ઉત્તર પ્રદેશની પ્રજાને વિકાસનું ઘેન ચડયું છે
- અલ્પવિરામ
- ભાજપે ગુજરાતનો વિકાસવાદ ઉત્તરપ્રદેશમાં દાખલ કર્યો છે અને ઉત્તર પ્રદેશનો જાતિવાદ ગુજરાતમાં અજમાવ્યો છે, ઉમેદવારોની યાદી એની સ્પષ્ટ ગવાહી આપે છે અને આપશે
હમણાંની પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો મુખ્ય યુદ્ધરથ ઉત્તર પ્રદેશમાં હતો. ભાજપનું એ ફ્લેગશિપ સ્ટેટ બન્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બીજી ઈનિંગનો આરંભ ભાજપના હિન્દુ કાર્ડની અણધારી સફળતા છે. હવે યોગીની પ્રમુખ જવાબદારી વાજપેયીએ અગાઉ ઉલ્લેખ કરેલા રાજધર્મના અમલીકરણની છે. એમનો પ્રમુખ એજન્ડા ઉત્તર પ્રદેશમાં કોમી એખલાસની પુન:સ્થાપનાનો છે. જે રીતે હજુ પણ હત્યાકાણ્ડ સર્જાતા રહે છે અને દેશી બોમ્બ ગામડાંઓમાં ચાણા-મમરાની જેમ મળી રહ્યા છે એ જોતાં ઉત્તર પ્રદેશના અપરાધીકરણનો જલ્દીથી અંત લાવવો આસાન નથી. તો પણ યોગમાં યોગી જેવું જે કમિટમેન્ટ છે એ કંઈક નક્કર પરિણામ લાવશે એવી પક્ષ અને પ્રજાને આશા છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન વી.પી. સિંહને એકવાર કોઈએ કહ્યું કે તમે તમારો પોતાનો નવો રાજકીય પક્ષ કેમ બનાવી લેતા નથી ? ત્યારે એમણે કહ્યું કે તમે જોઈ શકો છો કે મારે માટે ચોતરફથી સમર્થનનો વરસાદ વરસી રહ્યો છે અને તમે મને કટોરામાં પાણી ભેગું કરવાનું સમજાવો છો ? આ એ જમાનાની વાત છે જ્યારે આ વિશ્વનાથ પ્રતાપસિંહ માટે નારાબાજી ચાલતી હતી કે રાજા નહિ, ફકીર હૈ, દેશ કી તકદીર હૈ... ! એ નારાની ભીતર એ અર્થ હતો જાણે કે એમના સ્વરૂપમાં દેશને કોઈ મસિહા ન મળી ગયો હોય ! પરંતુ સમર્થનની શેતરંજી પગ નીચેથી જેવી સરકી કે તુરત જ એમની સરકાર ગબડી પડી !
કદાચ ત્યારે વી.પી. સિંહને ખ્યાલ આવ્યો હશે કે સમર્થન હોવું અને પોતાના જ એક રાજકીય પક્ષનો મજબૂત જનાધાર હોવા વચ્ચે શું તફાવત છે ! વી.પી. સિંહે ટેકાની શેતરંજીને જ જમીન માની લીધી હતી. ટેકો, ટેકો હોય છે અને સ્વનિર્ભર મોભ, મોભ હોય છે. જે રાજકીય પક્ષે એ સમયે લોકપ્રિયતાની પરાકાષ્ઠાએ પહોંચેલા લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં વી.પી. સિંહના પગ તળેથી શેતરંજી ખેંચી હતી એ પક્ષ આજે દુનિયાનો એક સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે ! જો કે એ વાતને ત્રણેક દાયકાઓ પસાર થઈ ગયા છે અને ગંગા-યમુનામાં ઘણાં પાણી વહી ગયા છે.
