Get The App

અમેરિકાએ છાને પગલે કુર્દ લોકોને પોતાના નવા આજ્ઞાંકિત આતંકવાદી તરીકે વિકસાવી લીધા છે

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાએ છાને પગલે કુર્દ લોકોને પોતાના નવા આજ્ઞાંકિત આતંકવાદી તરીકે વિકસાવી લીધા છે 1 - image


- અલ્પવિરામ

- કેરળમાંથી આઈએસ આતંકવાદીઓ વિધ્વંસક કાવતરાની તૈયારી કરતાં ઝડપાયા એ પ્રકરણ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કેમ પરદો પાડી દીધો છે? 

- બસ્સો વરસ પહેલાંનું કુર્દ લડવૈયાનું આ એક વોટર કલર પેઇન્ટિંગઃ મધ્યકાળથી કુર્દ લોકો બહાદુર યોદ્ધા રહ્યા છે

આઈએસનું એકાદ વરસ પહેલાં પતન થયું એના પશ્ચિમના દેશોએ બહુ નોબત-નગારાં વગાડયા હતા. યુરોપીય સમુદાયે તો એની ઉજવણી જ બાકી રાખી હતી એમ કહેવાય. ફ્રાન્સમાં પણ આઈએસના વિનાશનો જાણે કે ઉત્સવ હતો અને મીડિયામાં આઈએસ વિરોધી કાર્ટૂનોમાં તેજી આવી ગઈ હતી. પરંતુ લોકો માને છે એ હદે એનું પતન થયું નથી ને આઈએસના વિસ્થાપિત આતંકવાદીઓ હવે એશિયન દેશોમાં દેખા દેવા લાગ્યા છે. થોડા દિવસો પહેલા કેરળમાંથી ઈસ્લામિક સ્ટેટના જે ચારપાંચ આતંકવાદીઓ વિધ્વંસક કાવતરાની તૈયારી કરતાં ઝડપાયા એ પ્રકરણ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના કહેવાથી સરકારે પરદો પાડી દીધો છે.

પરંતુ વિવિધ નેશનલ તપાસ એજન્સીઓ એમાં ઊંડી તો ઉતરી છે. અજિત ડોભાલ કેટલીક અતિશય ગંભીર બાબતોને આમ પ્રજાની નજરથી છુપાવવા ચાહતા રહે છે. દેશમાં માઓઈસ્ટ આતંકવાદીઓ જુદાં જુદાં રાજ્યોમાં આજકાલ જે તરખાટ મચાવી રહ્યા છે અને જેઓને ચીની જાસૂસો ફંડ પહોંચાડે છે એ ઘટનાઓ પર પણ ડોભાલછાપ પરદાઓ ઢાંકવામાં આવે છે.

દુનિયાના સૌથી મોટા અને ખતરનાક આતંકવાદી જૂથ ગણાતા આઇએસ એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (અથવા લેવેન્ટ)નું પતન થવાની રાહ અમેરિકા અને રશિયા બન્ને સમાન ઉત્કંઠાથી જુએ છે. મધ્યપૂર્વના વિવિધ દેશોમાં પોતાની આણ વર્તાવનારા આઇએસ જૂથને સ્વયંભૂ જ દુનિયાના અન્ય તમામ નાનાં મોટાં આતંકવાદી જૂથનું નેતૃત્વ કરવું હતું અને થોડો સમય તેમ થયું પણ ખરું. આઇએસનો વડો અબુ બકર અલ બગદાદી હયાત છે, ભૂગર્ભમાં છે કે માર્યો ગયો છે તે હજુ પણ નક્કી નથી, પરંતુ અત્યારના આઇએસના પતનનું મુખ્ય કારણ કુર્દ લોકો છે જેમણે સતત લડીલડીને તબાહી મચાવનારા આઇએસને સ્વયં તબાહ કરી નાખ્યું છે.

