Get The App

ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા 1 - image

- અલ્પવિરામ

- પંજાબ સહિતનાં ઉત્તરીય ભારતનાં રાજ્યો હવે ગુનાખોરીની લપેટમાં એવા આવી ગયાં છે કે એના નેતૃત્વમાં અને રાજ્ય વ્યવસ્થાપનમાં પાવરફુલ વિજિલન્સ જોઈએ

રૂપિયા ૨૫૦૦ કરોડના કેફી દ્રવ્યો ઝડપાય એ એક જમાનામાં મોટી ઘટના ગણાતી હતી. હવે ગુજરાત અને પંજાબ બન્ને સરહદી રાજ્યોમાં ડ્રગ્સ ઝડપાય એ ઘટના સામાન્ય છે. ફેર એટલો છે કે આજકાલ વિવિધ રાજકીય મોરચે પછડાટ ખાઈ રહેલી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ડ્રગ્સ વિરોધી પગલાં લેવામાં બહુ જ એકાગ્ર છે. એને કારણે ઉડતા પંજાબ હવે ધરતી પર આવવાની શરૂઆત થઈ ગઈ છે. વળી, મુખ્યમંત્રી ભગવંત માનનું પ્રચાર તંત્ર પણ બહુ તકલાદી છે, એટલે એના કામથી ઈતર ભારત વાકેફ નથી. હવે તો એની સરકારનું આયુષ્ય દસ મહિનાનું છે. એમણે સત્તામાં ટકી રહેવું હોય તો લોકો વચ્ચે જઈને ફરી જીતવું પડશે. ભાજપની કાતિલ નજર પંજાબ પર છે અને એ તો સ્વાભાવિક છે, પરંતુ અત્યારે તો ભગવંત માન સરકાર લોકપ્રિય અને માનવંત સરકાર છે.

પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચાલતા આતંકવાદીઓના કેમ્પના કમાન્ડરોએ તેમની મોડેસ ઓપરેન્ડી બદલી હોવાના સંકેત મળવા લાગ્યા છે. પંજાબ તો ડ્રગ્સના સપાટામાં બહુ અગાઉથી ફસાઈ ગયેલું રાજ્ય છે. એના છેડા છેક અફઘાનિસ્તાનના અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. જોકે તાલિબાનો સત્તામાં આવી ગયા પછી અસામાજિક તત્ત્વોને છુટ્ટો દોર મળી ગયો છે. કેપ્ટન અમરિન્દરસિંહનો સત્તાકાળ પંજાબમાંથી ડ્રગ્સ માફિયાઓને પકડવાથી શરૂ થયો હતો અને એમાં જ એમની મુદત પૂરી થઈ હતી. પછી આવી ભગવંત સરકાર, એમણે પણ શરૂઆત તો ડ્રગ્સ સામેની આક્રમકતાથી જ કરવી પડી. તેમણે યુદ્ધ નશા વિરુદ્ધ - એવા નામે ઝુંબેશ ચલાવી છે. છેલ્લાં ચાર વરસમાં માન સરકારે ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા કુલ ૯૫,૦૦૦ અપરાધીઓની ધરપકડ કરી છે. પંજાબની જેલોમાં જગ્યા ન હોય ત્યારે આ અપરાધીઓને હરિયાણાની જેલોમાં મોકલી દેવામાં આવે છે. ભગવંત સરકારે સુકાન સંભાળ્યા પછીથી અદ્યાપિ ૬૦૦૦ કિલો હેરોઈન સરકારે કબજે કર્યું છે. જેની કિંમત અબજો રૂપિયાની થાય છે.

ઘઉંના લહેરાતાં ખેતરોની વચ્ચે પંજાબની જે પ્રજા દાયકાઓથી મહેનત કરતી તે પ્રજાને પાકિસ્તાનના ડ્રગ માફિયાઓએ વિવિધ પ્રકારના કેફી દ્રવ્યોના રવાડે ચડાવી દીધી ત્યારથી એક તો પંજાબમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું અને બીજું, પંજાબના યુવાનો જે સૌથી વધુ ભારતીય સૈન્યમાં ભરતી થતાં હતા તેમાં પણ ઓટ આવી. ભગવંતે મુખ્યમંત્રી પદની ધૂરા સંભાળી ત્યારથી આજ સુધીમાં એમણે ડ્રગ્સના વ્યસની બની ગયેલા પંજાબના લાખો યુવાનોને સામાન્ય અને નિર્વ્યસની જીવન તરફ વાળ્યા છે. કેપ્ટન અમરિંદરની સરકાર વખતે દેશી શરાબ પીવાને કારણે એકસોથી વધુ નાગરિકોના મોત થયા હતા. હવે એવી ઘટનાઓ બનતી નથી.

