For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંતાનોના ઉચ્ચ અભ્યાસ વિશે નિર્ણયો લેનારા વાલીઓની મૂર્ખતા

Updated: Jun 6th, 2022

Article Content Imageઅલ્પવિરામ

- સંતાનો પ્રત્યેનું વાત્સલ્ય એટલે એમના ભવિષ્ય અંગે સુનિયોજિત માર્ગદર્શન. માત્ર ફીના પૈસા આપી દેવાથી એમનાં ઘર બંધાવાના ને ચાલવાના નથી!

પરીક્ષાઓના પરિણામોની મોસમ હવે શરૂ થઈ રહી છે. આમ તો પરિણામના દિવસને જૂની પેઢીના લોકો હસતી-રોતી ફિલમ કહેતા. એ જમાનામાં પાસ અને નાપાસ બે જ શબ્દ ગૂંજતા હતા. ટકાનું અત્યાર જેવું ભૂત કોઈના મન પર સવાર ન હતું. લોકોના મન પણ ખુલ્લા હતા. બીજાની તેજસ્વિતા જોઈ લોકો રાજી થતા. આજે તો બીજાની હોશિયારી જોઈને બળતરા કરનારો વર્ગ મોટો છે. આપણે ત્યાં જે કેટલીક ખાનગી ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલુ થઈ એમાં તો જાણે નિયમ જ થઈ ગયો છે કે નેવું ટકાથી નીચે કોઈને માર્કસ્ આપવા જ નહીં. વાલીઓ માને કે ઓહોહો અમારે ત્યાં તો સંત જ્ઞાાનેશ્વરે કંઈ અવતાર લીધો છે ને! આ જ્ઞાાનેશ્વર મોટા થાય પછી એને બેન્કમાં ડ્રાફ્ટ કઢાવતા ન આવડે, રેલવેના રિઝર્વેશનમાં ટુ ટાયર એસી અંગે કંઈ ભાન ન પડે અને પોસ્ટમાં કિસાન વિકાસ પત્રનું ફોર્મ ભરતા પણ ન આવડે. આપણા દેશમાં ઊંચી ટકાવારી લઈ રઝળતા 'ટકા'ઓનો કોઈ પાર નથી. હા, જો સમજણ સહિત ઊંચી ટકાવારી હોય તો વય-બાધ વિના તે વંદનીય છે.

હવે બોર્ડ પરીક્ષાના પરિણામો આવી ગયાં છે એટલે આપણા મલકમાં સલાહકારોનો રાફડો ફાટી નીકળશે. જેમને પોતાને સંબંધિત વિદ્યાશાખાની કોઈ જ ગતાગમ નથી એ વાલીને ઘરે જઈ તેમના હિંચકે બેસીને વરિયાળીનું શરબત પીતા પીતા કહેશે કે તમારા દીકરાને નેનો ટેકનોલોજીમાં મોકલો. આવી રીતે નેનોમાં કેટલાય મેનો ને બેનો ફસાયેલા છે! એટલે અહીં સિદ્ધાંત એ છે કે અયોગ્ય કે અર્ધયોગ્ય સલાહકારોના કહેવાથી સંતાનોની કારકિર્દીની આહુતિ આપી ન દેવી. ધોરણ દસ કે બાર પાસ થનારા વિદ્યાર્થીઓ સમજણમાંય પુખ્ત હોતા નથી. એટલે તેઓ પણ ઘરઆંગણાની કે મિત્રોની વાતોમાં તણાઈ જાય છે. પરિણામ એ આવે છે કે તેઓ જ્યારે કોલેજમાં પગરણ કરે છે એના થોડાક જ દિવસોમાં એમને ખ્યાલ આવી જાય છે કે આપણે સાવ ખોટી જ દુનિયામાં આવી ગયા છીએ. એ દુનિયા ખરેખર ખોટી નથી, પરંતુ જેમને એ જ વિદ્યાશાખાનું ઘેલું લાગ્યું હોય એને માટેની છે. પોતાના અંતઃકરણમાં છુપાયેલી રસરુચિને જાણ્યા વિના જેઓ અંધારામાં ઝંપલાવે છે તેઓને કંઈ હીરામોતી મળી જતાં નથી. તેઓ ગોથાં ખાઈને પાછા ફરે છે. ખબર પડે કે તુરત કોઈ જ સંકોચ રાખ્યા વિના નિખાલસતાથી જેઓ વિદ્યાશાખા બદલાવે છે તેમના વરસો પાણીમાં જતાં બચી જાય છે. વાલીઓ અને સલાહકારો કંઈ પણ આંબાઆંબલી બતાવે એમાં લલચાઈ જવા કે એમના પ્રભાવમાં વિદ્યાર્થીઓએ આવી જવા જેવું નથી.

