- અલ્પવિરામ
- મુંબઈ જેવા શહેરમાંથી કિનારાને સ્પર્શતા વિસ્તારો ખાલસા કરાવવાનું રાતોરાત તો શક્ય ન હોય. મુંબઈ પર હવામાનનું આકાશી સંકટ હોય તે તો ઠીક છે, પરંતુ સામુદ્રિક સંકટ આવે તો મુંબઈને ભારે પડે, કારણ કે લાંબા અડોઅડના દરિયા કિનારે તો આ મુગ્ધનગરનો વસવાટ છે
મન્થા ઝંઝાવાત વધુ વિકરાળ બનવાની પ્રક્રિયા ચાલુ છે જેને કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ ઉપરાંત પણ હવે મધ્ય અને દક્ષિણ ભારતના પૂર્વ કિનારાઓ માટે સંકટ દ્વિગુણિત થતું જાય છે. દર વરસે મે-જૂન મહિનામાં ભારતીય ઉપખંડમાં ચક્રવાતી તોફાનો ઉદભવવાનો ક્રમ આમ તો સામાન્ય છે, પરંતુ આ વખતે દિવાળી પછીનો આ માવઠામેઘ ભારતને ભારે પડી રહ્યો છે. કિસાનોના ખેતરમાં મગફળીના છોડ ઊંચે લઈ લીધા પછી ખેતર પર પથરાયેલા પડયા છે જેને માંડવીના પાથરા કહેવાય છે. એ પાથરા ભીંજાઈ જતાં ખેડૂતોને હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર અનુભવવાનો વારો આવ્યો છે.
બે વરસ પહેલાં ગ્રીષ્મકાલીન મોચા વાવાઝોડા વખતે આસામે બહુ તબાહી ભોગવી હતી. અગાઉ વાયુ અને ટૌટેનો આકરો પરિચય પણ યાદગાર છે. છેલ્લાં ૧૨૦ વર્ષોનો જે હવામાન ઇતિહાસ ઉપલબ્ધ છે તદઅનુસાર મોટા ભાગના ચક્રવાત બંગાળના અખાતમાંથી ઉદભવે છે, એની તુલનામાં અરબી સમુદ્રના ચક્રવાત ઓછા અને હળવા હોય છે. પરંતુ ટૌટેએ સિક્કો પાડી દીધો, જે દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રજાને એટલે યાદ છે કે સરકારે સાવ ઊભડક રીતે એનું યાદૃચ્છિક વળતર આપ્યું હતું. એ પહેલાં ઓરિસ્સા પર ત્રાટકેલા 'ફણિ'ની તુલનામાં 'વાયુ' ઓછું વિનાશક હતું.
આ વખતે હિન્દ મહાસાગર અને બંગાળના સમુદ્ર પરના પવનો ખૂબ જ ધગધગતા છે. અત્યારે અરબી સમુદ્ર અને બંગાળના અખાતની બેવડી સિસ્ટમ ભારતના આકાશ પર છવાઈ રહી છે. શિયાળો હજુ પૂરેપૂરો ખિલ્યો નથી. હેમંત ઋતુનો મંદ શીતળ મલયાનિલ વહેતો હતો ત્યાં જ આભના ઝરૂખે હવામાનનું નવોદિત મંથન શરૂ થયું છે. અસહ્ય ઉકળાટમાં દિવસો પસાર થઈ રહ્યા છે, પરંતુ આ વરસે કોસ્મિક પરિવર્તનોને કારણે રાત્રિઓ પણ મહાનગરો માટે કઠિન બની છે. હવાના પ્રદૂષણના કારણે ગરમી બેવડાઈ જાય છે. એથી વાતાવરણમાં રહેલી હવા લગભગ શૂન્યાવકાશ કક્ષાએ પાતળી પડી જાય છે.
કોઈ ઊંચે ઉડનારું પક્ષી હવાના એ હળવા દબાણમાં પ્રવેશે તો મૃત્યુ પામે છે. ગરમ થયેલી એ હવા જ ઘનઘોર વાદળોનું નિર્માણ કરે છે, પરંતુ ગરમ હવા પાતળી હોવાના કારણે આકાશમાં સર્જાયેલા એ ખાલીપા- અવકાશની પરિપૂર્તિ કરવા માટે આસપાસના પવનો ધસમસતા આવે છે, જે પછીથી ચક્રાકાર ઘૂમવા લાગે છે. સામાન્ય રીતે આ ઘૂમતા પવનોનો ઘેરાવો દોઢસોથી પાંચસો કિલોમીટર જેટલો હોય છે, કવચિત એ હજારો કિલોમીટરનો વ્યાસ પણ રચે છે.
અમેરિકા અને યુરોપના દેશોને આવા ઝંઝાવાતોનો અધિક અનુભવ છે. મહદઅંશે અરબી સમુદ્રના તમામ ચક્રવાત ક્લોકવાઇઝ હોય છે, જે ઘડિયાળના કાંટાની જેમ ઉપર તરફ ગતિ કરે છે. ચક્રવાતને હળવાશથી ન લેવાય, કારણ કે પવનોને રૂપ બદલતા કે તાકાત વધારતા વાર નથી લાગતી. અઢારમી સદીના પૂર્વાર્ધમાં કલકત્તા તરફ ધસી આવેલા એક ઝંઝાવાતમાં ત્રણ લાખ નાગરિકો માર્યા ગયા હતા. એના જ એક પ્રકારના પુનરાવર્તનરૂપે ઇ.સ. ૧૯૭૦માં બાંગ્લાદેશમાં આવેલા ચક્રવાતમાં પણ ત્રણ લાખ નિર્દોષ નાગરિકોએ જિંદગીથી હાથ ધોઈ નાખવા પડયા હતા. ઓરિસ્સા તો સર્વકાલીન હવામાન સંકટનો શિકાર છે. ઇ.સ. ૧૯૯૯માં ત્યાં આવેલા વાવાઝોડામાં સવા કરોડ લોકો પ્રભાવિત થયા હતા અને દસ હજાર નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સમુદ્રના આંતર પ્રવાહોમાં અભૂતપૂર્વ ફેરફારો થયા છે. એક રીતે તો દુનિયાના તમામ સમુદ્ર કિનારાનાં શહેરો પર હવે કાયમી સંકટ રહેવાનું છે.
