ધારી નજીક એમ્બ્યુલન્સ અને બસ વચ્ચે અકસ્માત : દર્દી-ડ્રાઈવર સહિત ૩નાં મોત


દિવાળી પર્વનાં ઉલ્લાસ વચ્ચે ધનતેરસનાં દિવસે જ દુર્ઘટનાથી શોક : ખીચા ગામનાં નિવૃત આર્મીમેનની તબીયત બગડતા સારવાર માટે અમરેલી લઈ જતા હતા, મહિલા સહિત ચાર સંબંધીઓ ઘાયલ : ખાનગી અમ્બ્યુલન્સનો કડૂસલો, સદનશીબે ખાનગી બસનાં મુસાફરોનો બચાવ

ધારી,અમરેલી, : અમરેલી જિલ્લાના ધારી નજીક આજે સવારે એક દર્દીને સારવાર માટે અમરેલી હોસ્પિટલે લઇને જતી ખાનગી એમ્બ્યુલન્સ તથા ધારીથી મુંબઈ જતી એક ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર અને દર્દી એવા નિવૃત આમીમેન સહિત ત્રણ લોકોનાં અરેરાટીજનક મોત નિપજ્યા હતા. જયારે દર્દીનાં ચાર સંબંધીઓને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સદનશીબે ખાનગી બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આજે દિપાવલિ પર્વનાં ઉલ્લાસ વચ્ચે ધનતેરસનાં દિવસે જ ગોજારા બનાવથી માતમનો માહોલ સર્જાયો હતો. 

વિગત મુજબ, અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં ખીચા ગામે રહેતા નિવૃત આર્મીમેન વિશાલભાઈ ધીરજલાલ જોશીની તબીયત ખરાબ થતાં આજે સવારે તેમને ધારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાંથી તેમને વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલે લઈ જવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં લઇ અમરેલી જવા નીકળ્યા હતા. આ દરમિયાન સવારે 10 વાગ્યાનાં અરસામાં ધારી નજીક અમરેલી રોડ ઉપર હિંગળાજ મંદિર પાસે એમ્બ્યુલન્સ પહોંચતા સામેથી આવી રહેલી મુંબઈથી ધારી તરફ જતી ટ્રાવેલ્સની બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાઈ ગયો હતો. જેમાં એમ્બ્યુલન્સનો બુકડો બોલી ગયો હતો. જ્યારે ખાનગી બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી.

ગોજારા અકસ્માતમાં ધારીની ખાનગી એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર મહેશભાઈ ઠાકરશીભાઈ તલસાણીયા (ઉ. 35, રહે. સુરત) અને ખીચા ગામનાં દર્દી નિવૃત આર્મીમેન વિશાલભાઇ ધીરજલાલ જોશી(ઉ. 40)નું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે માત્ર સેવા માટે સાથે જતાં અન્ય ખાનગી એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર શશીકાંતભાઇ ઉર્ફે જીતુભાઇ હસમુખભાઇ રાજ્યગુરૂ (ઉ.  49, રહે. ગણેશ સોસાયટી, રામજી મંદિર પાસે, ધારી)નું અમરેલી ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ કરૂણ બનાવમાં દુષ્યંતભાઇ ધીરજલાલ જોષી (ઉ. 40, રહે. ધારી), પ્રણવભાઇ રાજેશભાઇ જોષી (ઉ. 36, રહે.ખીચા, તા.ધારી) તથા મિલનભાઇ રાજેશભાઇ જોષી (ઉ. 31, રહે. ખીચા, તા. ધારી) અને ઉષાબેન કાંતિભાઈ જોશી (ઉ. 52, રહે. ખીચા, તા.ધારી)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સદનશીબે ખાનગી બસમાં બેઠેલા અમુક મુસાફરોને જ સામાન્ય અને નજીવી મૂઢ ઈજા સિવાય જાનહાની ટળતા રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આજે ધનતેરસના દિવસે આ બનાવને લઇને ધારી પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. 

આ બનાવની જાણ થતાં ધારી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી હોસ્પિટલે પણ પોલીસે ઘવાયેલા લોકોની પુછપરછ કરીને ધારી પોલીસને તેઓનાં નિવેદન સોંપ્યા હતા. 

City News

Sports

RECENT NEWS