અનેક પ્રકારની નારાબાજીઓ કાળની ગહન ગર્તામાં લુપ્ત થઈ ગઈ છે. કોઈ ગાજવીજથી બોલતું હતું અને આખા ઉત્તર પ્રદેશમાં એનો પડઘો પડતો હતો કે તિલક, ત્રાજવું અને તલવાર... ! તો બહુ દૂરના નહિ એવા ભૂતકાળમાં 'હાથી નહિ, ગણેશ હૈ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ હૈ...' ના નારા પણ ગાજતા હતા !
હવે આજે તો ઉત્તર પ્રદેશના રાજકારણમાં એવું તો કોણ સાંભળવા ચાહે કે 'ચડો ગુંડો કી છાતી પર, મહોર મારો હાથી પર' ? કારણ કે એ સમયે હાથીના મહાવતોએ જેને માટે 'ગુંડો' શબ્દ વાપર્યો હતો તે તો આજકાલ ગાઢ મિત્ર છે ! મિની લોકસભા તરીકે ઓળખાતા ઉત્તર પ્રદેશમાં રાજકીય પરિદ્રશ્યમાં નખશિખ પરિવર્તનો જોવા મળે છે. દરેક ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે પડકારરૂપ વિવિધ ગઠબંધન હોય છે એવું દેખાય છે પરંતુ વાસ્તવિકતા એનાથી વિપરીત છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ત્રણેય કાળના પ્રવાહમાં તણાયા છે. માત્ર અખિલેશ યાદવની મહેનત અને એમના પ્રભાવને કારણે સમાજવાદી પાર્ટી એક સમર્થ વિપક્ષ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી શકી છે.
હિન્દી હાર્ટલેન્ડ તરીકે ઓળખાતા દેશના આ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પહેલેથી જ જાતિ-જ્ઞાાતિનો પ્રભાવ બહુ છે, અને પાછલા વરસોમાં એમાં અભિવૃદ્ધિ થઈ છે. ઈ.સ. ૧૯૮૦ પછી જાતિવાદનો જે વાયરો વહેતો થયો એણે ઉત્તર પ્રદેશની રાજકાજ પરંપરામાં આમૂલ પરિવર્તનો લાવી દીધા છે. પરંતુ ઈ.સ. ૨૦૧૪ માં જાતિ આધારિત ગણિતના કિલ્લામાં મોટા ગાબડાં પડતા જોવા મળ્યા ! ઈ.સ. ૨૦૦૯ માં માત્ર સત્તર ટકા મત મેળવનારા ભાજપે ઈ.સ. ૨૦૧૪ માં ૪૨ ટકાથી વધુ મત લઈ લીધા.
આટલો મોટો મતદાર સમુદાય ભાજપ સાથે કદી જોડાયો ન હતો, છતાં આ ફાયદો ભાજપને ત્યારે થયો જ્યારે સપા અને બસપાની વોટબેન્ક પર બહુ અસર પડી ન હતી. ઘોર પરાજયનો સ્વાદ ચાખવા છતાંય એ બન્ને પક્ષોએ પોતાની વોટબેન્ક તો જાળવી રાખી હતી. ઈ.સ. ૨૦૧૭ની ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પણ વોટશેર બાબતમાં સ્થિતિ લગભગ એવી જ રહી. આ વખતના પરિણામો વખતે યોગી આદિત્યનાથને બુલડોઝર બાબા તરીકેનો લોકખિતાબ મળી ગયો.
ઉત્તર પ્રદેશના નીતિ આધારિત રાજકારણમાં ભાજપે પોતાના તરફથી એક નવી જ દિશા કપોળ કલ્પિત પ્રાદેશિકતા દાખલ કરી છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશની તુલના કરો તો ખ્યાલ આવે કે ઉત્તર પ્રદેશનો જાતિવાદ ભાજપે ગુજરાતમાં દાખલ કર્યો છે, ગુજરાતની ગઈ વિધાનસભાની તમામ છવ્વીસ ઉમેદવારોની યાદી એની સ્પષ્ટ ગવાહી છે. અને એની સામે ગુજરાતનો 'આપડા રાજ્યનો ભરપુર વિકાસ'વાળો દાવો, વચનો, સંભાવના.. એ બધું ઉત્તર પ્રદેશમાં દાખલ કર્યું છે. એને કારણે ભાજપે એક અપ્રગટ 'ઉત્તરપ્રદેશવાદ'ને જન્મ આપ્યો છે જેમાં મતદારો પોતાના રાજ્યના અભૂતપૂર્વ વિકાસની કલ્પનાઓમાં હિલ્લોળા લેવા લાગે એવો જોરશોરથી પ્રચાર શરૂ થયેલો છે.
