ગુજરાતના સુંદર મનોહર સાગરકિનારાથી પ્રજા વિમુખ કેમ?


- અલ્પવિરામ

- જેણે વારંવાર દરિયાદેવનો સાક્ષાત્કાર કર્યો નથી એને જિંદગીની આખિલાઈની શી ખબર પડે? સમુદ્ર અને ચન્દ્રને સંયુકત રીતે દર્શનીય હોય એ મુખ્ય પ્રસંગ શરદપૂર્ણિમા છે

ચન્દ્ર શીતળ સૌન્દર્ર્યનો પ્રવાહક છે. હજુ આકાશમાં રાત્રે વાદળોનો વિહાર જોવા મળે છે. ચડતી કળાનો ચન્દ્ર ક્યારેક વાદળના ઘૂંઘટમાં ઢંકાઈ જાય છે, જેમ કોઈ નવવધૂના નેત્રદ્વય, લજ્જાથી પાંપણના ઘૂંઘટમાં ઢંકાઈ જાય એમ. હવે શરદ તુનો શીતસુધાકર આકાશમાં સોળેય કળાએ પ્રગટ થવાની તૈયારીમાં છે. આ વખતનો વરસાદ હજુ સાવ શાંત થયો નથી. એને હજુય વરસવાના અભરખા બાકી રહી ગયા હોય એમ લાગે છે. ગુજરાતનો વિરાટ સાગર કિનારો શરદ પૂનમની રાતે પણ સૂમસામ હશે કે? ક્યાંક ક્યાંક શોખીનોના પડાવ હશે, પણ એ સિવાય તો આપણે ત્યાં શરદ પૂનમે દરિયા કિનારે જવાના પ્રજાને સંસ્કાર પડયા નથી. દરિયા સાથે એકવાર જેને દોસ્તી થઈ જાય છે એ પછી આ ભવમાં તો અટકતી નથી. યાયાવર પંખીની જેમ મન ઉડી ઉડીને ફરી ફરી દરિયે જ પહોંચી જાય છે.

એક જમાનામાં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન હતા. ત્યારે એમણે આપણા તત્કાલીન મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલને દરખાસ્ત કરી હતી કે તમારા લાંબા સાગરકિનારામાંથી ૨૦૦ કિલોમીટરનો કિનારો અમને સો વરસના ભાડાપટ્ટે આપો તો અમે ત્યાં મનોહર પ્રવાસન સ્થળો અને બંદરો વિકસાવીશંુ. પરંતુ ચીમનભાઈએ ઈન્કાર કરી દીધો હતો. ગુજરાતના દરિયાકિનારા તરફ પ્રજાનું આકર્ષણ ઓછું છે. તરતા પણ બહુ ઓછા લોકોને આવડે છે. તરણવિદ્યા ખરેખર તો જિંદગી બચાવનારી કળા છે. આપણે ત્યાં દર વરસે ચોમાસામાં અને પછી અનેક યુવાનો અને કિશોરો નદીઓના પાણીમાં કે તળાવમાં ડૂબી જાય છે. ભારે વરસાદમાં પણ લોકો તણાઈને મોતને ભેટે છે. આ વરસે ડૂબીને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા મોટી નોંધાયેલી છે. આ કરૂણાન્તિકાઓ પર સ્વતંત્ર રીતે સરકારે વિચાર કરવાની જરૂર છે, કારણ કે દર ચોમાસાનો એ ક્રમ છે.