વાલીઓને પોતાને પણ પૂરતી ખબર ન પડતી હોય છતાં બહુ આછી અને ઉપરછલ્લી સમજણને આધારે સંતાનોને ઉચ્ચ શિક્ષણમાં ધક્કા મારતા હોય છે. ધારો કે કોઈ વિદ્યાર્થી એના માતાપિતાને એમ કહે કે હવે ધોરણ બાર તો મેં સારી રીતે પૂરું કર્યું તો મને એક વરસ વિચારવા દો. હું જરાક બધી લાઈનનો પરિચય મેળવી લઉં અને પછી નિંરાતેથી નિર્ણય લઉં. જો કોઈ વિદ્યાર્થી આવું કહે તો એના ઘરમાં ભૂકંપ આવે. અને શિક્ષકોને ખબર પડે તો તેઓ તૂટી જ પડે. આપણે એવા સમાજમાં છીએ જ્યાં ચાર વરસ બગાડવાની બધી વ્યવસ્થા છે, પણ આખી જિંદગી સુધારવા માટે એક વરસ રાહ જોવાની જોગવાઈ નથી. એટલે આપણે વિદ્યાર્થીને પોતાના ભવિષ્ય માટેનું આયોજન કરવા માટે પૂરતો અવકાશ આપવા માટે તૈયાર નથી. જો કોઈ એક વિદ્યાર્થી એમ કહે કે મારે હમણાં ભણવું નથી, આગળનો અભ્યાસ કરવા માટે મને એક-બે વર્ષ વિચારવા દો તો પહેલા તો એને ઘરમાંથી જ કાઢી મૂકવામાં આવે અથવા તો આવા સર્વોત્તમ વિચારશીલ વિદ્યાર્થીને બેવકૂફ સાબિત કરવામાં આવે.

પણ એ દિવસો હવે દૂર નથી કે વાલીઓના મનમાં ઉચ્ચ શિક્ષણની કોઈ જ કિંમત નહિ હોય. હજુ લાખો વાલીઓ ભ્રમમાં છે, પરંતુ જેમણે પોતાની દીકરી પારકે ઘેર મોકલવાની છે એવા વાલીઓને મન તો આજે જ મુરતિયાના ભણતરની કોઈ કિંમત નથી. શું ભણ્યા છો એનું હવે મહત્ત્વ નથી, પરંતુ ભણ્યા પછી અત્યારે શું કરો છો એ એક જ વિગત જ મુખ્ય છે અને એમાંય કોઈ વધુ ભણવાની વાત કરે તો કન્યાપક્ષને એક તો એમાં વિશ્વાસ નથી અને એટલી ધીરજ પણ નથી. એક મિકેનિકલ એન્જિનિયર કરતાં કરિયાણાની દુકાનના માલિક ઉમેદવારને કન્યાપક્ષ જલ્દી પસંદ કરે. આપણા પ્રદેશમાં જ એવા હજારો કિસ્સાઓ છે કે જેમાં ઊંચી ઊંચી દંતકથાઓ કરીને લગ્ન કરાવી લીધાં હોય, પરંતુ વાસ્તવિકતા તો ચાર-પાંચ મહિને છતી થયા વગર ન રહે. પછી પરણિતાએ કે વાલીઓએ શું કરવું ? ખરેખર તો છેતરપિંડી કરનારાઓ એક પ્રકારના અપરાધી છે એટલે એમનાથી જલ્દી જુદા પડવું એમાં જ કલ્યાણ છે, પરંતુ સમાજની હિંમત હજુ એ રસ્તે જવાની નથી.

