ઢોરવાળા હનુમાન આશ્રમ તરીકે ઓળખાતી જગ્યામાં સેવાપુજા હરેશગીરી બુધગરભાઈ ગોસ્વામી (રહે. ઢોરાવાળા હનુમાનજી આશ્રમ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી)એ પોતાના કબ્જા ભોગવટાના આશ્રમમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનાં છોડનું વાવેતર કરેલું છે, તેવી ચોક્કસ અને આધારભુત બાતમી મળી હતી. જેથી આ જગ્યાએ રેઈડ કરતા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

અહીં આરોપી હરેશગીરી બુધગરભાઈ ગૌસ્વામી, ગુરૂશ્રી મહાવીરગીરી (ઉ.વ. 42, રહે. મેવાસા પિયાવા ગામની સીમ વચ્ચે આવેલ ઢોરાવાળા, હનુમાનજી આશ્રમ, તા. સાવરકુંડલા, જી.  અમરેલી)ને વનસ્પિત જન્ય લીલા ગાંજાના છોડ નંગ-9, વજન 28 કિલો 350 ગ્રામ કિ. રૂ  1,41,750 તથા એક મોબાઈલ ફોન કિ. રૂ  500 મળી કુલ કિ. રૂ  1,42,250 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. તેને વધુ તપાસ અર્થે વંડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આવામાં આવ્યો હતો. આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમ દ્વારા પુજારીને આશ્રમમાં ગાંજાના છોડનો વાવેતર સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Gujarat
English
Magazines