વીસ લાખ કરોડની વચ્ચે અટવાયેલો છે શ્રમિક
- શ્રમિકો કોઈ પણ દેશ માટે પાયો હોય છે
- શ્રમિકો વિના કોઈ પણ રાજકીય પક્ષ કે કેન્દ્ર સરકાર કે આખા દેશનો ઉદ્ધાર થતો નથી
અલ્પવિરામ
મિસ્ટર મોદી પોતાને એક સારા આંકડાશાસ્ત્રી જ માને છે. વીસ લાખ કરોડનું પેકેજ એક સ્ટેટેસ્ટિકલ ગેઈમ જ છે એમ સુબ્રમણ્યમ સ્વામી આણિ મંડળી તો કહે જ છે
શ્રમિકોને વતન લઈ જવાની બાબત મીડિયા અને સોશ્યલ મીડિયામાં એટલી બધી છવાઈ ગઈ કે સરકાર ઉપર રાતોરાત દબાણ વધી ગયું હતું. શ્રમિકોની ધીરજ પણ ત્રીજા લોકડાઉનની જાહેરાત પછી ખૂટી ગઈ હતી. પરપ્રાંતમાં અન્નજળ ખૂટયા પછી કોઈ પણ માણસ કેટલા દિવસો ટગર ટગર આશાપલ્લીની ડાળે વીતાવી શકે? વતન જવા માટે પગપાળા ચાલી નીકળેલા કે સાયકલમાં પોતાની પત્ની સાથે નીકળી પડેલા કે બાઇક અથવા કોઈ પણ વાહનમાં લપાઈને નીકળી પડેલા શ્રમિકોના સમાચાર આવતા હતા. શ્રમિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કર્યા વિના છૂટકો ન હતો. પોલીસ સાથે ઘર્ષણ અને રાજકીય રોટલા શેકવાની વાતોથી ત્રીજું લોકડાઉન ભરચક રહ્યું. હવે શ્રમિકો માટે લાગલગાટ ટ્રેનો ઉપડી રહી છે. પંદરસો જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ઉપડી એવું રેલવે મંત્રાલય જણાવે છે. ભાજપ સરકારની આંકડાકીય વિગતોની વિશ્વસનીયતા ઝિરો સ્ટેટસ પર છે.
એનડીએ સરકાર કહે કે પંદરસો ટ્રેન અમે કામદારો માટે દોડાવી તો પહેલે જ ધડાકે લોકો એમ માને છે કે સાતસો ટ્રેન દોડાવી હશે, બાકીના ગપ્પા. લોકો કંઈ રાતોરાત આવું માનતા નથી. એનો બહુ લાંબો ઈતિહાસ છે. આંકડાઓની ગપ્પાબાજી એ ભાજપની પ્રમુખ ચરિત્રહીનતા છે. મિસ્ટર મોદી પોતાને એક સારા આંકડાશાસ્ત્રી જ માનતા હશે. વીસ લાખ કરોડનું પેકેજ એક સ્ટેટેસ્ટિકલ ગેઈમ જ છે એમ સુબ્રમણ્યમ સ્વામી આણિ મંડળી તો માને જ છે. વળી નિર્મલા સીતારામન પણ જેટલીની જેટલી રમત શીખી ગયા છે. તમે જ્યારે કંઈ પણ ખોટું કરો છો ત્યારે તમારું ભૌતિક શરીર એક માર્ક માઈનસ કરે છે. સીતારામનનું સ્વાસ્થ્ય હવે પહેલા જેવું રહ્યું નથી. એમના માર્ક્સ માઈનસ થવા લાગ્યા છે.