પણ ભગવંત પાસે કોઈ જાદુઈ લાકડી નથી. લઠ્ઠો હજુ પીવાય તો છે જ. ઘણીવાર દેશી દારૂ તરીકે ઓળખાવવામાં આવે છે. જાણતા હોવા છતાં પંજાબના ગામડાંઓમાં બેફામ લઠ્ઠો પીવાય છે. કેપ્ટન અમરિન્દરે એમના જમાનામાં એકવાર તો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારાઓના પરિવારોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આપણા દેશની આ હાલત છે કે કોઈ લઠ્ઠો પીવે, પછી એમાં મોતને ઘાટ ઉતરે ને પછી વફાદાર કરદાતાઓએ રાજતિજોરીમાં જમા કરાવેલી મહેનતમાંથી એ લઠ્ઠો પીનારાના પરિવારોને આશ્વાસન રકમના કુલ લાખો રૂપિયા આપવામાં આવે.

કોઈ સજ્જન કરદાતા આખી જિંદગી ટેક્સ ભરશે અને છેવટે ગંગાજળનો ઘૂંટડો પીને નિંરાતેથી દિવંગત થશે તો સરકાર એના ઘરે એક પોસ્ટકાર્ડ પણ નહિ લખે અને શુકનનો સવા રૂપિયો પણ આશ્વાસનમાં નહિ મોકલે. ભારતમાં ગંગાજળિયો કાંઠો અને શરાબી નદીઓનો કાંઠો અલગ અને સામસામો છે. ભારતની જિંદગી એ બેયની વચ્ચેથી પુરપાટ વહે છે. પંજાબના મુખ્યમંત્રી અખંડ મહેનત કરીને પંજાબમાં પોતાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર સ્થાપી ને સારી રીતે ચલાવી છે. સામા પાણીએ તરીને જીત્યા હોવાથી એમનું અભિમાન પણ કંઈ છાનું રહે એમ નથી. ઈ. સ. ૨૦૨૭માં એમને ફરી સત્તા પર આવવાની આશા છે. અત્યારે તો પંજાબ આપમાં પણ ચઢ્ઢા છાપ જુદા જુદા ઘોર આંતરકલહ ચાલે છે. પંજાબ સહિતનાં ઉત્તરીય ભારતનાં રાજ્યો હવે ગુનાખોરીની લપેટમાં એવા આવી ગયાં છે કે એના નેતૃત્વમાં અને રાજ્ય વ્યવસ્થાપનમાં પાવરફુલ વિજિલન્સ જોઈએ.

કોઈ સીધા-સાદા મુખ્યમંત્રી ન તો પૂર્વોત્તર રાજ્યોમાં ચાલે કે ન તો ઉત્તર ભારતમાં ચાલે. ભગવંત માને ગૃહખાતા પાસેથી ખૂબ કામ લીધું છે. રાજકીય વહીવટીય અને વિચક્ષણ બુદ્ધિમત્તાની રીતે તેઓ એકદમ ફિટ છે. પ્રજા તેમને ખરા દિલથી ચાહે છે, પરંતુ પંજાબમાં કલેક્ટરોનું કામ હોતા હૈ ચલતા હૈ જેવું છે. જેટલું કામ પોલીસતંત્ર કરે છે એટલું કામ મહેસુલ, પુરવઠા, નશાબંધી કે આબકારી અધિકારીઓ કરતા નથી. ભગવંતે એક સાથે દસ-બાર ઉચ્ચાધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, પણ એનાથી બહુ ફેર પડયો નથી.

પરંતુ જિલ્લાતંત્રોની સુષુપ્તિને કારણે કોઈ પગલા લેવાયાં નહિ. લઠ્ઠાકાંડ અગાઉ અમૃતસર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બે ખોબા જેવાંં ગામડાઓમાંથી લઠ્ઠો પીવાથી મોત તરફ ધકેલાતા પાંચ કેસ સપાટી પર આવ્યા હતા. ત્યારે જ જો આ લઠ્ઠો ક્યાંથી આવ્યો છે એ જાણીને દરોડા પાડવામાં આવ્યા હોત તો બીજા અનેક લોકોની જાનહાનિ નિવારી શકાઈ હોત. લઠ્ઠાથી મૃત્યુ પામનારા પાંચ ગ્રામવાસીઓના સમાચાર સ્થાનિક ચેનલોમાં પણ વહેતા થયા હતા. તો પણ સરકારી તંત્ર જાગ્યું ન હતું. એ ઘટનાના પાંચ દિવસ પછી એ જ લઠ્ઠો અમૃતસર, ગુરદાસપુર અને તરણતારણ જિલ્લાઓના ગામડાંઓમાં ડિલિવર થઈ જતાં એક સાથે સોથી વધુ મોતનો હાહાકાર મચી ગયો અને છેક ત્યારે સરકાર જાગી.