ઇસ્લામિક સ્ટેટ દ્વારા ઇરાક અને સિરિયાના કેટલાક વિસ્તારો પર અંકુશ પ્રાપ્ત કરીને એક નવા આતંકવાદી રાષ્ટ્ર તરીકેનો નકશો તૈયાર થવા લાગ્યો અને એનું ભૌગોલિક પ્રભુત્વ વધવા લાગ્યું ત્યારે અમેરિકાને ખ્યાલ આવ્યો કે આઇએસ તેને માટે અને પશ્ચિમના અન્ય દેશો માટે પણ મોટો પડકાર બનશે. એક તબક્કે આઇએસની તાકાત પણ એટલી વધી કે દુનિયાભરમાંથી લડાયકો સામે ચાલીને એ જૂથમાં આવવા લાગ્યા. ફ્રાન્સે આઇએસ પર કરેલી એરસ્ટ્રાઇકથી એના ખરા પતનની શરૂઆત થઈ. પછીથી અમેરિકાએ આતંકવાદ સામે પોતાની એક જૂની મોડેસ ઓપરેન્ડી અજમાવી.

અફઘાનિસ્તાનમાંથી રશિયાને હાંકી કાઢવા માટે અમેરિકાએ જે રીતે સ્થાનિક અફઘાનોમાંથી જ યોદ્ધાઓનું સર્જન કર્યું (જેમાંથી જ તાલિબાનનો જન્મ થયો) એ જ રીતે ઇસ્લામિક સ્ટેટ સામે લડવા માટે અમેરિકાએ મધ્યપૂર્વના કુર્દ લોકોને પસંદ કર્યા. કુર્દને શસ્ત્રો આપ્યાં. તેમના પ્રશ્નો સમજીને સહાનુભૂતિ દાખવી. આજે મધ્ય પૂર્વના દેશોમાં કુર્દ પ્રજા પરોક્ષ રીતે અમેરિકા પ્રેરિત લડત ચલાવે છે અને ભવિષ્યમાં કુર્દ લોકો બીજી રીતે તો મધ્યપૂર્વના દેશોમાં અમેરિકાની ઉપસ્થિતિ જ ગણાશે. તુર્કીના પહાડી વિસ્તારો અને સરહદી ક્ષેત્રો ઉપરાંત ઇરાક, સિરિયા, ઇરાન અને આર્મેનિયામાં કુર્દ પ્રજા વસે છે. એમની વસ્તી ત્રણેક કરોડ જેટલી છે. મધ્યપૂર્વના દેશોમાં વિરાટ સમુદાયરૂપે કુર્દ ચતુર્થ સ્થાને આવે છે. આમ હોવા છતાં આ કુર્દો પાસે પોતાનો કોઈ દેશ નથી. ઇ.સ. ૨૦૧૧ પછીથી કુર્દોની તાકાત અને પ્રભાવમાં વધારો થયો છે.

તુર્કીમાં કુર્દ પ્રજા પોતાની સ્વાયત્તતા માટે આંદોલન ચલાવી રહી છે અને સિરિયા-ઇરાકમાં વિશેષ દરજ્જો મેળવવા લડત ચલાવે છે. ઇસ્લામિક સ્ટેટ સાથે કુર્દ બહુ શરૂઆતથી લડતા આવ્યા છે. કુર્દ લોકોમાં અલગ ધર્મ અને અલગ મત ધરાવતા લોકો પણ છે, છતાં તે સમુદાયમાં વધુમાં વધુ સુન્ની મુસલમાન લોકો છે. ઇ.સ. ૨૦૧૩માં ઇસ્લામિક સ્ટેટે સિરિયાની ઉત્તરીય સરહદે આવેલા કુર્દીશ પડાવો, વસાહતો અને કસ્બાઓને પણ નિશાનમાં લીધા. કુર્દીશ પ્રજા એક બિન-અરબી પ્રજા છે એને કારણે પણ ઇસ્લામિક સ્ટેટના કમાન્ડરોએ એમના પર ખિન્નતા દાખવી. એનાથી કુર્દ લડાયક બન્યા. તુર્કીમાં રહીને ય તુર્કી સરકાર સામે કુર્દ પ્રજા દાયકાઓથી પોતાના હક્કો અને અલગ કુદસ્તાનની રચના માટે લડતી આવી છે. કુર્દ યોદ્ધાઓ વ્યૂહાત્મક લડાયકો છે. મધ્યયુગીન યુદ્ધ પરંપરાના તેઓ નિષ્ણાત છે.