ત્રણ કે ચાર દિવસની આગમચેતીથી દરિયો દસ-પંદર મીટર ઊંચાં મોજાં ઉછાળવાનો હોય તો એટલા ટૂંકા ગાળામાં શહેર ખાલી શી રીતે થઈ શકે? ગુજરાત સરકારે છેલ્લા ટૌટે વાવાઝોડામાં બાર-તેર લાખ લોકોને સલામત સ્થળે ખસેડયા હતા, એનું કારણ એ છે કે એ તમામ દરિયા કિનારાના ગરીબ અને મધ્યમ વર્ગના વસાહતીઓ હતા. પરંતુ મુંબઈ જેવા શહેરમાંથી કિનારાને સ્પર્શતા વિસ્તારો ખાલસા કરાવવાનું રાતોરાત તો શક્ય ન હોય. મુંબઈ પર હવામાનનું આકાશી સંકટ હોય તો તો ઠીક છે, પરંતુ સામુદ્રિક સંકટ આવે તો મુંબઈને ભારે પડે, કારણ કે લાંબા અડોઅડના દરિયા કિનારે તો આ મુગ્ધનગરનો વસવાટ છે! આવનારાં વરસોમાં દુનિયાના અનેક દરિયા કિનારાના શહેરો ખાલસા થવાનાં છે, કારણ કે ધુ્રવ પ્રદેશોનો બરફ ઝડપથી પીગળવા લાગ્યો છે. ઇ.સ. ૧૯૮૫માં વર્લ્ડવોચ સંસ્થાએ જાહેર કર્યું હતું કે એકવીસમી સદી સળંગ કુદરતી પ્રકોપની સદી બની રહેશે એની તો આ શરૂઆત છે.
એક રીતે જુઓ તો આ પ્રકારના ચક્રવાત સમુદ્રની 'સાયકલ' નિયમિત હોવાનો પુરાવો આપે છે. દરેક કુદરતી સંકટ વખતે પર્યાવરણવિદો - 'અમે નહોતા કહેતા?' - એવી જે ધમકી ઉચ્ચારે છે, એવું દરેક વખતે હોતું નથી. ચક્રવાત ટૌટે પણ એ અર્થમાં એક નિયત કુદરતી ક્રમ હતો. હવેના મન્થા જેવા ચક્રવાતોમાં સખત તાકાત હોય છે અને એની વિનાશકતા પણ ભયંકર હોય છે. ઓછામાં ઓછી અથવા શૂન્ય જાનહાનિ થાય એ માટે સરકારે નોંધપાત્ર પ્રયત્ન કરવો પડે તો પણ આખરે ઝંઝાવાત તો ઝંઝાવાત છે. ઘણા લાંબા સમય પછી આવતા ચક્રવાતો સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ કસોટીમાં ઉતારે છે.
ગુજરાતમાં માછીમારી એક અલગ પ્રકારની દુનિયા છે જેનાથી આમજન બહુ પરિચિત નથી. ગુજરાતના દરિયા કિનારે જે વિવિધ જહાજો અને બોટ માછીમારી કરે છે તેમાં ખરેખર માત્ર ત્રીસ ટકા જ અસલ માછીમારોની માલિકી છે કે જેઓ છેલ્લી સાત-આઠ પેઢીથી માછીમારી કરી રહ્યા છે. એ સિવાયની સિત્તેર ટકા માછીમારીમાં તો જાયન્ટ ઈન્વેસ્ટરો માછીમારોનો સ્વાંગ રચીને સમુદ્રમાંથી અણહક્કની લક્ષ્મી લૂંટી રહ્યા છે. ગુજરાત સરકારનું એ તરફ ધ્યાન નથી. આ જે બિનમાછીમાર લોકો છે તે અસલી માછીમારોના હાથમાંથી બધું આંચકી લે છે અને સરકારના તમામ લાભ લઈને ઔદ્યોગિક કક્ષાએ માછીમારી કરે છે.
સરકારે ઊંડા ઉતરીને દરિયા કિનારે સર્વેક્ષણ કરાવવાની જરૂર છે. આ વખતના માવઠાએ અસલી માછીમારોને પણ સંકટમાં મૂક્યા છે. મેઘ ગાજે ત્યારથી ખારવા સમુદાયના વેકેશનની શરૂઆત થાય છે. સાહસ કરીને દિનરાત દરિયાદેવના ખોળે રમતા ખારવાઓ દર ચોમાસે ઘરના ઢળ્યા ઢોલિયે બંધાઈ જાય છે. એમની જિંદગીમાં 'ઘર' એટલે જ ચોમાસાના ત્રણ- ચાર મહિના. જેમ દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સિવે એવી કહેવત છે એમ ખારવાનો દીકરો પણ એકવાર વહાણે ચડે પછી તો દરિયો જ એનું ઘર. દિવાળી પછી વહાણે ચડેલા મોટાભાગના માછીમારો આજે તેમના વતન પાછા ફર્યા છે એ આ બદલાયેલા હવામાનની એક ઈતર ફલશ્રુતિ છે.


