Updated: Feb 28th, 2023
- અલ્પવિરામ
- હીરાની નિકાસ અટકવા લાગી છે. દુનિયામાં આયાતકારો તો એટલા જ છે અને હીરાની ડિમાન્ડ વાર્ષિક 15-20 ટકાના ધોરણે વધી છે, પરંતુ એ હવે અન્ય દેશો તરફ વળી ગઈ છે
ભારતીય હીરા બજાર એક સમૃદ્ધ રાષ્ટ્રીય ઔદ્યોગિક ઉપક્રમ છે. આ બજારમાં રહેલા નીરવ મોદી જેવા નંગને કારણે છેલ્લા ત્રણ- ચાર વરસથી બજાર ઝાંખી પડી ગઈ છે. સમગ્ર હીરા બજારમાં અનેક હવાલા કૌભાંડો એ એક સ્વાભાવિક રસમ બની ગયેલા છે. સરકારની પણ કાતિલ નજર હીરા બજાર પર રહે છે. જે ઉદ્યોગપતિઓ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે હતા તેમને પાઠ ભણાવવા માટે વિવિધ કાનૂની જંગના ચક્રવ્યૂહ ભાજપ દ્વારા રચવામાં આવે છે. સાતમા પાતાળેથી મહેસુલી દસ્તાવેજોમાં ડૂબકી મારી અધિકારીઓ શાસક પક્ષને ઉદ્યોગપતિઓના વહીવટનૉ છીંડાં શોધી આપે છે.
એક નીરવ મોદીનું પ્રકરણ ખુલ્લું થઈ જવાથી હીરા બજારમાં સ્વચ્છતા અભિયાન પૂરું થતું નથી, કારણ કે સરકારની દાનત હજુ જેટલી હીરાના કારોબારને પ્રણાલિકાગત અપડેટ કરવાની હોવી જોઈએ તેટલી નથી. સરકાર પાસે હીરા બજારનું નિયમન કરી શકે તેવું કોઈ સ્વાયત્ત સેબી જેવું વ્યવસ્થાતંત્ર કે વિજિલન્સ દ્રષ્ટિસંપન્નતા નથી. થોડોક સમય થાય કે હીરા બજારમાં કોઈ ને કોઈ આંચકા આવવાના શરુ થઈ જાય છે. કંઈ ન હોય તો સરકાર રાજકીય દ્વેષ રાખીને કોઈ ડાયમન્ડ કિંગને જેલના સળિયા પાછળની જિંદગીનો પરિચય કરાવે છે. ભારતીય હીરા બજારમાંથી નીરવ મોદી અબજો રૂપિયાનું આંધણ મૂકીને નાસી છૂટયો પછી સરકારે માત્ર પોતાનો વ્યર્થ પ્રભાવ દર્શાવવાના દરોડાઓ અને ધરપકડોનો રાઉન્ડ ચાલુ રાખ્યો. ડાયમન્ડ્સ આર નોટ ફોર એવર એ એનડીએ સરકારનું સૂત્ર હોય એવું લાગે છે. તેઓ માત્ર પોતાની સત્તાને જ ફોર એવર, સદા કે લિયે ચાહે છે !
દક્ષિણ મુંબઈના ચર્ની રોડ સ્ટેશનની ભીડમાં હીરા મહલ કે બ્લ્યૂ ડાયમન્ડ જેવા ચમકદાર નામો ધરાવતી અનેક રેસ્ટોરન્ટમાં આંતરરાષ્ટ્રીય ડીટીસીના સાઇટ હોલ્ડરો દેખીતી ઇડલી કે મુંબઈપ્રિય વડાપાંઉને આરોગતી વેળાએ કરોડોના કામકાજ પાર પાડે છે. એક જમાનામાં આ વિસ્તાર ભારતના હીરા બજારના ખેલાડીઓનું હબ હતો, જ્યાં પાંચ- સાત હજાર પેઢીઓ ધમધમતી હતી, જેમાં સૌથી વધુ પડાવ તો પાલનપુરી જૈનોના હતા. પરંતુ એ જમાનો હવે એલિફન્ટાની ગુફાઓ જેવો એક ઇતિહાસ બની ગયો છે. મુંબઈની હવા ખંભાતના અખાતને પાર કરીને સુરતના હીરા ઉદ્યોગ સાથે રમવા લાગી છે. જે રીતે મહારાષ્ટ્ર સરકારની સતત નકારાત્મક વૃત્તિને કારણે મુંબઈનું હીરા બજાર ભાંગતુ રહ્યું તે જ રીતે ગુજરાત સરકારની પોલિસીને કારણે હવે સુરતના હીરા ઉદ્યોગના ભંગાણની શરુઆત થઈ છે. નીરવ મોદીની વિદાય આમ તો ભારત માટે ચિર વિદાય જ કહેવાય, કારણ કે એ આલ્યા અને માલ્યાની જેમ પોતાની હયાતીમાં તો ભારત આવે એવો શખ્સ નથી. ભારત સરકારના અધિકારીઓ ક્યારેક એવી વાતો કરે છે કે જેનો અર્થ એવો થાય છે કે, ચોર તો એની જાતે જ આવતો હોય છે, પોલીસે કે સરકારે કંઈ કરવાનું રહેતું નથી.