સામાન્ય નાગરિકને એ સમજાતું જ નથી કે આવી વિરાટ આંકડાઓની માયાજાળ સરકારે જાહેર કરી એનાથી એની રોજની જિંદગીમાં શું ફેર પડવાનો છે ? શાળા કે કોલેજની ફી ઓછી થશે ? કરિયાણું કે શાકભાજી સસ્તા મળશે ? પેટ્રોલમાં કંઈ કન્સેશન મળશે ? નાની બચતનું વ્યાજ વધશે ? વિધવા પેન્શન વધશે ? કપડાંનું શું ? રસ્તા પર ગમે ત્યાં રાત ગાળીને ચાલતા ચાલતા કપડાં પણ ફાટવા આવ્યા છે. રોટી કપડા ઔર મકાનમાં કપડા તો આ સરકારને કદી કોઈ પણ યોજનામાં યાદ જ નથી. જો કે એનું કારણ લોકો તો જાણે જ છે. પરંતુ ભારતીય પ્રજાના કુલ વાષક ગૃહસ્થીનિભાવ ખર્ચમાં કપડાનો ખર્ચ બહુ મોટો છે. જે ડાહ્યા ને વહીવંચાની રીતને અનુસરનારાઓ હિસાબ રાખતા હોય એને ખબર હોય. મધ્યમ વર્ગ અને આથક રીતે નિમ્ન વર્ગને એ જ હજુ સમજાયું નથી કે વીસ લાખ કરોડની રકમ ક્યાં જશે અને ક્યાંથી એના પોતાના હાથમાં પાઈ બે પાઈ આવશે કે બધું જ અગાઉની જેમ પડખેથી પસાર થઈ જશે ?
શ્રમિકો કોઈ પણ દેશ માટે પાયો હોય છે. વિકાસની ન દેખાતી આધારશીલા શ્રમિકોને કારણે રચાઈ છે. શ્રમિકો વિના કોઈ પણ રાજકીય પક્ષ કે કેન્દ્ર સરકાર કે આખા દેશનો ઉદ્ધાર થતો નથી. ઇતિહાસ આ હકીકતનું સાક્ષી બન્યું છે અને ભવિષ્યમાં પણ આ વાત બદલાશે નહીં. લોકડાઉનને કારણે જુદા જુદા પ્રાંતમાં કુટુંબ વિના વસવાટ કરી રહેલા શ્રમિકોને પડતી તકલીફો તો બે-બે લોકડાઉન સુધી બહેરા કાને જ અથડાતી હતી. બહુધા દેશ માટે લોકડાઉન એક વેકેશન હતું જ્યારે આ શ્રમિકો માટે તે જ વેકેશન ઓપન જેલમાં ફેરવાઈ ગયેલું. સત્તાધીશોની બહેરાશ ત્રીજા લોકડાઉને ખુલી જ્યારે શ્રમિકો ચાર રસ્તે આવી ગયા. પેટની ભૂખ અને પરિજનોનો વિયોગ ભય પણ ભુલાવી દેતો હોય છે. શ્રમિકો ભેગા થયા એમ સોશ્યલ ડિસ્ટન્સિંગ ન જળવાયું પણ એમ થવું સ્વાભાવિક હતું. લોકડાઉનનો તબક્કાવાર વ્યવસ્થિત અમલ કરવામાં આવ્યો હોત તો તબલિઘી જમાતથી લઈને શ્રમિકોને એના ઘેર પહોંચાડવા જેવી ઘણી આપદાઓનો સામનો કરવો પડયો ન હોત. પણ આ સરકાર પોતાના જ નિર્ણયોની સતત ફેરબદલી કરવા માટે જાણીતી છે.
રેલવે મંત્રાલયના કહેવા મુજબ જે પંદરસો શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડતી કરવામાં આવી છે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ઉપડતી ટ્રેનોની સંખ્યા વધુ છે. સૌથી વધુ ટ્રેનો ઉત્તરપ્રદેશ પહોંચી છે. બસ્સો જેટલી ટ્રેનો અત્યારે રસ્તામાં છે અને બીજી અમુક ટ્રેનો હોવી મુકાવાની છે. પહેલી મેથી શરૂ થયેલી આ શ્રમિકોની નિજવતન પરત યાત્રામાં સાડા અઢાર લાખ લોકોનો સમાવેશ થાય. એનો અર્થ જાગૃત નાગરિકે એમ ન કરવો જોઈએ કે સાડા અઢાર લાખ લોકો એના ઘરે પહોંચ્યા, બલ્કે સાડા અઢાર લાખ લોકોએ પોતાની નોકરી મૂકીને પહેલા રસ્તે રઝળતા થયા અને એમાંથી કેટલાક ઘરે પહોંચ્યા અને કેટલાક બાકી છે. કોરોનાના આગમન પહેલા આ દેશમાં બેરોજગારી અને એનો દર ઝડપથી વધી રહ્યા હતા. સરકારની આલોચના કરનારા ઘણા નિષ્ણાતો જેને સરકાર વિરોધી માને છે તેઓએ પણ વિચાર્યું ન હતું કે દેશમાં આટલી ઝડપે બેરોજગારોની સંખ્યા વધી શકે. કોરોનાએ અર્થશાસ્ત્રને અને બેકારીના સંયોગોને નવો અને ઝટકાભેર વળાંક આપ્યો.
