- અલ્પ વિરામ
- શફી ઈનામદારના નાટક 'બા રિટાયર થાય છે'ની જેમ હવે કુદરત પણ રિટાયર થાય તેને બહુ ઝાઝા વરસની વાર નથી. પર્યાવરણવિદોનો પ્રભાવ લોકજીવન સુધી પહોંચતો નથી
તાજેતરમાં, યુએન સેક્રેટરી-જનરલે ફરી એકવાર યુએન સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે સંસ્થાઓએ આજના વિશ્વની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવી જોઈએ, 80 વર્ષ પહેલાંની નહીં. તેણે સોશિયલ મીડિયા એક્સ પર આ લખ્યું હતું. જેમાં તેણે દક્ષિણ આફ્રિકાને કાયમી સભ્યપદ નહીં મળે તેવો ઉલ્લેખ કર્યો હતો.
આ દુનિયામાં ઘણા વ્યક્તિઓ કે વસ્તુઓ એવા હોય છે કે એ હવે મ્યુઝિયમમાં જ શોભે. કારણ કે વર્તમાન સાથે એનો તાર તૂટી ગયો હોય છે. સામ્પ્રતના રિલેવન્સનો અભાવ એક બહુ મોટો અભિશાપ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ હતી. ત્યારે જોકે એમ લાગતું હતું કે વિશ્વને હવે એક સર્વકાલીન શાન્તિપ્રિય નેતૃત્વ મળી ગયું છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે તે આજે પણ ૮૦થી વધુ વર્ષ પહેલાના સમાન શક્તિ સમીકરણને રજૂ કરવાનું ચાલુ રાખે છે. દરમિયાન, પરિસ્થિતિમાં તફાવતની દુનિયા આવી છે. જો આપણે સુરક્ષા પરિષદના વીટો પાવરથી સજ્જ માત્ર પાંચ સ્થાયી સભ્ય દેશો પર નજર કરીએ, તો આજનું બ્રિટન એ તે સમયના બ્રિટનનો માત્ર પડછાયો છે.
જો આપણે રશિયાને લઈએ, તો તેને સુરક્ષા પરિષદમાં સોવિયત સંઘનું સ્થાન આપવામાં આવ્યું હશે, પરંતુ તેની સત્તા અને પ્રભાવમાં સોવિયત સંઘ સાથે કોઈ સરખામણી નથી. જુના સોવિયત સંઘના દબદબા પાસે કાળની કેડીએ આજનું રશિયા તુચ્છ લાગે છે. છતાં આ રશિયા પેલા એના પૂર્વરૂપની સત્તા હજુ ભોગવે છે જે અવાસ્તવિક છે. જૂનો સોવિયત સંઘ હવે માત્ર કલ્પના કે જુના નકશાની રેખાઓમાં જ છે. જો ભારત, વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો અને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે તો પણ તેમાંથી બહાર છે, તો દક્ષિણ આફ્રિકાને કાયમી સભ્યપદ ન મળવું એ ભૌગોલિક પૂર્વગ્રહ દર્શાવે છે. એ જ રીતે દક્ષિણ અમેરિકા પણ તેનાથી વંચિત છે અને તે જ રીતે યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર જર્મની પણ.
આ વિસંગતતાઓનું પરિણામ એ છે કે સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે અસરકારક ભૂમિકા ભજવવામાં વધુને વધુ નિષ્ફળ રહી છે. તમામ કાયમી સભ્ય દેશો તેમના પોતાના સંકુચિત હિતો માટે તેમના વીટો પાવરનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે યુક્રેન અને રશિયા કે ઈઝરાયલ અને હમાસ યુદ્ધને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર કોઈ ભૂમિકા ભજવી શક્યું નથી. એ નિશ્ચિત છે કે જ્યારે પણ સુરક્ષા પરિષદમાં સુધારાનો મુદ્દો એજન્ડામાં આવશે ત્યારે ભારત મજબૂત દાવો કરશે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા પણ ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપી રહ્યાં છે. જો કે હાથીના ડબલ દાંતની ફોર્મ્યુલા અનેક દેશોની હવે વિદેશનીતિ છે. એ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે કે સુરક્ષા પરિષદના કાયમી સભ્ય ચીન આવા એકપણ પ્રસ્તાવને કોઈપણ ભોગે રોકવા ઈચ્છશે. જો કે, આજના બહુધ્રુવીય વિશ્વમાં, બ્રિક્સ, G૨૦, Quad, I૨U૨ જેવા ઘણા ફોરમ છે જે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના સમાધાનમાં વધુ અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે.