દાઉદ ઇબ્રાહીમની પંરપરાના એના વારસદાર આપણને એરલાઇન્સ, હીરા બજારમાંથી પણ મળવા લાગ્યા તે આમ તો દાઉદ નામની વિભાવનાનો જ ક્રમિક વિકાસ છે. ભારત ડાયમન્ડ બુર્સ દ્વારા અનેક પ્રયત્નો છતાં હીરા ઉદ્યોગને વારંવાર લાગતા રાજકીય ગ્રહણથી હજુ મુક્તિ મળી નથી. નીરવ મોદી પણ કોઈક રાજકીય માંધાતાનો જ એક પડછાયો છે. કૌભાંડકારીઓને સેઇફ પેસેજ કોણ આપતું રહે છે તે હવે સંશોધનનો વિષય નથી. ભારતીય હીરા બજારમાં હજુ નાની- મોટી સાઇઝના નીરવ મોદીઓ સ્વૈરવિહાર કરતા જોવા મળે છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ પછી ખરેખર જરૂરત અનુભવતા વેપારીઓને બેન્કોએ ઓવરડ્રાફ્ટ સેવાઓ કે લોન આપવાનું બંધ કર્યું છે. નીરવ મોદી અને તેના સગા સાગરિત મેહુલ ચોક્સીની કંપનીઓ સ્થગિત થઈ જતાં દસ હજાર કર્મચારીઓ રઝળી પડયા તે હજુ આજે પણ ઠેકાણે પડયા નથી.
બીજી તરફ હીરાની નિકાસ અટકવા લાગી છે. દુનિયામાં આયાતકારો તો એટલા જ છે અને હીરાની ડિમાન્ડ વાર્ષિક ૧૫- ૨૦ ટકાના ધોરણે વધી છે, પરંતુ એ હવે અન્ય દેશો તરફ વળી ગઈ છે. ભારતીય હીરા ઉદ્યોગની અસલ ચમક પર સતત આવતી રહેતી આંધીઓને કારણે હવે ધૂળ બાઝી ગઈ છે. ખુદ બજારનું પણ આ પતનમાં યોગદાન છે. હીરા બજારનો પણ શેર બજાર જેવો જ સ્વભાવ છે. આ બજારો નંગને જન્મ આપે છે, પાસાં પાડે છે, નિભાવે છે અને પછી એને નીરવની જેમ વિસ્ફોટક ઊંચાઈએ પહોંચાડે છે. આવા નંગ સુરત અને મુંબઈમાં હજુ ઘણા છે. મૂળ બેન્ક મેનેજરો અગાઉ થોડા હીરાના પાર્સલો (ખરેખર નાના પડીકાંઓ) જોઈને ખેલાડીઓને લોન આપતા હતા અને કારોબાર ચાલતો હતો. મોટા મગરમચ્છોએ મચાવેલી ધમાલને કારણે નાની માછલીઓને મળતા દાણા પણ હવે દુર્લભ થઈ ગયા છે. હવે અનેક ઉદ્યોગપતિઓ હીરા બજારમાંથી નિવૃત્ત થઈને અન્ય ઉત્પાદનો તરફ વળવાની ચાહત રાખે છે.
