લાપતા બાળકોની અન્તહીન કરૃણાન્તિકા
આગામી એક વરસમાં પણ દેશમાંથી એક લાખ માસૂમ બાળકો ગુમ થઈ જવાના છે, કારણ કે એમ ન થવા માટે સરકારે આક્રમક પગલા લીધા નથી
આમ તો દેશભરમાં બાળકો લાપતા થવાના કિસ્સાઓ વધતા જાય છે. વાલીઓ તેમના સંતાનોને લઈને બહાર તો નીકળે છે પરંતુ તેઓ કવચિત બાળકોને ભૂલી પણ જાય છે. વાત જલદીથી ભલે ગળે ન ઉતરે, પરંતુ દેશમાં હજારો દંપતીઓ એવા છે જેના લાડકા દીકરા કે દીકરી તેઓની જ બેદરકારીને કારણે તેમના હાથમાંથી સરકી ગયા છે
અને હાથમાં હવે માત્ર એ ખોવાયેલા બાળકના ફોટોગ્રાફ રહ્યા છે. પોતાનું માથું શ્રીફળની જેમ વધેરાઈ ન જાય ત્યાં સુધી હેલ્મેટનો અર્થ આપણા દેશના દ્વિચક્રિક ચાલકને ન સમજાય એવું જ અહીં છે કે ભોગ ન બનેલા વાલીઓને એ અંદાજ આવતો નથી કે જે કારણસર બાળકો ખોવાયા છે એવા જ કારણસર હજુ પણ વધુ કેટલાક બાળકો ખોવાઈ જવાના છે.
બાળક પોતે નિજાનંદી હોય છે, એ ક્યારે આપણા હાથમાંથી સરકી જાય એનું ધ્યાન ન પણ રહે ! પરંતુ પહેલા તો ખોવાયેલા બાળકો તુરત મળી જતા. પરંતુ હવે જોખમ વધ્યું છે. બાળક એકવાર નજર બહાર જાય પછી એ ક્યાં જાય છે કે કોણ લઈ જાય છે એ ખબર પડતી નથી.
મધ્યપ્રદેશમાં તો સરેરાશ દરરોજ પચીસ બાળકો લાપતા થઈ જાય છે. સમગ્ર દેશમાં આ આંકડો પશ્ચિમ બંગાળ પછી સૌથી મોટો છે. જો કે મધ્યપ્રદેશની હાલક ડોલક શિવરાજસિંહ ચૌહાણની સરકાર કહે છે કે ખોવાતા જતા બાળકોમાંથી ૭૫ ટકા બાળકોને તો અમે શોધી આપીએ છીએ અને તેમના વાલીઓને સોંપી દઈએ છીએ.
મધ્યપ્રદેશમાં બાળકોની સાથે દસથી પંદર વર્ષની બાળાઓ પણ ગુમ થતી રહી છે. દેશના કોઈપણ રાજ્ય પાસે ખોવાયેલા બાળકોને શોધવા માટેનું આગવું વ્યવસ્થાતંત્ર નથી. બાળકોના શારીરિક અંગો વેચવા માટેની નવી ઇન્ટરનેશનલ ડિજિટલ માર્કેટ ઊભી થઈ ગઈ છે તેનાથી બહુધા વાલીઓ હજુ અજ્ઞાાત છે. કેટલીક બહુચર્ચિત ઘટનાઓ સંદર્ભે જુઓ તો માસૂમ બાળકને ખબર પણ હોતી નથી કે ખોટા નામના પાસપોર્ટ અને વિઝા દ્વારા હવાઈ સફર પૂરી થશે ત્યારે તેના શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે. દંપતીઓ ક્યારેક કલેશમાં તો ક્યારેક કેમેરાની ફલેશમાં મશગુલ હોય છે, એ તકનો લાભ લઈ બાળક ગમતી ચમકદમક તરફ આકર્ષાઈને દોડે છે, દંપતીને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે થોડી મિનિટો જ પસાર થઈ હોય છે પણ તે ઘણું જ મોડું થઈ ગયું કહેવાય છે. એ થોડી ક્ષણોમાં જ એમની જિંદગીમાં એક આખો યુગ બદલાઈ જાય છે. સંસારનું કોઈ પણ વિખૂટું પડેલું બાળક એના માતાપિતા માટે કેવું તરફડતું હોય છે ?