આ તમામ પ્લેટફોર્મ પર ભારત એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે હાજર છે, પરંતુ જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પ્રાસંગિક બનાવવી હોય તો ભારત જેવા દેશોને તેમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. ભારતનો પ્રભાવ વધી રહ્યો છે અનૈ એનું કારણ કોઇ એક વ્યક્તિ નહિ પણ ભારતીય પ્રજા ખુદ છે. વિશ્વ સમુદાય જાણે છે કે માનવતાના ધોરણની ઊંચાઈ ભારત પાસે છે, પરંતુ મનુષ્ય વધુમાં વધુ કેટલો પતન પામી શકે એ સર્વ હીનતાઓ ચીન પાસે છે. બહારનું જગત ચીનને ધિક્કારે છે અને ખુદ ચીન પણ આ વાત જાણે છે. એટલે જ એ ડોલરનો ભંડાર લઈને બીજા દેશોમાં લ્હાણી કરવા જાય છે. ચીનનો અસલ ચહેરો ખાનગી નથી. સહુ જાણે છે. અને એના નવા વાણિજ્યિક આંકડાઓ બતાવે છે કે જગત ક્રમશઃ એનાથી વિમુખ થઈ રહ્યું છે.
પર્યાવરણમાં ભારતની પ્રતિષ્ઠા છે. આંતરરાષ્ટ્રીય ચિત્ર જ એટલું ઢળતા ઢાળે છે કે એમાં ભારત ઉજ્જડોની વચ્ચે એરંડાસન પર બેસી શકે એમ છે. બાકી દેશમાં આપણે ખુદ જાણીએ છીએ કે પર્યાવરણ અને ભારત વચ્ચે કેટલી ગહન ખીણ છે. ભારત વાતાવરણમાં સૌથી ઓછું કાર્બનનું ઉત્સર્જન કરે છે એ હકીકત પરથી ભારતે જરાય સંતોષ લેવાની જરૂર નથી. જો કલાઈમેટ ચેઈન્જને આ ચાલુ સદીનો સૌથી મોટો પ્રશ્ન માનવામાં આવતો હોય તો એક વાત નક્કી છે કે આપણે એ માણસજાત છીએ જે મોતના કૂવામાં પણ સરકસના ખેલ કરે છે. આપણે સદાય એમ માનતા આવ્યા છીએ કે કુદરત હજુ આપ્યા જ કરશે. શફી ઈનામદારના નાટક 'બા રિટાયર થાય છે'ની જેમ હવે કુદરત પણ રિટાયર થાય એવા દિવસોને બહુ ઝાઝા વરસની વાર નથી.
માણસને જગાડવા અને પર્યાવરણ અંગે પ્રવૃત્ત કરવા યુએન ઉપરાંતની પણ અનેક સંસ્થાઓ મહેનત કરે છે પણ એનો પ્રભાવ લોકજીવન સુધી પહોંચતો નથી. મનુષ્ય જાણવા છતાં ઝેરી વ્યસન આચરે છે અને રાજનેતાઓ પ્રજાના ખિસ્સા પર જ હાથ રાખે છે. આવા સંયોગો વચ્ચે જંગલની એક લીલી પાંદડીની વીતકકથા કોણ સાંભળે? જેણે જિંદગીમાં એક પણ ઝાડ વાવ્યું નથી એવા કરોડો લોકોના જમેલા વચ્ચે પર્યાવરણની વાત કોઈ સાંભળે એ કલ્પના એટલી જ હાસ્યાસ્પદ છે જેટલી ભાજપ પોતાની ભૂલો જોતાં શીખે એ વાત એક મજાક છે. પર્યાવરણવિદો જોઈ રહ્યા છે કે અરધો મનુષ્ય તો લૂંટાઈ ગયેલો છે. માણસ જીવે છે પણ એનું આરોગ્ય હણાઈ ગયેલું છે. એટલે કે પચાસ વરસની વય સુધીમાં તો ભારતીય નાગરિકના શરીર પર ડૉક્ટરોની ફોઝ ચકરાવા લેવા લાગે છે.