અંદાજે દસ લાખ લોકોને રોજગારી આપીને દુનિયાની હીરાની કુલ નિકાસમાં ૭૫ ટકા હિસ્સો ધરાવવાની સાવ નજીક પહોંચેલા આ ઉદ્યોગને અરુણ જેટલી જેવા પૂર્વ નાણાપ્રધાને ઘણું નુકસાન કરેલું છે. તેમણે ગયા ભાજપનો હીરા બજાર તરફનો દ્વેષ છતો થવા દીધો હતો. આમ તો ઇ.સ. ૨૦૦૭માં તત્કાલીન નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે કટ અને પોલિશ્ડ ડાયમન્ડ પર તમામ આયાતી ડયુટી ખત્મ કરી હતી. આને કારણે આયાતી હીરાના કામકાજ ૨૧ અબજ ડોલર સુધી પહોંચી ગયા હતા. નોટબંધી અને જીએસટીને કારણે આયાત ૧૪ અબજ ડોલર સુધી નીચે આવી. હીરા બજારમાં બે નંબરના કામકાજ પણ વધી ગયા છે. નવાઈની વાત તો એ છે કે ભારત હીરાનો ઉત્પાદક દેશ ન હોવા છતાં અબજો રૂપિયાના રફ ડાયમન્ડની નિકાસ પણ કરે છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે દેશોમાંથી રફ ડાયમન્ડ વૈશ્વિક હીરાબજાર એન્ટવર્પ (બેલ્જિયમ)માં હરાજી માટે આવેલ છે. આ હીરાનો ઉદ્ગમ સ્થળથી બજાર સુધીનો સત્તાવાર માર્ગ છે.
પરંતુ એ માર્ગમાં વચ્ચેથી જ હીરા ભારત સહિતના અન્ય દેશોમાં પહોંચીને ત્યાંથી પછી નિકાસ થાય છે. ભારતીય હીરાપતિઓ એન્ટવર્પમાંથી માલ ખરીદે તો છે, પણ એમાં દૂધના કારોબાર જેવું જ છે, તેઓ આયાત કરે છે એનાથી ક્યાંય અધિક તો નિકાસ કરતા રહે છે. જે રીતે દૂધાળાં પશુઓની સંખ્યાથી અને દોહિત દૂધની માત્રાથી અનેકગણું દૂધ આપણે વેચીએ છીએ અને પ્રજા એને લિજ્જતથી ગટગટાવે પણ છે. દૂધ અને હીરાનાં આ રહસ્યો સરકાર નરી આંખે જોઈ શકતી નથી.
હીરા ઉદ્યોગમાં પણ સિન્થેટિક કે કેમિકલ વેપર ડિપોઝિશન (સીવીડી)થી નિર્માણ થતાં બનાવટી હીરાઓની ભેળસેળ થાય છે. અસલી હીરા જેવા જ દેખાતા આ નકલી હીરાઓ ૭૫ ટકા સસ્તા હોય છે. સંસારમાં પણ આવું જ છે. સરકારે એના પર પ્રતિબંધ મૂકી નકલી હીરાઓ પર અંકુશ મેળવવા મથામણ કરી છે તો પણ રિટેઇલ બજારમાં શ્રીમંતાઈના રૂઆબમાં ફરતા અજ્ઞાાની ગ્રાહકો નકલી હીરાના આભૂષણો ધારણ કરવાનો ભોગ બને છે.
સાચા કહીને ખોટા હીરાઓ પધરાવી દેવાના આ કારોબારમાં પણ અનેક નંગ કામયાબ થતા જોવા મળે છે. દુબઈના પશ્ચિમી કિનારેથી જે હીરાઓ ભારત આવે છે તે કાંગો, ઝિમ્બાબ્વે અને સિએરા લિયોનથી રવાના થયેલા હોય છે અને તેમાં કેટલાક સશ સંઘર્ષ કરતાં જૂથોનો પણ હસ્તક્ષેપ હોય છે. અત્યારે આફ્રિકન દેશોમાં ભૂગર્ભમા ક્રાન્તિ આકાર લઈ રહી છે તેને ભંડોળ તો દુબઈનો પશ્ચિમી સમુદ્ર તટ જ પૂરા પાડે છે. જેને પાંડુરંગ શાીએ ડાયમન્ડ આટસ્ટ એટલે કે રત્ન કલાકાર કહ્યા તે હીરાઘસુઓ ઉત્તમ પ્રકારના ઘડવૈયાઓ છે. ટેકનોલોજીના વિકાસ પછી એમની કુશળતા અને કસબ બંનેમાં અભિવૃદ્ધિ થઈ છે. સુરત ભારતીય હીરાબજારનું પાટનગર હતું, પરંતુ હવે નથી, કારણ હવે કે હવે તે વેરવિખેર અને રાજકીય કિન્નાખોરીમાં ભોગ બની પછડાતા ઉદ્યોગપતિઓનું નગર છે. સુરત હવે નફાનો નહીં, પ્રતિાનો જંગ લડે છે.