વિકાસ એક સારી વિભાવના છે પરંતુ ભાજપે સાબિત કરી આપેલું છે કે વિકાસની વાર્તાઓ એક નાગચૂડ છે, જેમાં મતદાર ફસાઇ જાય છે. ઉત્તર પ્રદેશના મતદારો જાતિવાદની નાગચૂડ અને વિકાસના સપનાઓના નાગપાશ વચ્ચે અટવાયેલા હતા પરંતુ હમણાંની વિધાનસભાની ચૂંટણીઓએ સાબિત કર્યું છે કે આખરે ઉત્તર પ્રદેશને વિકાસની વિભાવના સાથે જ આગળ ધપવામાં રસ છે.
કોંગ્રેસ તો હવે સ્પર્ધામાં જ નથી એમ કહેવાય. માત્ર એક કાંગરા ખરેલો ઐતિહાસિક ગઢ છે. સપા અને ભાજપ વચ્ચેની આ લડાઇમાં કોંગ્રેસ પ્રથમ ક્ષીણ અને પછી લુપ્ત થઈ ગઈ છે. આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં લોકોનો ઝુકાવ કઇ તરફ રહેશે એ કહેવું એ પણ ઉતાવળ એટલે છે કે દરેક સંસદીય મતવિસ્તારમાં અલગ રસાયણશાસ્ત્ર, અલગ આંકડાશાસ્ત્ર અને અલગ સમાજશાસ્ત્ર ચાલે છે ! જે લઘુમતી મતદારો છે એની પહેલી ચોઇસ તો સ્વાભાવિક રીતે જ સપા હોય એમ માનવામાં આવતું હતું પરંતુ ખરેખર એમની ચોઈસ ભાજપ છે એ પુરવાર થયું. તો પણ લઘુમતીઓને કેટલાક વિસ્તારોમાં સપાએ હાજરી પુરાવી છે.
આ દ્રષ્ટિએ જુઓ તો વિવિધ બેઠકોના સ્થાનિક સ્તરે ગઠબંધનનું ગણિત બહુ કામ કરી શક્યું નથી. ઉપરાંત સપાના રાષ્ટ્રીય નેતૃત્વનું અનુસંધાન સ્પષ્ટ કરતો છેડો તો હવામાં અધ્ધર લટકે છે, એટલે લોકસભાનો મતદાર અખિલ-માયા-જાળમાં કેટલો ઝડપાશે તેના પર આશંકા ઘેરાયેલી રહેવાની છે. ભાજપ માટે આગામી લોકસભાનો પથ આસાન જ રહેશે. કોઇ ચોક્કસ પ્રકારની સોગઠાબાજી ન તો અખિલેશ ધરાવે છે કે ન તો માયાવતી ! માયાવતીની હવે તો પત્તો જ લાગે એમ નથી.
ભાજપે જાતિવાદી નિર્ણાયકતા પર વિકાસવાર્તાઓનું બુલડોઝર ફેરવવા બહુ મથામણ કરી છે અને વિવિધ ધાર્મિક ઉપક્રમો પણ સમાંતર રીતે ચાલુ રાખ્યા છે જેનો સરવાળો એને સફળતા અપાવે છે. ઉત્તર પ્રદેશની ફોર્મ્યુલા જ ભાજપની આગામી લોકસભા જીતવા માટે ૨૦૨૪ની રણનીતિ બનશે એ નક્કી છે.