સુખની વેળાએ જ સંસાર મૂકીને ચાલ્યા જનારાની સંખ્યા બહુ છે. સમાજનો એ એક અપ્રગટ વિષાદયોગ છે. સ્પેનની રાજધાની મેડ્રીડમાં ભરાયેલી યુએન કોન્ફરન્સ આ પ્રશ્નનું સાચું નિરાકરણ લાવવામાં વધુ એકવાર નિષ્ફળ નીવડી છે. એ વિખ્યાત યુએન કોન્ફરન્સમાં દુનિયાભરના બે હજાર જેટલા ડેલીગેટ્સે ભાગ લીધો હતો. વિકસિત અને અલ્પવિકસિત દેશોમાંથી આવેલા એ પ્રતિનિધિઓના હાથમાં વૈજ્ઞાનિક રિપોર્ટ હતો. ઇન્ટરગવર્ન્મેન્ટલ પેનલ અને યુએન પર્યાવરણ પ્રોગ્રામે કરેલા સંશોધનનું તારણ એમાં હતું જેમાં કયો દેશ કેટલું કાર્બન ઉત્સર્જન કરે છે એ માહિતી આપવામાં આવી હતી.
જુદા જુદા દેશ કેટલો ગ્રીનહાઉસ વાયુ વાતાવરણમાં ભેળવે છે એ બતાવવામાં આવ્યું હતું. એ રિપોર્ટમાં આખા દસકના આંકડાઓ મૂકવામાં આવ્યા હતા. વર્ષો પહેલા ગ્રીનહાઉસના ઉત્સર્જન વિશે બધા દેશોએ સમજૂતી કરાર કરેલો જે ક્યોટો પ્રોટોકોલના નામે ઓળખાય છે. એના પછી થોડા સમય પહેલા જ પેરીસમાં સમજૂતી કરારો થયેલા. પેરીસ કરાર બહુ વિખ્યાત છે જેમાં સહી કર્યા પછી અમેરિકાને પેટમાં શૂળ ઉપડયું હતું. આ બંને કરારો અન્વયે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનની ગણતરીમાં જે પારદર્શિતા જળવાવી જોઈએ એ જળવાઈ નથી. અમુક દેશો આ અપારદર્શકતાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે.
ઘણા દેશોમાં અચાનક બદલી જતી આબોહવાને કારણે પણ અમુક દેશોને અંગત નુકસાન થઈ રહ્યું છે જેમાં ભારતનો સમાવેશ પણ છે. યુએન કોન્ફરન્સમાં રજુ થયેલો આ રિપોર્ટ સૂચવે છે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે. પર્યાવરણવાદીઓએ વધુ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યુએન કોન્ફરન્સના નક્કી થયા મુજબ જો ઈ. સ. ૨૦૨૬ થી વિકાસશીલ દેશો પાસેથી ૧૦૦ બિલિયન ડોલરનો વકરો વસુલ કરવામાં આવશે તો દુનિયાના રાજનેતાઓ હાલકડોલક થઈ જવાના છે. પણ તેનો બોજ સોસાયટી ઉપર આવશે એનું શું? જુદા જુદા દેશની સરકારો નાગરિકો ઉપર આડકતરૂં દબાણ કરશે એ પણ એક ભીતિ છે. પરંતુ ક્લાઈમેટ ચેઈન્જના ગંભીર એજન્ડા પર યુએન ક્યારે ખરેખર કામ કરશે એ અનિશ્ચિત છે.