હવે સ્થિતિ એ આવી છે કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ કુર્દને શરણે જઈ રહ્યા છે. ક્યાંય કોઈ રાખે એમ નથી એટલે દુશ્મનની છાવણીમાં તેઓ પનાહ લે છે. નિરાધાર સ્ત્રીઓ અને અનાથ બાળકોના ટોળાઓને કુર્દ લડાયકો નિરાશ્રિત છાવણીઓમાં વસાવી રહ્યા છે. બાળકો સૂનમૂન છે. છેલ્લા બે જ વરસમાં હજારો બાળકો અને સ્ત્રીઓ માર્યા ગયા છે. હવે જેઓ છેલ્લા એક સપ્તાહથી મૃત્યુ પામ્યા છે તેઓ ભૂખમરો, રોગ અને ઘાયલ થવાને કારણે મર્યા છે. કુર્દ લોકોએ ઇસ્લામિક સ્ટેટના જે જે પ્રદેશો ખાલી કરાવ્યા છે તેના પર પોતાનો અધિકાર જમાવ્યો નથી. તેઓ પોતાની ઇમેજ નવા આતંકવાદી તરીકેની ઉપસાવવા ચાહતા નથી. અમેરિકાએ કુર્દ નેતાઓને એક ગુપ્ત મંત્રણામાં વચન આપેલું છે કે, અલગ સ્વતંત્ર કુર્દસ્તાન કે કુર્દિસ્તાનની રચના માટે તે ગંભીરતાપૂર્વક મદદ કરશે.

અત્યારે જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ અગિયાર દેશોના આતંકવાદીઓ પાકિસ્તાન તરફથી લડી રહ્યા છે. કેન્દ્રની એનડીએ સરકાર આતંકવાદીઓ સામે નિષ્ફળ જવા લાગી છે. ભારતના સૈનિકો નિયમિત રીતે શહીદ થઈ રહ્યા છે. એ સમાચારોને હાંસિયામાં ધકેલવા માટે કાશ્મીરનો મોરચો સંભાળતા સૈન્ય વડામથકને કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયે જનસંપર્ક વિભાગ મોદીફાઈડ કરવાની સૂચના આપી છે. ખતમ થવા લાગેલા આઈએસના આતંકવાદીઓ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પહોંચવા લાગ્યા છે. ઉપરાંત આઈએસના આતંકવાદીઓ બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર પણ પહોંચ્યા છે. જેમ કેરળમાં તેમ એશિયામાં હવે આઈએસના આતંકવાદીઓ દેખાતા રહેવાના છે.

આઇએસનો અગાઉ પણ અનેકવાર ખાત્મો બોલેલો છે પરંતુ દર વખતે તે ફરી બેઠું થતું જૂથ જોવા મળ્યું છે. આ વખતે કુર્દ લડાયકોએ આક્રમણ ભીષણ બનાવતા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ રહેમત રહેમતના નારા લગાવી ઘૂંટણિયે પડી ગયા છે, તેઓ હવે દયાની કાકલુદી કરી રહ્યા છે. ઇસ્લામિક સ્ટેટે હજારો લોકોને ગુલામ તરીકે પણ રાખ્યા હતા તેઓ બધા હવે મુક્ત થતા ખુલ્લા પગે ચાલીને કુર્દ પાસે આશ્રય ચાહી રહ્યા છે.

ચોતરફ વિખરાયેલા પરિવારો દેખાય છે. દુનિયાભરનાં બાળકો અહીં જોવા મળે છે, દરેક બાળક એક અલગ કથાનક અને એક અલગ કરૂણાન્તિકા છે. ઇન્ડોનેશિયા, રશિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનાં કેટલાક દંપતીઓ પોતાના બાળકો સહિત આઇએસના યોદ્ધા બનવા આવ્યા હતા, તો પણ એમની કહાનીમાં હજુ રેમિક્સ છે. છેલ્લી ત્રણ- ચાર સદીમાં માણસ જાત પર આઇએસ જેવા જુલ્મગાર કદાચ કોઈ નહીં હોય, એટલી યાતનાઓ અને દર્દનાક સિતમ એણે નિર્દોષ પર વરસાવ્યા છે. અમેરિકી સંરક્ષણ સચિવે જ કહ્યું છે કે, ઇસ્લામિક સ્ટેટનું આવું ઘોર પતન એક હકીકત હોવા છતાંય માનવામાં ન આવે એવી વાત છે.

Tags :