આનું એક કારણ એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંય તરવાની તો વાત જ આવતી નથી. આપણા અનેક શહેરોમાં મ્યુનિસિપલ સ્નાનાગાર છે. ત્યાં પણ જે વાલીને ખુદને તરતા આવડતું હોય એ એમના સંતાનોને આગ્રહ કરીને, સમજાવીને ધરાર તરતાં શીખવે છે. એકવાર આવડી જાય પછી તો સંસારમાં એના જેવી બીજી કોઈ મઝા નથી. મોટા ભાગના વાલીઓ એ વાતથી હજુ અજ્ઞાાત છે કે તરવાની કળા હવે માત્ર શોખનો વિષય નથી. બદલાયેલા પર્યાવરણમાં આ એક લાઈફ સેવિંગ મેજિક છે. એ પોતાની જિંદગી તો બચાવે છે પણ ક્યારેક અન્ય ડૂબતાને પણ તારે છે. એક વાર પણ કોઈ તરવૈયાને કારણે જેની જિંદગી બચી ગઈ હોય એને જઈને પૂછો કે તરણકળા એટલે શું તો ખબર પડે. ડૂબવાના પ્રસંગ વિના તરવાના મહિમાનું ભાન ન થાય એ તો અજ્ઞાાન છે.

હવે કેટલાક શૈક્ષણિક સંકુલોમાં તરતા શીખવા માટે સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ એની ટકાવારી પાંચ ટકા પણ નથી. એની સાથે વાલીઓની પણ ઉદાસીનતા છે. ગુજરાતનો દરિયો એટલો મનોહર અને સુંદર છે કે સમગ્ર કિનારાની એક વખત સળંગ પગપાળા યાત્રા કરો તો એના રૂપનું વૈવિધ્ય અને જળરાશિના પ્રગલ્ભ સૌન્દર્યની ખબર પડે. ચાંચ બંદરથી શિયાળ બેટ રાતના સફર કરો તો શાંત સમુદ્રનો અવાજ સંભળાય. કોઈ બહુ ઊંડા ઉતરતા નથી, પરંતુ જ્યાં અત્યારે પીપાવાવ બંદર છે એની બાજુમાં વિક્ટરનો દરિયા કિનારો બહુ ઊંડાણ ધરાવે છે.

ભાવનગર રાજ્યના ચીફ એન્જિનીયર તરીકે કૃષ્ણકુમારસિંહજીએ બ્રિટિશ રાજઘરાનાના મહાન ઈજનેર રિચાર્ડ સિમ્સની નિમણુક કરી હતી. મિસ્ટર સિમ્સ એક અલગારી એન્જિનીયર હતા અને દરિયાકિનારે રખડવાના ઘેલા હતા. આજનું પીપાવાવ બંદર હકીકતમાં રિચાર્ડ સિમ્સની શોધ છે. 

દરિયા સાથે ગુજરાતી પ્રજાનો સંબંધ ગાઢ હતો. વહાણે ચડેલો ગુજરાતી એક હજાર વરસ સુધી હેઠે ઉતર્યો ન હતો. ગુજરાતીઓએ સાત સમંદરની સફર કરી અને અનેક સાહસો પાર પાડયા. ગુજરાતીઓ બહુ સારા સુકાની હતા. કાઠિયાવાડના સાગરકાંઠે એને સોખાની કહેતા.

ગુણવંતરાય આચાર્ય અને નવનીત સેવકે અનેક નવલકથાઓ દ્વારા ગુજરાતીઓના સાગરસમ્રાટ જેવા કથાનકો આલેખ્યા છે. હવે ન તો સાગરકથાઓમાં પ્રજાને રસ છે ને ન તો સાગરમાં રસ છે, પણ એ રસ લેવા જેવો છે. જેણે વારંવાર દરિયાદેવનો સાક્ષાત્કાર કર્યો નથી એને જિંદગીની આખિલાઈની શી ખબર પડે? એટલે જ કેટલાક દિવસો કુદરતે સમુદ્ર અને ચન્દ્રને સંયુકત રીતે દર્શનીય બનાવ્યા છે. અને એમાંનો મુખ્ય પ્રસંગ પૂર્ણિમા છે. પૂનમની રાતે દૂર આકાશમાં રહેલા ચન્દ્ર અને દરિયાની અભિશાપિત દોસ્તી જામે છે. કદી એકબીજાને ન મળી શકે એવા બે રાજાઓ જાણે કે આભધરાના સામસામા ઝરૂખે એકબીજાને જોતા હોય અને અખંડ ભાઈબંધીમાં ઝૂરતા હોય. વળી, દર પૂનમે આ જ વેદના.