મધ્યપ્રદેશના પોલીસ કહે છે કે માનવ તસ્કરી રોકવા માટે ખાસ પોલીસ ટુકડીઓ કામ કરી રહી છે. પરંતુ હ્યુમન ટ્રાફિકિંગ રોકવામાં તેઓ નિષ્ફળ નીવડયા છે. ગયા વરસે મધ્યપ્રદેશમાંથી ૮૫૦૩ બાળકો ગુમ થઈ ગયા, જેમાં ૬૦૩૭ બાલિકાઓ હતી. ૮૫૦૦ પરિવારોને ખબર નથી કે તેમના પુત્ર-પુત્રી આજે ક્યાં છે અને કઈ હાલતમાં છે.
કેન્દ્ર સરકારના ગૃહખાતા દ્વારા સંસદમાં રજૂ કરાયેલી વિગત પ્રમાણે જે ચાર વરસના આંકડાઓ આપવામાં આવ્યા એનો અર્થ છે કે દેશમાં દર વરસે એક લાખ બાળકો ગુમ થઈ રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો પ્રમાણે ભારતમાં દર આઠમી મિનિટે એક બાળક ગુમ થઈ જાય છે. ગુમ થનારા બાળકોમાં રાષ્ટ્રીયસ્તરે ૫૫ ટકા બાલિકાઓ હોય છે. પાકિસ્તાનમાં દર વરસે ગાયબ થનારા બાળકોની સંખ્યા ત્રણ હજાર છે. આપણાથી વધુ વસતી ધરાવતા ચીનમાં દર વરસે દસ હજાર બાળકો લાપતા થાય છે.
પરિસ્થિતિ ગંભીર છે પરંતુ રાજ્ય સરકારો કે કેન્દ્ર હજુ આ સમસ્યા તરફ વિશેષ ધ્યાન આપતા નથી, પરિણામે બાળકો ગુમ થતા રહેવાની સરેરાશ સતત વધતી જાય છે. રાજ્યવાર પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર હવે પશ્ચિમ બંગાળથી પણ વધુ ખતરનાક સંયોગોનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વરસમાં અહીંથી પચાસ હજાર બાળકો ખોવાઈ ગયા છે. સર્વોચ્ચ અદાલત કુલ એક લાખ સિત્તેર હજાર બાળકોને શોધી આપવા ભારત સરકારને આકરો ઠપકો આપ્યો હતો, એને એટલો સમય થઈ ગયો કે એટલા જ વધુ અન્ય બાળકો પણ લાપતા થઈ ગયા છે. રાજ્યોના કાયદો અને વ્યવસ્થાતંત્રનું માળખું બાળકો પર આવેલા આ સંકટ તરફ હજુ એકાગ્ર નથી. માનવ તસ્કરી કરતી ગેંગના હાથમાં એકવાર બાળક પહોંચે પછી ત્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી.
