બે યુવાન પુત્ર માટે કન્યાઓ ન મળતાં દંપતીનો આપઘાત
- જેન્ડર રેશિયો વિશે વિચારતા કરી દેતો સાવરકુંડલાનો કિસ્સો
- 45-50 વર્ષના દિકરાઓને અવિવાહીત જોઈ ન શકતાં વૃધ્ધ માતા-પિતાએ વાડીમાંના કૂવામાં ઝંપલાવી દીધું
અમરેલી, તા. 1 ઑગસ્ટ, 2020, શનિવાર
સાવરકુંડલામાં જેસર રોડ ઉપર રહેતા એક ખેડૂતના જુવાનજોધ બે દિકરાના લગ્ન માટે કન્યા મળતી ન હોવાના કારણે વૃધ્ધ માતા - પિતાએ પોતાની જ વાડીના કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટનાથી ભારે અરેરાટી પ્રસરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, હાલનાં વેસ્ટર્ન કલ્ચર અને અતિ આધુનિસ્તાની અવદશામાં એક તરફ કન્યા કેળવણીની ગુલબાંગો વચ્ચે કન્યા જન્મદરમાં ઘટાડો નોંધાતો જાય છે. તેમજ કન્યા અને વાલી પોતાની આર્થિક પરિસ્થિતિને અવગણી સગાઇ - સંબંધમાં ઉંચા ડિમાન્ડના કારણે અનેક સંસ્કારી યુવાનો લગ્નથી વંચિત રહેતાં હોય છે. આવી જ પરિસ્થિતિમાં સાવરકુંડલાની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા અને ધજડી માળામાં ખેતી - વાડી ધરાવતા નાથાભાઇ દેવરાજભાઇ જવાણી (ઉ.વ. ૭૫) અને તેમના પત્ની વિમળાબેન (ઉ.વ. ૭૨)ને ૪૫ અને ૫૦ વર્ષના બે પુત્રો છે. આ પુત્રોની સગાઇ અને લગ્ન માટે ખુબ જ પ્રયત્નો કરવા છતાં પણ વેવિશાળ થતા ન હતા. માતા - પિતાની ઉંમર વૃધ્ધાવસ્થાને આધિન થઇ ગઇ હતી.
પોતાનાં બે પુત્રોની આટલી મોટી ઉંમર થવા છતાં પણ બેમાંથી એક પણ પુત્રની સગાઇ ન થતાં વૃધ્ધ માતા - પિતાને લાગી આવેલું હતું. તેથી ગત તા. ૩૦ નાં સાંજના ચારેક વાગ્યાના સુમારે ઘરેથી પોતાની પુત્રીના ગામ અકાળા જવાનું કહી બન્ને ઘરેથી નીકળી ગયેલા હતા. ઘરેથી નીકળી પોતાની દિકરીના ઘરે જવાનાં બદલે પોતાની વાડીમાં જઇ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધાનું તેમના પુત્ર સુરેશભાઇ નાથાભાઇ જવાણીએ પોલીસમાં જાહેર કરેલું હતું.