For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ ચોમાસાના આરંભથી જ દસ દિવસથી પાણીમાં ડૂબકાં ખાતા આસામની કોને પડી છે?

Updated: Jun 28th, 2022

Article Content Image

- અલ્પવિરામ

- એક જમાનો હતો કે ભારતના કોઈ પણ રાજ્યમાં પૂરપ્રકોપ થાય કે તરત જ આખા દેશમાંથી રાહત સામગ્રીનો ત્યાં ઢગલો થઈ જતો, પણ આજે સંવેદનશૂન્યતા છે

આસામ સમાચારોમાં ચમકે છે એમાં ભાગેડુ મરાઠી ધારાસભ્યો અને તોફાની બ્રહ્મપુત્ર નદી બન્ને કારણરૂપ છે. એક જમાનો હતો કે ભારતના કોઈ પણ રાજ્યમાં પૂરપ્રકોપ થાય કે તુરંત જ આખા દેશમાંથી રાહત સામગ્રીનો ત્યાં ઢગલો થઈ જતો. આજે સંવેદનશૂન્યતા એ છે કે દેશના મહત્ નાગરિકોને તો ખબર જ નથી કે છેલ્લા દસ દિવસથી આસામની પ્રજા અરધી જાગતી રહીને રાત પસાર કરે છે, કારણ કે અવારનવાર બ્રહ્મપુત્રનાં જળ ધસી આવે છે. આ વખતના ચોમાસાનો બંગાળના અખાત તરફથી આવતો વરસાદનો પહેલો રાઉન્ડ આસામ એકલા રાજ્ય પર તૂટી પડતાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાયેલી છે.

છેલ્લા કેટલાક સમયથી આસામ સતત ઉપેક્ષાનો ભોગ બની રહ્યું છે. એક રીતે જુઓ તો આખું આસામ અત્યારે પાણીમાં તરી રહ્યું છે. જે પરિસ્થિતિ આસામમાં છે એવી જ વિષમ પરિસ્થિતિ જો ઉત્તરપ્રદેશના કોઈ એક જિલ્લામાં થઈ હોત તો અત્યાર સુધીમાં વડાપ્રધાન ત્રણ વખત ત્યાં ચક્કર લગાવી ચૂક્યા હોત અને કરોડો રૂપિયાના રાહત પેકેજ એક પછી એક જાહેર કર્યા હોત. આસામ તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન નથી એ હકીકત છે. દર વર્ષે એકાદ પ્રસંગ તો એવો ઊભો થાય છે જ કે આસામની ભારત સરકાર ઉપેક્ષા કરે છે એ વાત સાબિત થઈ જાય છે.

પછી આસામનું સંકટ દૂર થઈ જશે ત્યારે સરકાર મીઠી મીઠી વાતો ઉચ્ચારવાની શરૂઆત કરશે. પૂર્વોત્તર ભારતની વિકાસ વારતાઓ મોદીકંઠે સાંભળવી અને ખુશનુમા ખયાલમાં રહેવું એનો તરંગી નશો આસામને પણ છે. એની સામે વાસ્તવ એ છે કે બ્રહ્મપુત્ર નદી ખૂંખાર અને ભયાનક પ્રવાહે વહી રહી છે. આસામની ભૂસ્તર રચના ઢાળ-ઢોળાવ ધરાવતી છે. દેખાવમાં ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓ રમણીય લાગે છે. પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે જનજીવન છિન્નભિન્ન થઈ જાય છે. જાપાનમાં દર ભૂકંપે નવા મકાનોની નોબત આવે છે એમ અહીં લાખો નાગરિકો માટે દર ચોમાસે નવા મકાન ને નવી ઘરવખરીની નોબત આવે છે.

ઈ. સ. ૧૯૮૭ પછી પહેલી વખત આસામના પાટનગર ગૌહાટીમાં બ્રહ્મપુત્રે પ્રવેશ કર્યો છે. શહેરના તમામ રસ્તાઓ અસલ નદી જ જોઈ લો એવા બની ગયા છે. એક તો આસામ રાજ્ય સરકારને પોતાના સંકટ વિશેનો કેન્દ્ર સમક્ષ ઢોલ વગાડતા આવડતો નથી અને બીજી બાજુ, આસામના વિરોધ પક્ષો પણ આ બ્રહ્મપુત્રમાં પાણી આવ્યું એ પહેલાંથી જ પાણીમાં બેઠેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જરૂરી એવી સાધન સંપન્નતા જો ગુજરાત, મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં પણ આજે ન હોય તો દરિદ્રનારાયણ આસામ પાસે તો ક્યાંથી હોય? ઉદાહરણ તરીકે નર્મદા નદીના પાણી ગમે ત્યારે ભરૂચ શહેરમાં પ્રવેશી શકે છે. અત્યારે એવી કોઈ શક્યતા નથી, પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે એ સંભવ છે, કારણ કે નર્મદા ડેમ અને નર્મદા નદી અને મધ્યપ્રદેશના અમરકંટક સરોવરથી ભરૂચ શહેર સુધીની ભૂસ્તરીય સ્થિતિ એવી છે કે જો વરસાદ હદ કરતાં વધે તો ભરૂચ નર્મદામૈયાથી જળબંબાકાર થઈ જાય. આ વાત સૌ જાણે છે, પરંતુ આજની તારીખમાં ભરૂચ જિલ્લાના કલેક્ટરના ટેબલ પર એવા કોઈ સંકટ સમયે પહોંચી વળવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર નથી.