ભારત સરકાર અન્ય દેશોની તુલનામાં આ અપરાધને 'લાઈટલી' લેતી હોવાનો ખુદ એક અપરાધ કરે છે. વરસે એક લાખની સરેરાશથી ગુમ થઈ રહેલા બાળકો અંગેની છબી-માહિતી પ્રસારિત કરવાનું કોઈ વ્યવસ્થાતંત્ર પણ ડિજિટલ ઇન્ડિયાના હિમાયતીઓએ તૈયાર કર્યું નથી. આન્ધ્ર પ્રદેશમાં પણ બાળકો લાપતા થવાની એવરેજ ઊંચી છે. આન્ધ્ર સરકારે પણ ખોવાયેલા બાળકોને શોધવા માટે પોલીસતંત્રમાં અલગ રોલ ખોલી રાખ્યા છે પરંતુ એ વિભાગ પણ આંકડાઓથી પત્રકો ભરવા સિવાય કંઈ કામ કરતા નથી. મુંબઈમાંથી લાપતા થઈને પછી છટકીને પાછા આવેલા કેટલાક કિશોરોએ વર્ણવેલી આપવીતી પ્રમાણે તેમને ગોડાઉન અને ફેકટરીઓમાં કોઈ ઉત્પાદન પ્રક્રિયામાં બાળમજૂર તરીકે જોતરવામાં આવ્યા હતા. તેમના પર એક મુકાદમ રહેતો જે સતત સોટી મારીને એમની પાસે કામ કરાવતો છતાં આ વર્ણન તો કંઈ નથી, બાળકો પરના અત્યાચારો એવા ને એટલો હોય છે કે સાંભળનારાઓ થરથર કાંપવા લાગે.
સરકારમાં એ તાકાત હોવી જોઈએ કે એના દેશની ધરતી પર પગલી પાડનાર શિશુઓને નિર્ભિક રીતે એમની જિંદગી મળે. દેશમાં એકાધિક શિકારી ટોળકીઓ સક્રિય હોવાના મજબૂત પુરાવાઓ ઉક્ત આંકડાઓ આપે છે. કલ્પાંત કરતા વાલીઓ શરૃઆતમાં પોલીસ સ્ટેશને ધક્કા ખાય છે ને પછી થાકી જાય છે. દેશના મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ લખવા જાઓ એટલે પોલીસ માત્ર જાણવા જોગ કાચી નોંધ જ કરે છે. દેશના કેટલાક રાજ્યોમાં બાળક ગુમ થવા અંગેની ફરિયાદ એક મહિનામાં એફઆઇઆર તરીકે રજિસ્ટર્ડ થવાનો કાયદો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારે પોલીસ તંત્રને આવું કોઈ ડાયરેકશન આપ્યું નથી.
બાળકો સાથે હોય ત્યારે વાલીઓની સભાનતા બહુ વખાણવા જેવી નથી. હમણાં જ પ્રગટ થયેલા મિસિંગ ચિલ્ન્ડ્રન ઈન દિલ્હી નામક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાટનગરમાંથી ગુમ થયેલા બાળકોમાંથી ૬૩ ટકા બાળકો હજુ સુધી તેમના ઘરે પાછા ફર્યા નથી. બાળકોના અંગોનું પ્રત્યારોપણ કરવાનો અમાનવીય વ્યાપાર દુનિયાભરમાં ફેલાતો જાય છે. જેમ અંધારી આલમ છે તેવી જ માનવ તસ્કરીની અને માનવ અંગોની (ઓર્ગન માર્કેટ) એક નવી વિકરાળ અને અણદેખીતી દુનિયા અસ્તિત્ત્વમાં આવી ગઈ છે.
બાળકો જ્યાં પણ વિખૂટા પડી જાય કે તુરત પેલી વિકરાળ દુનિયાનો એના પર પડછાયો પડી જાય છે. દરેક બાળક ગુમ થવા સાથે એક અલગ જ દિલધડક દાસ્તાન હોય છે, માતા પિતાનો તો ભાગ્યે જ વાંક હોય છે, ભૂલ બાળકની પણ હોય છે અને માનવ તસ્કરોએ બિછાવેલી ખતરનાક જાળ હોય છે. આ તસ્કરોના ચહેરા વર્ષોથી ઢંકાયેલા છે, સરકાર હજુ સુધી એમના રાષ્ટ્રીય ભૂગર્ભ વ્યવસ્થાતંત્રને બેનકાબ કરી શકી નથી. આજ સુધીની સ્થિતિનો અર્થ એવો થાય છે કે આવનારા એક વર્ષમાં પણ ભારતમાંથી એક લાખ બાલિકા-બાળકો ગુમ થવાના છે, કારણ કે એમ ન થવા માટે લેવા જોઈતા આક્રમક પગલાઓ સરકારે હજુ લીધા નથી.
- અલ્પવિરામ