એને કારણે ચન્દ્ર જાણે કે સમુદ્ર તરફ ઝૂકે છે અને દરિયો આસમાને ઉછળે છે. રાતભર જેણે જિંદગીમાં એકવાર પણ દરિયો નજરોનજર ઘૂંટડે ઘૂંટડે પીધો હોય એને પછી કોઈ અડધી અધૂરી તરસ રહેતી નથી. આંગળીઓના ટેરવે રમતાં ઉપકરણોમાંથી નવરાશ લેવા જેવી છે. કેટલાક લોકો તો પોતાના શહેરમાં જ બે-ત્રણ વરસમાં છત્રીસ હજાર કિલોમીટર બાઈક કે કાર ચલાવે છે. એટલું હરેફરે છે. પૃથ્વીની પ્રદક્ષિણા પણ લગભગ છત્રીસ હજાર કિલોમીટરની જ થાય છે. કુદરતના ખોળે રમતા રહેવું એને એક ઔષધિ માનીનેય એનું રસપાન ચાલુ રાખવા જેવું છે.

અને દરિયો તો દાતાર કહેવાય છે. દરિયો જે અને જેટલું આપે એટલું આપવાની તાકાત કોની હોય? એને રત્નાકર કહ્યો છે તે માત્ર હીરામોતી માટે નહિ. જિંદગીમાં એક નાનકડી સમજણ હજાર ઘાતમાંથી જાતકને ઉગારે છે. એક પ્રકારનું ડહાપણ લાઈફ પલટાવે છે. આપણે ડહાપણના દરિયાથી ટેવાયેલા છીએ... એના બદલે દરિયાના ડહાપણને આત્મસાત્ કરવું જોઈએ. કેટલી બધી નદીઓના જળને દરિયો પી જાય છે. અને આપણે તો કોઈએ ઉતાવળે ઉચ્ચારેલા બે વેણ પણ ગળે ઉતારી શકતા નથી. એટલે  પૂર્ર્વસૂરિઓએ આપણને શબ્દ આપ્યો છે - દરિયાદિલી. બીજું કંઈ ન હોય તોય એકલી દરિયાદિલીથી પણ બધા જ મોરચે આ જિંદગી જીતી શકાય છે. ઈતિહાસમાં એના અનેક દ્રષ્ટાન્તો છે.

દરિયા સાથેનો પ્રજાનો સંબંધ એના મનની અને ઈચ્છાની વાત છે. આપણે ત્યાં દરિયાકિનારા સિવાયની પ્રજાને પોતાને ઘેલું ન લાગે ત્યાં સુધી વિરાટ સાગર એને માટે કોઈ કામનો નથી. દરિયાઈ જળમાર્ગ પણ જે છે તે આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય છે. ગુજરાતમાં જ એક કિનારેથી બીજા કિનારે જવાના જળમાર્ગ નહિવત્ વિકસેલા છે. અરે આપણી યુનિવર્સિટીઓમાં પણ સાગર ભવન નથી. સામુદ્રિક વિદ્યાઓ અને વિજ્ઞાાન પર સંશોધન કરવાની સ્વાયત્ત વ્યવસ્થા નથી. આ બધું થતાં હજુ વરસો લાગશે. આર્મીમાં જનારા યુવાપ્રવાહમાં પણ નેવીમાં જનારો પ્રવાહ બહુ નાનો છે. દુનિયાના બીજા દેશો કે પ્રદેશોમાં આવું નથી. લોકો વિકેન્ડમાં પહેલી પસંદગી દરિયાલાલને આપે છે. 

City News

Sports

RECENT NEWS