- અલ્પવિરામ
- અખાતી યુદ્ધ પછી ઈ-કોમર્સ કંપનીઓ હવે એના સ્વપ્નલોકમાંથી બહાર આવી છે અને બજારમાં જવાથી ડરતી ભારતીય પ્રજાની સેવા માટે એકદમ બોટમલાઈને તત્પર બની છે, એટલે કે તેણે હવે ગ્રાહકના પગ પકડયા છે
ભારતમાં ઉભરી રહેલા સંજોગોમાં, સરકારે દરેક સ્તરે રાજદ્વારી પહેલ કરીને ક્રૂડ ઓઇલ અને રાંધણ ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપી છે એટલે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. ભારતીય પ્રજા યુદ્ધના સંયોગો સામે ટક્કર ઝીલી શકે કે નહિ એનો એક સ્વદર્શન કરાવતો લિટમસ ટેસ્ટ પણ થઈ ગયો જેની સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ છે. અમેરિકામાં ટ્રમ્પ વિરોધી આંદોલન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. એનાં તમામ સ્ટેટમાં દેખાવો અને સરઘસ ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સ્વયં આ દુનિયા પર લટકતી અનિશ્ચિતતાની સૌથી વધુ ઘાતક તલવાર છે. તેઓ જગતની અનેક રીતે મજાક ઉડાવી રહ્યા છે. તેમના કોઈ પણ ઉચ્ચારમાં કોઈને પણ વિશ્વાસ નથી. તેમની આસપાસના સલાહકારો એમની વાહવાહી કરે છે એથી તેઓ એમ માને છે કે સર્વોચ્ચ સત્તા સાથે સર્વોચ્ચ બુદ્ધિ ભેટમાં મળે છે, જે માન્યતા હાસ્યાસ્પદ છે, પણ એમની એ મનોદશા દુનિયાને નિત્ય નવી કરૂણતાઓ તરફ ધકેલે છે.
કોઈ પણ પ્રદેશનું ભૌગોલિક સ્થાન, કુદરતી સંસાધનો, દરિયાઈ માર્ગો, પર્વતો, રણ અને સરહદો તેની રાજનીતિ, સુરક્ષા નીતિ અને રાજદ્વારી વિકાસની દિશા નક્કી કરે છે. પ્રવર્તમાન સંયોગોમાં આ ધોરણો પ્રમાણે યુદ્ધના પક્ષકાર દેશો સહિત વિશ્વ સમુદાય આડે પાટે ચાલે છે. દક્ષિણ-પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ યુરોપ અને ઉત્તર-પૂર્વ આફ્રિકામાં ફેલાયેલા મધ્ય-પૂર્વમાં કોઈ સ્પષ્ટ અને સાર્વત્રિક રીતે માન્ય ભૌગોલિક સીમાઓ નથી. ભૌગોલિક જટિલતાઓ, ઇતિહાસ, ધર્મ અને મૂલ્યવાન કુદરતી સંસાધનોથી ભરપૂર આ પ્રદેશનો વૈશ્વિક રાજકારણ પર ઊંડો પ્રભાવ પડયો છે. ઉર્જા સંસાધનોની વિપુલતા, વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોની હાજરી અને મહાસત્તાઓનાં વિરોધાભાસી હિતો મધ્ય પૂર્વમાં રાજકીય પરિસ્થિતિને વધુ જટિલ બનાવી રહ્યા છે.
અખાતી યુદ્ધનો પડછાયો દરેક દેશ પર પડે છે. દેશની મોટા ભાગની ઈ-કોમર્સ કંપનીઓ સંકેલાઈ રહી છે એનું કારણ માત્ર સરકારની નીતિઓ નથી, એ કંપનીઓ સ્થાપવા માટે કૂદી પડેલા અર્ધ યોગ્યતા ધરાવતા દુઃસાહસિકો પણ છે. જે રીતે સરકારે દસ હજાર એફપીઓ (ફાર્મર્સ પ્રોડયુસર કંપની) બનાવ્યા પછી એ મોડેલ વિફળ નીવડયું ને એમાં બહુ ્રભ્રષ્ટાચાર થયો જેમાં પણ સરકારનો કોઈ વાંક ન હતો. અમેરિકા અને ચીનના વ્યાપાર યુદ્ધ પછી નવા અખાતી યુદ્ધ વચ્ચે હવે આપણી ઈ-કોમર્સ કંપનીઓ વધુ ભીંસમાં આવી ગઈ છે. છેલ્લાં બે વરસમાં અનેક ભારતીય ઈ-કોમર્સ કંપનીઓના સ્થાપકો વિખૂટા પડીને સ્વયં નોકરીઓ શોધવા લાગ્યા છે. દેશની અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ વર્તમાન બજારનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં ગોથું ખાઈ ગઈ છે. આ પરિસ્થિતિ હતી જ એમાં અખાતી યુદ્ધે નવો વંટોળ ઊભો કર્યો. ભારતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ નવી પેઢી ધૂમ કરતી હતી. હવે એ નવી પેઢી પાસે શોપિંગ બજેટ નથી.
ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓ મુખ્યત્વે શરૂઆતમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના બિઝનેસમાં બહુ આગળ નીકળી ગઈ. ફેશનની પણ એક વિરાટ આકાશગંગા આ કંપનીઓએ રજૂ કરી. લોકોએ હોંશે હોંશે એમાં ઝંપલાવ્યું પણ ખરું. ને એમ ઓનલાઈન શોપિંગ કંપનીઓ નફાકારક અને સમૃદ્ધ થવા લાગી. થોડાક કડવા-મીઠા અનુભવો વચ્ચે પણ લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળવા લાગ્યા. ઓફલાઈન રિટેઈલ વેપારીઓના ઊહાપોહ વચ્ચે પણ એની આગેકૂચ ચાલુ રહી. પરંતુ પછીથી એમાં વળતાં પાણી થયાં. કોર્પોરેટ જાયન્ટ કંપનીઓએ પણ છેલ્લાં બે વરસમાં સંખ્યાબંધ કર્મચારીઓની છટણી કરીને એમની કારકિર્દીની ચટણી વાટી છે, તો સ્વાભાવિક છે કે ઘટતા જતા બિઝનેસને કારણે ઇ-કોમર્સ કંપનીઓએ પણ સ્ટાફમાં કાપ મૂકવાનો આવ્યો છે.
ભારતમાં મોદી સરકારની ત્રીજી ઇનિંગ્સ ચાલુ થઈ જેને એન્ટી-ઈકોનોમિક સિઝન-૩ તરીકે ઈકોનોમિક્સના અધ્યાપકો ઓળખાવે છે એ જોઈને ઇન્ફોસિસે એના ટોચના આઇ.ટી. એન્જિનીયરોમાં ત્રણ હજારનો ઘટાડો કર્યો હતો. પછી તો એ ઘટાડાનો ક્રમ દેશની અનેક આઈટી કંપનીઓમાં ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે. જોકે ઈન્ફોસિસના સ્ટાફકાપમાં કેટલાક આંતરરાષ્ટ્રીય કારણોએ સ્થિતિ વધુ વિકટ કરી. રોયલ બેન્ક ઑફ સ્કોટલેન્ડે એવો નિર્ણય કર્યો કે તે હવે યુ.કે.માં ક્યાંય પોતાની નવી શાખા નહિ ખોલે એનાથી ઇન્ફોસિસને ફટકો લાગતા ભારતીય એન્જિનીયરોની હાલત કફોડી થઈ, કારણ કે એ બેન્કોના ઇન્ફોસિસ સાથે સેવાકરાર થયેલા હતા.
અખાતી યુદ્ધને કારણે અને ભારત ચીન વચ્ચેની વેરવૃત્તિ પુનઃ સજીવન થવાથી અન્ય અનેક અમેરિકી-ચીની કંપનીઓમાં ભારતી પ્રોફેશનલ્સ સરપ્લસ થતાં તેઓની વિદાય નિશ્ચિત થઈ છે. મોટા ભાગનાઓએ વિદાય લઈ લીધી છે અને નવી નોકરીની કોલંબસ જેવી શોધયાત્રા ચાલુ કરી દીધી છે. કેટલીક કંપનીઓએ તો સ્ટાફને અલ્ટીમેટમ આપ્યું તો કોઈક કંપનીએ કોમ્પ્યુટર ડ્રો કરીને જ છટણી કાર્યક્રમ જાહેર કર્યો જેથી પક્ષપાતની આશંકા ન રહે! જે કોમ્પ્યુટર એ લોકોનું ભાગ્ય વિધાતા બન્યું એ જ કોમ્પ્યુટર હવે એમની વિદાયનું નિમિત્ત બની ગયું એ વિધિની કેવી વિચિત્રતા! દેશમાં રહીસહી આઇ.ટી. કંપનીઓ પાસે અત્યારે પ્રોજેક્ટ આધારિત કામ છે જે માટે તેઓ બહુ ટૂંકા ગાળા માટે સ્ટાફ રાખે છે અને સંબંધિત પ્રોજેક્ટ પૂરા થતાં તેમને વિદાય આપે છે.