નર્મદા ડેમના જૂની પેઢીના એન્જીનિયરોએ તત્કાલીન રાજ્ય સરકારને અને તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને એક લેખિત દસ્તાવેજ આપેલો છે, જેમાં સ્પષ્ટ કહ્યું છે કે ભરૂચ શહેરને જળ પ્રલયમાં ઉગારવા માટેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર હોવી જોઈએ. આજે તો એ બધા એન્જીનિયરો પણ વયોવૃદ્ધ અને તેમાંના મહત્ તો દિવંગત થઈ ગયા છે. આસામ સરકારને દર વરસે બ્રહ્મપુત્ર નદીના ઘોડાપૂરનો પરિચય થાય છે. દર વરસે આસામમાં જળપ્રલય સર્જાય છે. દર વર્ષે હજારો માણસો અને પશુધન બ્રહ્મપુત્રના પ્રલયકારી જળમાં સમાધિ લઈ લે છે. ગયા વરસની જેમ જ આ વરસે પણ કાઝિરંગા અભયારણ્યનો એંસી ટકા વિસ્તાર જળમાં ડૂબેલો છે. અભયારણ્યની વ્યાખ્યા જ બદલી ગઈ છે. વરસાદી પાણી ઘૂઘવાટા કરતા બધે ફરી વળ્યાં છે. ઊંચા વિસ્તાર કે નાની ટેકરીઓ પર જીવ બચાવવા પ્રાણીઓ ભરાયેલાં છે. આ વખતે આસામના લાખો લોકોએ જિંદગી એકડે એકથી શરૂ કરવી પડશે કારણ કે તેમની તમામ ઘરવખરી તણાઈ ગઈ છે.

રાજ્ય સરકાર બધે પહોંચી વળતી નથી અને કેન્દ્રને તો આસામની કંઈ પડી નથી. મુખ્યમંત્રી હિમન્તા બિશ્વા શર્મા પણ મૂળભૂત રીતે વિદ્યાર્થી નેતા છે. આસામ ગણ પરિષદમાં જ એ તૈયાર થયેલા છે. ભાજપે એમને પોતાના ખરીદવેચાણ સંઘમાં સમાવી લીધા ત્યારથી તેઓ ભાજપની ટિકિટ પર લડતા ને પોતાના બળે જીતતા રહ્યા છે. છેલ્લાં થોડા સમયથી તેઓ જાણે કે આસામને થતા તમામ અન્યાયમાં ચૂપ રહેવા માટે જ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા છે. 

આ મહિનાની શરૂઆતમાં જ તેમણે મંત્રીમંડળનું ઉતાવળે વિસ્તરણ કર્યું છે. દેશભરના તમામ મોદી મીડિયામાં આસામ પ્રલયના સમાચારો સેન્સર થયેલા છે. આખું આ આસામ છેલ્લા સળંગ દસ દિવસથી જળમાં ગરકાવ છે ત્યારે વિદેશ જતાં પહેલા વહેલી સવારે છ વાગ્યે મિસ્ટર મોદીને સમય મળ્યો હતો અને હિમન્તા શર્માને ફોન કરી કહ્યું હતું કે કેન્દ્ર તમને મદદ કરશે. હવે શું મદદ કરશે ને ક્યારે મદદ કરશે એ તો રામ જાણે!

ભારત સરકારને કદાચ ખબર જ નથી કે આસામમાં પણ ગામડાંઓ છે, કૃષિ છે, કૃષિકારો છે. આસામના ખેડૂતોએ લોકડાઉનનો સન્નાટો વેઠયો છે. તેમના શાકભાજી અને ખેત ઉત્પન્ન સામગ્રી વણવેચ્યા પડયા રહ્યા હતા. પછી જ્યારે અનલોક વનની શરૂઆત થઈ ત્યાં મેઘાડંબર ગાજવા લાગ્યા. એકાદ સપ્તાહ ચપટીક રોજીરોટી રળી ત્યાં જળ પ્રલયમાં એમનો વર્તમાન ડૂબી ગયો. એવા એવા બે વરસ અસમિયા કિસાનોએ જોયા છે. હવે તો આસમાની અને સુલતાની બેય આફતની વચ્ચે અસમિયા ખેડૂત લટકી રહ્યો છે. પાણી એની મેળે ઉતરે અને ઉપરવાસના ભીષણ વરસાદ અટકે અને તોફાની બ્રહ્મપુત્ર શાન્ત પડે તો આ ખેડૂતોની સવાર પડે. ત્યાં સુધી તો તેમના ભાગ્ય પર અંધકાર ઢોળાયેલો રહેશે.

Gujarat