Updated: Feb 22nd, 2023
દીપડા કરતા'ય ખેડૂતે વધુ ચપળતા દાખવી ઘરમાં ઘૂસેલા દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગે પાંચ કલાકની જહેમત ઉઠાવવી પડી,બાદમાં બેભાન કરીને જસાધાર એનિમલ સેન્ટરમાં લઈ જવાયો
અમરેલી, : સાવરકુંડલા પંથકમાં દીપડાઓના આંટાફેરા વધી ગયા છે. અહી માનવ પર હુમલાઓના પણ વારંવાર બનાવ બની ગયા છે. આજે હાથસણી ગામમાં વહેલી સવારે સીમમાં રહેતા એક ખેડૂતના રહેણાક મકાનમાં એક દીપડો દોટ મૂકીને ઘરમાં ઘુસી ગયો હતો.આ તક જોઈએ પળવારનો ય વિચાર કર્યા વગર ખેડૂતે દીપડાને એ જ રૂમમાં આગળિયો વાસીને પુરી દેતા કેદ થઈ ગયો હતો.
આજે વહલી સવારે હાથસણી ગામમાં બનેલા બનાવની વધુ વિગત એવી છે કે કાર્તિકભાઈ દીલીપભાઈ કથિરિયા વાડીએ હતા અને આ પરિવારનુ મકાન પણ અહી જ છે. સવારમાં દીપડો કોઈ શિકારની શોધમાં નીકળી પડેલો હતો અને શિકાર હોવાની સંભાવનાએ તે કાર્તિકભાઈના મકાનના રૂમમાં ઘૂસી ગયો હતો. આ જ વખતે આ ખેડૂૅતને જાણ થતા જ દીપડા કરતા ય વધુ ચપળતા દાખવી ડર રાખ્યા વગર જે રૂમમાં દીપડો ઘૂસ્યો હતો એ જ રૂમની બહાર રહેલો આગળિયો વાસી દઈ પૂરી દીધો હતો જેથી દીપડો કેદ થઈ ગયો હતો.
એ પછી એણે વનવિભાગને જાણ કરી હતી. આથી વનકર્મીઓ પાંજરા અન રેસ્ક્યૂ ટીમ લઈને વાડીએ પહોંચી ગયા હતા. લોકેશન મેળવીને દીપડાને ટારગેટ કરી ટ્રાન્કવીલાઝર ઈન્જેકશન આપવા મથી રહ્યા હતા અને સતત પાંચ થી છ કલાકની જહેમત બાદ આ દીપડાને ટ્રાન્ક્વિલાઇઝડ કરી શકાયો હતો. એ પછી બધાએ એને પાંજરામાં ધકેલી દીધો હતો.બાદમાં જસાધાર એનિમલ સેન્ટરમાં લઈ જવાયો હતો.