આવી પ્રાસંગિક અને અનિયત કહેવાય તેવી રોજગારી ક્રમ બેરોજગારીના ચક્રવ્યૂહમાં દેશના નવી પેઢીના એન્જિનીયરો ફસાઈ ગયા છે. મેનેજમેન્ટ સ્ટાફ પણ હવે ફસાયો છે. ઉપરાંત વિદેશથી આઉટસોર્સિંગનું જે કામ ભારતમાં આવતું હતું તે પણ હવે તો નહિવત્ થયું છે. બહુ જ ઉચ્ચ કક્ષાના આઇ.ટી. એસાઇમેન્ટ્સ હોય તો જ હવે ભારત મોકલવામાં આવે છે. એનું કારણ એ છે કે ખુદ અમેરિકનો પોતે જ જોબ માટે લાઇનમાં ઊભા છે. ભારતમાં દર વરસે ઓછામાં ઓછા એક કરોડ યુવક- યુવતીઓ નોકરી મેળવવા માટે કારકિર્દીના પથ પર ભટકવાની શરુઆત કરે છે. આઇ.ટી. અને ઈ-કોમર્સ કંપનીઓની બજાર ગરમ હતી ત્યારે એમ લાગતું હતું કે, તેઓ નવી પેઢીને સમાવી લેશે, પરંતુ આ કંપનીઓ જ સતત પાછી પડતા હવે દેશના બેરોજગારોનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. વડાપ્રધાને દર વરસે એક કરોડ રોજગારી ઊભી કરવાની જે વાત કરી હતી તે અન્ય વચનોની જેમ નિરર્થક સાબિત થતા આ પેઢીના યુવાઓની મુંઝવણમાં વધારો થયો છે. એ જ કારણ છે કે વડાપ્રધાન મોદીના છેલ્લા જન્મદિવસે સોશિયલ મીડિયામાં બેરોજગારોનો વિરોધી સ્વર બુલંદ બની ગયો હતો.
ઈ-કોમર્સની મોટા ભાગની કંપનીઓ હવે જોખમી તબક્કામાંથી પસાર થઈ રહી છે. આનો સાવ અર્થ એવો કરવામાં આવે કે ભારતમાં નવી રોજગારી જ નથી તો એ ખોટો અર્થ છે, કારણ કે દરેક કંપની તેના ઉદ્ધારક કર્મચારીઓની સદાકાળ પ્રતીક્ષા કરતી હોય છે. ખરેખર તો દેશની આ તમામ ઈ-કોમર્સ કંપનીઓને એવા કર્મચારીઓની જરૂર છે જે એની કાર્ય અને સેવા પ્રણાલિકામાં યુ-ટર્ન લાવીને બાજી પલટાવી શકે. એટલે એક વધારાની સમસ્યા ઈ-કોમર્સ ક્ષેત્રમાં જતી પ્રતિભાઓની પણ છે. આપણી કોલેજોએ વિદ્યાર્થીઓનું નિર્માણ જ એ રીતે કર્યું છે કે તેઓ પાસે ટકાવારી વધારે અને સ્કિલ ઓછી છે. ઓનલાઈન કંપનીઓ ઘઉંનો લોટ, બાજરાનો લોટ, સિંગતેલના ડબ્બી-ડબ્બા અને ઔષધીય ઉકાળા તથા જ્યોર્જ સ્ટીફન્સને શોધ્યા હતા એ સિવાયના નવા વરાળયંત્રો વેચતી થઈ ગઈ છે! લોકો સાવરણી અને સૂપડી પણ ઓનલાઈન ઓર્ડર આપી મેળવતા થયા છે. એ જ રીતે સાબુ, હળદર, ચપ્પલ, મીઠું અને માથું હોળવાનો કાંસકો પણ ઓનલાઈન આવે છે. આ બધું બતાવે છે કે ઈ-કોમર્સ કંપનીઓ હવે એના સ્વપ્નલોકમાંથી બહાર આવી છે અને બજારમાં જવાથી ડરતી ભારતીય પ્રજાની સેવા માટે એકદમ બોટમલાઈને તત્પર બની છે. એટલે કે તેણે હવે ગ્રાહકના પગ પકડયા છે.