કોઈ બે પૈસા ઓછા કમાય છે એ તકલીફની વાત નથી. આપણી ગુજરાતની દીકરી તો મીઠું અને રોટલો ખાઈનેય સાસરવટ નિભાવે, પરંતુ જેઓ લગ્નપૂર્વે ખોટું બોલીને આસમાનના સિતારાઓ બતાવે અને લગ્ન પછી ખબર પડે કે બે ટંક પોતાના પગે ઊભા રહેવાનાય ઠેકાણા નથી તો પછી એનો સંગ ટકાવી ન રખાય. આવા સંજોગોમાં ખોટું બોલનારાઓ અંગે જે વાલીઓ પોતાની દીકરીને પડયું પાનું નિભાવી લેવાની સલાહ આપે તેઓ મૂર્ખ હોય છે અને જેઓ ભાગ્યની વાત કરે તેઓ બેવકૂફ હોય છે. દિલ્હી અને બેગ્લોરમાં એવા અનેક કિસ્સાઓ છે, જેમાં લગ્ન પછી પણ પરણિતાના માબાપે પોતાની દીકરીનું મન જાણીને એને પાછી બોલાવી લીધી હોય અને ફારગતીની અરજી અદાલતમાં મૂકી દીધી હોય. છેલ્લા પાંચ વરસમાં આઈટી ઉદ્યોગની કમર ભાંગી ગઈ એમાં અનેક લોકોને ઘરભંગનો અનુભવ થયો છે. આવા ઘટનાક્રમના મૂળમાં ખરું પાપ મુરતિયાનાં માબાપનું હોય છે. તેમણે જ હકીકતો છુપાવવાનું ષડયંત્ર ઘડયું હોય છે. જે ઘરમાં અસત્યનો આશ્રય લેવાની પરંપરા હોય એના ફળિયામાં પગ કેમ મૂકાય ? ગુજરાતની અનેક નવયુવાન દીકરીઓની જિંદગીને ઠેબે ચડાવતી આવી ઘટનાઓ કંઈ ઓછી નથી. આ બધાના મૂળ જ તપાસવા જેવાં હોય છે. એના મૂળમાં વાલીઓ જ દોષિત હોય છે. સંક્ષિપ્તમાં પુનઃ સિદ્ધાંત તો એ જ રહે છે કે જેઓ પોતાની રસરુચિ સિવાયની વિદ્યાશાખામાં ભણવા જશે તેઓ ક્યારેય ઠેકાણે પડવાના નથી.

વિદ્યાર્થીઓ સો વાર કહે તેમાં એકવાર એને દાખલ કરાય. આપણે ત્યાં તો સાબરમતી કે શેત્રુંજીને કાંઠે ઊભા કોઈ સલાહ આપે કે સિવિલ એન્જિનિયર થવું સારું હાંે તો વાલી એ તરફ છોકરાઓને ધક્કા મારવા લાગે અને ગામના ચોકના પાટિયે બેસીને કોઈ કહે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી મઝા નહીં હોંે તો પછી વાલી સંતાનોને સીએ બનાવવા માટે ધૂણવા લાગે. એમ ધક્કા મારીને કોઈની કારકિર્દી ઘડાતી નથી. માત્ર દેખાડો થાય. તમારો બાબો શું ભણે છે? એટલે વાલી ફૂલાઈને કહે કે વડોદરા એરોનોટિકલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં છે. સારી વાત છે. પણ જો એ એના રસનો વિષય નહીં હોય તો બે વરસમાં એ જ વિદ્યાર્થી ગામમાં કે પોતાના શહેરમાં અથડાતો જોવા મળશે. આપણે ત્યાં સંતાનો કંઈ કરતાં ન હોય અને પરણવા જેવડાં થાય એટલે માતાપિતા કેવા ઉત્પાત મચાવે છે એની યાદી બહુ લાંબી છે. તોય કંઈ વળતું નથી. હા, બે-પાંચ લાખ ઓછા થાય છે. અરે, આજેય એવા કેટલાય દંપતીઓ છે જેને બાર મહિનાના અનાજ કરિયાણા તો વડીલો જ ભરી આપતા હોય છે. એના મૂળમાં પણ ખોટા શૈક્ષણિક નિર્ણય હોય છે.

જેને જેમાં રસ હોય એ જ જો ભણવા મળે તો એની જિંદગીમાં ચમત્કાર થાય છે. એની પ્રતિભા સોળેય કળાએ ખીલે છે. એને ભણવાનો કદી ભાર લાગતો નથી. એને દસ વાર સાદ કરો તોય હાથમાંથી પુસ્તક પડતું ન મૂકે, કારણ કે એને એની દુનિયા મળી ગઈ હોય છે. આવા વિદ્યાર્થીઓ જ આગળ જતાં ઉદ્યોગપતિ થતાં હોય છે અને નોકરી કરે તોય તેનું વાષક પેકેજ વીસ-પચીસ લાખથી ઓછું ન હોય. ખરેખર વિદ્યાર્થી ધોરણ બારની બાર નીકળે એ પહેલાં માતાપિતાએ જ જાણી લેવું જોઈએ કે આપણો સિક્કો ક્યાં ચાલશે. પણ માતાપિતાને જો બાળકો સાથે બેસવાનો કે વાતો કરવાનો ટાઈમ ન હોય તો સંતાનોની જિંદગી ઠેબે ચડે છે, જેની દુઃખદ શરૂઆત બારમા ધોરણ પછી થાય છે. 

Gujarat