કોરોનાને લાગતા જુદા જુદા આંકડાઓમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ટ્વીન સ્ટેટ છે એટલે સાથે સાથે જ હોય છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં પણ આ બંને રાજ્યોમાં નજીક નજીક છે. મહારાષ્ટ્ર એમાં આગળ છે. પરંતુ શ્રમિકોને એના વતને લઈ જવા બાબતે ગુજરાત આગળ છે. ગુજરાતમાંથી ૪૯૬ જેટલી ટ્રેનો રવાના થઈ તો મહારાષ્ટ્રમાંથી ૨૬૬ ટ્રેનો દોડતી થઈ.
પંજાબ, તામિલનાડુ, હરિયાણા, કર્ણાટક, તેલંગણામાંથી પણ બીજા રાજ્યોમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન નીકળી. ઉત્તરપ્રદેશે પણ આડત્રીસ જેટલી ટ્રેનો મુકવી પડી. હજુ હજારો શ્રમિકો ઘરે પહોંચ્યા નથી. હજુ એવા શહેરો છે જ્યાં નાનકડી રૂમમાં એકસાથે દસ જેટલા શ્રમિકો છેલ્લા બે મહિનાથી શૂન્ય કમાણી અને એક ટંકના ભોજન સાથે ગુજારો કરી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેન બંનેની સંખ્યા વધતી જાય છે. ઘટાડો માત્ર એક જ બાબતમાં જોવા મળે છે અને એ છે કોરોનાનું ટેસ્ટિંગ.
અમુક સમયગાળા દરમિયાન અમુક શબ્દો જે તે સમયના પ્રતીક બની જતા હોય છે. એવા શબ્દો પોતાના જમાનાના સંસ્કારને ધ્વનિઓમાં સમાવી લે છે. ભાષા વિજ્ઞાાનમાં આ સિમેન્ટિક્સ તરીકે ઓળખાય છે. ભારત દેશ આઝાદ થયો એ સમયે વિસ્થાપિત બઝવર્ડ હતો કારણ કે નહેરુ સરકાર પાસે કરોડો વિસ્થાપિતોની સમસ્યાનો બોજો હતો. નહેરુ પાસે દોષારોપણ કરવા માટે બીજા કોઈ નહેરુ ઉપલબ્ધ ન હોવાના કારણે ધાર્યા કરતા ઓછા સમયગાળામાં વિસ્થાપિતોને ભારતના મુખ્યપ્રવાહમાં પ્રસ્થાપિત કરવાની કામગીરી તેમણે કરેલી. લોકડાઉનમાં ભારતના પરિપ્રેક્ષ્યમાં શ્રમિક એ બઝવર્ડ છે. પરંતુ તે એક શબ્દ જ નથી. તેની સાથે કરોડો શ્રમિકોના પરિવારો અને તેમના જીવનનિર્વાહનો સળગતો સવાલ સમાજ અને સરકાર સામે છે. અર્થતંત્ર ડઝનબંધ ચક્રો ધરાવતું હોય છે. એ ચક્રોના પાયામાં શ્રમિકો રહેલા છે. કોરોનાની વેકસીન આવશે એ નક્કી છે પરંતુ ભારતીય અર્થતંત્રના બધા જ ચક્રો પહેલાની જેમ ગતિમાન થશે કે કેમ તે સવાલ છે.