આપણે ગુજરાતમાં પોલીસ આંખો મીંચીને દરોડા પાડે તોય ૨૦૦ પેટી દારૂની એક કલાકમાં ઝડપાઈ જાય એમ પંજાબમાં ડ્રગ્સ ન પકડાય એવા કોઈ જિલ્લા કે તાલુકા નથી. આપના પ્રધાનો ગમે તેટલા તૈયાર હોય પરંતુ દરેક જિલ્લાના વહીવટીતંત્ર હજુ એવા ને એવા જ છે, જેવા અકાલીદળ અને ભાજપની યુતિએ એમને બનાવી મૂક્યા હતા. પંજાબ સરકારે અદાલતી તપાસના આદેશો આપ્યા છે પરંતુ એથી કંઈ આવા દેશી દારૂની ભૂગર્ભ ધારાઓ વહેતી બંધ થઈ જવાની નથી. દેશમાં અનેક બાબતોમાં એવું જોવા મળે છે કે જ્યાં સુધી મોટી જાનહાનિ ન થાય ત્યાં સુધી સરકાર ધ્યાન આપતી જ નથી. પંજાબમાં દારૂબંધી નથી પરંતુ શરાબ બનાવવાના તથા ખરીદ-વેચાણના ચુસ્ત નિયમો છે.

જ્યાં શરાબનું ઉત્પાદન થાય છે ત્યાં સરકાર તરફથી ગુણવત્તા નિયમન શિથિલ હોય છે. અને એમાંથી જ આખરે લઠ્ઠો બહાર આવે છે. હકીકત એ પણ છે કે વાંધાજનક શરાબના ઉત્પાદકો પાસે કોઈ લાયસન્સ હોતા નથી. એથી તેઓ હલકી ગુણવત્તા દ્વારા ચિક્કાર નફાની યોજનાઓ ઘડે છે. તેમાં અંધારી આલમનાં  અસામાજિક તત્ત્વો જોડાયેલાં હોય છે. પંજાબી પ્રજા લઠ્ઠાને ઝેરી શરાબ કહે છે. ખરેખર એ શરાબમાં કંઈ ઝેર ઉમેરવામાં આવ્યું હોતું નથી, પરંતુ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં માત્રાભેદને કારણે તથા લાંબો સમય પડયા રહેવાને કારણે રાસાયણિક પ્રક્રિયાઓ વિપરીત થવા લાગે છે.

ઉપરાંત ઉત્પાદનના દરેક તબક્કે હલકી ચીજો અને છેલ્લે બનાવટી લેબલ લગાવીને માલ વેચવામાં આવે છે. ગુજરાતમાં આવો લઠ્ઠાકાંડ અગાઉ અનેકવાર બહાર આવેલો છે. સાબરમતીના કોતરોમાં દેશી શરાબની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે. અમદાવાદથી ઉપરવાસમાં ભેદી કોતરોમાં લઠ્ઠો બને છે અને વેચાય છે. આજે પણ વડોદરા, સુરત અને મુંબઈના પછાત વિસ્તારોમાં જે શરાબ મળે છે જે સંબંધિત સત્તાતંત્રો પણ જાણે છે તે પંજાબની ઝેરી શરાબ જેવી જ ગુણવત્તા ધરાવે છે. એના પર કોઈનું નિયમન નથી. દેશમાં અનેક રાજ્યોમાં પંજાબ જેવા લઠ્ઠાકાંડ આકાર લે તો એમાં કોઈ જ નવાઈની વાત નથી, કારણ કે દરરોજ ક્યાંક ને ક્યાંક ઝેરી શરાબ જનિત અલ્પસંખ્યામાં મોત તો નોંધાતા જ રહે છે. જો કોઈ ખરો કુટિર ઉદ્યોગ ભારતમાં ધમધમતો હોય તો તે દેશી દારૂના નિર્માણનો જ છે. સાંભળવી ન ગમે તો પણ આ હકીકત છે.